Sardar Sarovar Dam : સરદાર સરોવર ડેમની સપાટીમાં મોટો વધારો, 27 ગામોને એલર્ટ કરાયા
Sardar Sarovar Dam : ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં પાણીની આવકમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે, જેના પગલે તંત્ર દ્વારા ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની સપાટી 132.78 મીટરે પહોંચી છે.
સરદાર સરોવર ડેમમાં હાલ પ્રતિ સેકન્ડ 6 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. પાણીના આ ભારે પ્રવાહને નિયંત્રિત કરવા માટે ડેમના 10 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.

આ દરવાજાઓ મારફતે 1.36 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. આગામી સમયમાં વધુ 5 ગેટ ખોલવામાં આવશે.
નદીમાં પાણીનો પ્રવાહ વધતાં તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. નર્મદા નદી કિનારે આવેલા વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના કુલ 27 ગામોને સાવચેત રહેવા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ ગામોના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અને નદી કિનારાથી દૂર રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. સ્થાનિક વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
આ સંજોગોમાં નદી કિનારે વસતા લોકોને ખાસ તકેદારી રાખવા અને કોઈપણ જોખમી સ્થળે ન જવા માટે અપીલ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
