ગાંધીનગરમાં ફ્લડ કન્ટ્રોલ સેલ ખાતે પુરવઠામંત્રીએ રાજ્યમાં પૂર અને જળાશયોની સ્થિતિની સમિક્ષા કરી
ગુજરાતમાં વધુ વરસાદના કારણે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારોમાં સર્જાયેલી પૂરની સ્થિતિ તેમજ હાલમાં જળાશયોમાં પાણીની પરિસ્થિતિ અંગે આજે જળસંપતિ-પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ ફ્લડ કન્ટ્રોલ સેલ ગાંધીનગર ખાતે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

બેઠક બાદ તેમણે જણાવ્યુ છે, રાજ્યમાં ચોમાસાના પ્રારંભમાં જ લગભગ તમામ વિસ્તારમાં સારો વરસાદ થયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને જુનાગઢ તેમજ કચ્છ જિલ્લામાં વધુ વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે તેવા વિસ્તારમાં જનજીવન ઝડપી ધબકતું થાય અને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે સતત કાર્યરત છે.
પાણી પુરવઠા મંત્રીએ ફ્લડ સેલની મુલાકાત દરમિયાન સેટેલાઇટ ફોન દ્વારા ભાવનગરમાં શેત્રુંજ્ય ડેમમાં પાણીની આવક અને જાવક વિશે માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. મંત્રીએ ડેટા સેન્ટરમાં કાર્યરત વિવિધ ૧૨ જેટલા રીજીયોનલ ફ્લડ સેલની કામગીરીનું નિરીક્ષણ કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના સચિવ કે.એ.પટેલે રાજ્યમાં વધુ વરસાદના કારણે પૂર તેમજ વિવિધ જળાશોયોમાં પાણીની પરિસ્થિતિને પહોંચી વળવા વિભાગની તૈયારીઓ વિશે માહિતી આપી હતી.
આ સમીક્ષા બેઠકમાં જળ સંપત્તિ વિભાગના ખાસ સચિવ, મુખ્ય ઇજનેર-અધિક સચિવ સહિત ઉચ્ચ અધિકારીઓ-ઇજનેરો ઉપસ્થિત રહ્યાં હતાં.












Click it and Unblock the Notifications
