તમામ વિશ્વવિદ્યાલયો સાફ-સુથરા હોવા જોઈએ : વિદ્યાર્થીઓ પણ અભિયાનમાં જોડાઈ સ્વચ્છતાને આદત બનાવે
ગાંધીજી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠમાં ગંદકીના ઢગલા જામી ગયા હોવાની સામે આવ્યા બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ગુજરાતના તમામ યુનિવર્સિટીમાં પત્ર લખીને કુલપતિઓને સફાઇ કરવામાટે કહેવામાં આવ્યુ છે.
ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ બન્યા બાદ રાજ્યાપાલ આચાર્ય દેવવ્રત સતત ગુજરાત વિદ્યાપીઠની સફાઇ કરીને ગંદકી દુર કરી હતી. આ સાથે જ રાજ્યપાલની સોશિયલ મીડિયામાં ટીકા પણ જોવા મળતી હતી કે, રાજ્યપાલ પાસે અન્ય યૂનિવર્સિટીની પણ જવાબદારી હોય છે તો ફક્ત ગુજરાત વિદ્યાપીઠની જ કેમ સફાઇ કરે છે. વિદ્યાપીઠની સફાઇને લઇને સવાલ ઉભા થતા રાજ્યપાલ દ્વારા તમામ યૂનિવર્સિટીની સફાઇ થવી જોઇએ તેમ જાહેર કહ્યુ હતુ.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવા અને તે સફળ થાય તે માટે નિશ્ચિત કાર્યક્રમ તૈયાર કરવા યુનિવર્સિટીઓના કુલપતિઓને અનુરોધ કર્યો છે.
તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓને પત્ર પાઠવીને આચાર્ય દેવવ્રતજીએ કહ્યું છે કે, ગુજરાતના તમામ વિશ્વવિદ્યાલયો સાફ-સુથરા, સ્વચ્છ હોવા જોઈએ; અને તો જ અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્વચ્છ વાતાવરણમાંથી પ્રેરણા લઈને સ્વચ્છતાના સંસ્કારો અપનાવશે, સ્વચ્છતાને આદત તરીકે અપનાવશે.
તેમણે આ પત્રમાં લખ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત-સ્વસ્થ ભારત મિશન દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવીને સ્વચ્છતા પ્રત્યે લોકોને જાગૃત કર્યા છે. એટલું જ નહીં, જનશક્તિને આ અભિયાન સાથે જોડી પણ છે. આપણા વિશ્વવિદ્યાલયોના વિદ્યાર્થીઓ પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાય. આ અભિયાન માત્ર એક દિવસ પૂરતું નહીં, પરંતુ નિરંતર ચાલે તે જરૂરી છે અને તો જ વિદ્યાર્થીઓ માટે સ્વચ્છતા નિત્યકર્મ બનશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કુલપતિઓને અનુરોધ કરતા લખ્યું છે કે, છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓના આવાસ-રૂમોનું પણ સમયાંતરે નિરીક્ષણ થતું રહેવું જોઈએ. એટલું જ નહીં, છાત્રાલય અને શૈક્ષણિક સંકુલોના શૌચાલયની પણ નિયમિત સફાઈ થતી રહે તે પણ સુનિશ્ચિત કરવું પડે. સમગ્ર પરિસરની દીવાલો સ્વચ્છ રહે તે માટે પણ વિશેષ કાળજી જરૂરી છે.
તેમણે તમામ કુલપતિઓને અનુરોધ કર્યો છે કે, તેઓ પોતાની યુનિવર્સિટીઓમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરે અને નિશ્ચિત કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરીને તેની જાણકારી રાજભવનને પણ આપે, જેથી સ્વચ્છતા અભિયાનને હજુ વધુ અસરકારક બનાવી શકાય.












Click it and Unblock the Notifications
