
રાજસ્થાન, ગુજરાતમાં આતંકવાદીઓ ઘૂસ્યા, ઉચ્ચ સ્તરીય પોલીસ અધિકારીઓની બેઠક મળી
અમદાવાદ, 1 સપ્ટેમ્બર : પાડોશી દેશ પાકિસ્તાનની સરહદને અડીને આવેલા ભારતના બે રાજ્યો રાજસ્થાન અને ગુજરાતમાં આંતર રાષ્ટ્રીય સરહદેથી 15 આતંકવાદીઓ ઘુસી ગયા હોવાની દહેશતને પગલે કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ રાજસ્થાન ત્રાસવાદ વિરોધીદળને એલર્ટ કરવાની સાથે ગુજરાતમાં પણ સરહદી -દરીયાઇ વિસ્તારોમાં એલર્ટના આદેશો આપ્યા હતા.
આ બાબતની ગંભીરતાનો જોતા માઉન્ટ આબુમાં રાજસ્થાન અને ગુજરાતના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં આતંકવાદીઓની ઘુસપેઠ રોકવા માટે શું પગલાં લેવા તે અંગેની ચર્ચા થઇ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ગુજરાતના ગૃહ ખાતાના એડિશ્નલ ચીફ સેક્રેટરી એસ કે નંદા, રાજયનાં પોલીસવડા પી સી ઠાકુરે આ બાબતની ગંભીર નોંધ લઇ સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરોને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ સાથે સતત સંપર્કમાં રહેવા આદેશ આપ્યા છે.
દરમ્યાન અમદાવાદ, સુરત અને વડોદરાના પોલીસ કમિશ્નર હાલમાં ગુજરાતમાં ગણપતિ મહોત્સવ તથા પેટા ચુંટણીઓ ધ્યાને લઇ ઉગ્રવાદીઓ આ પરિસ્થિતિનો કોઇ પણ ભોગે લાભ ન ઉઠાવે તે માટે ક્રાઇમ બ્રાંચ, SOGને સક્રિય કર્યા છે.
વડોદરામાં છેલ્લા ઘણા દિવસથી પ્રવર્તતા અનિચ્છનીય માહોલને ધ્યાને લઇ વડોદરા પોલીસ કમિશ્નરે વડોદરા ક્રાઇમ બ્રાંચના અનુભવી ડીસીપી, વડોદરા ક્રાઇમ બ્રાંચના પીઆઇને વિશેષ જવાબદારી સોંપી છે.
રાજસ્થાનમાં 15 આતંકવાદીઓ ઘુસે તેવી દહેશત તથા સરહદ પર થતાં છમકલાઓ ધ્યાને લઇ ગુજરાતનાં વિશાળ દરિયાકાંઠા પર અને ખાસ કરીને દ્વારકા અને સોમનાથમાં સુરક્ષા જવાબદારી વધારી છે.
દરમિયાન રાજસ્થાનના માઉન્ટ આબુમાં ઉગ્રવાદીઓને મુદ્દે તૈયાર થયેલ રણનિતિ અમલી બનાવતા પહેલા સોમનાથ મંદિરની સુરક્ષા સહિત બંદરોની જાત માહિતી મેળવવા રાજયના પોલીસ વડા પી સી ઠાકુર ગુપચુપ રીતે મુલાકાત લઇ બ્રિજેશ ઝા સાથે મહત્વની ગુફતેગુ કરી હતી.
આ ઉપરાત પાટણ જિલ્લાના સરહદીય વિસ્તારોમાં આતંકવાદીઓ ઘૂસ્યા હોવાના અહેવાલો પગલે સ્થાનિક લોકોના જીવ તળિયે ચોંટ્યા હતા. પાટણના સાંતલપુર, ધોકાવાડા, ફાંગલી સરહદમાં રાજસ્થાન બાજુથી આતંકવાદીઓ ઘસ્યા હોવાના અહેવાલો વહેતા થયા હતા. આ મુદ્દે પાટણના એસપી પરીક્ષિતા રાઠોડ અને એસઓજીએ આ વાતને અફવા ગણાવી હતી.