Halol Heavy Rain: પંચમહાલના હાલોલમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ, 4 કલાકમાં સાડા આઠ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
Panchmahal Rain News: પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં શનિવારે સવારે આભ ફાટ્યું હોય તેમ માત્ર 4 કલાકમાં સાડા આઠ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. વહેલી સવારે 6થી 8 વાગ્યા સુધીમાં તો 7 ઇંચ વરસાદ પડતાં સમગ્ર હાલોલ જળબંબાકાર થઈ ગયું હતું. આ અતિભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેનાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

નીચાણવાળા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાયા
Halol Heavy Rain: હાલોલના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. હાલોલ-વડોદરા રોડ પર ફાયર સ્ટેશન પાસે પણ પાણી ભરાતા વાહનવ્યવહારને ભારે અસર થઈ છે. મુખ્ય માર્ગો પર પાણી ભરાવાને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. એક ઘટનામાં, વરસાદી પાણીમાં એક એસ.ટી. બસ ખોટકાઈ હતી, જેના કારણે તમામ મુસાફરોને બસમાંથી બહાર કાઢવાની ફરજ પડી હતી.
પાવાગઢ ખાતે પણ ભારે વરસાદ પડ્યો
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પણ ભારે વરસાદ પડ્યો છે. મંદિર તરફ જવાના પગથિયાં પર પાણીનો ધોધ વહી રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
દાહોદના ધાનપુર તાલુકામાં ભારે વરસાદ વરસ્યો
તો બીજી તરફ દાહોદના ધાનપુર તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે. ધાનપુર સહિત આસપાસના ગામોમાં ભારે વરસાદ વરસ્યો હતો. ધાનપુરના પીપેરો. વેડ, ખોખરા, કુદાવાડા, દુધામલી, વારસીયા ગામોમાં વરસાદ ખાબક્યો હતો.
રાજ્યમાં ભારે વરસાદથી 169 માર્ગ બંધ કરવામાં આવ્યા
રાજ્યમાં વરસાદની આગાહી દરમિયાન દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતને મેઘરાજા ઘમરોળી રહ્યાં છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ રસ્તા જળમગ્ન થતાં અને લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થઇ જતાં રસ્તા બંધ કરવાની ફરજ પડી છે. રાજ્યમાં ભારે વરસાદથી 169 માર્ગ બંધ કરવામાં આવ્યા છે. ત્રણ સ્ટેટ અને ત્રણ નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યાં છે. હાલ પંચાયત હસ્તકના 160 માર્ગ બંધ છે. તો રાજ્ય સરકાર હસ્તકના ત્રણ અન્ય માર્ગ પણ બંધ છે. સૌથી વધુ નવસારી જિલ્લાના 32 માર્ગ બંધ કરાયા છે. પોરબંદર જિલ્લાના 28, સુરત જિલ્લાના 22 માર્ગ બંધ છે.












Click it and Unblock the Notifications
