મહેસાણામાં થોળ પક્ષી અભયારણ્યમાં વસ્તી ગણતરી કરાઈ, 205 પ્રજાતિઓના 74452 પક્ષી નોંધાયા
મહેસાણા જિલ્લામાં આવેલું પ્રખ્યાત થોળ પક્ષી અભયારણ્ય હાલમાં પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તાજેતરમાં અહીં વન વિભાગ અને પક્ષીપ્રેમીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી દ્વિવાર્ષિક પક્ષી ગણતરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે.

આ પક્ષી ગણતરી દરમિયાન માત્ર 6 ચોરસ કિલોમીટરના મર્યાદિત વિસ્તારમાં કુલ 205 વિવિધ પ્રજાતિઓ જોવા મળી છે. આ નાનકડા વિસ્તારમાં પક્ષીઓની સંખ્યા 74,452 નોંધાતા નિષ્ણાતો અને વન વિભાગમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ગણતરીની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે સમગ્ર અભયારણ્યને કુલ 11 અલગ-અલગ ઝોનમાં વહેંચવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન પક્ષીઓને ખલેલ ન પહોંચે તે માટે બે દિવસ માટે પ્રવાસીઓનો પ્રવેશ બંધ રખાયો હતો.
મધ્ય એશિયન ફ્લાયવે પર સ્થિત થોળનું મહત્વ આ આંકડાઓ દ્વારા ફરી એકવાર વૈશ્વિક સ્તરે સાબિત થયું છે. મોટી સંખ્યામાં વિદેશી યાયાવર પક્ષીઓએ થોળને પોતાનું હંગામી નિવાસસ્થાન બનાવીને કુદરતી સૌંદર્યમાં વધારો કર્યો છે.
આ મહત્વપૂર્ણ ગણતરીમાં વન વિભાગના અધિકારીઓ સાથે પક્ષીપ્રેમીઓએ પણ ખભેખભો મિલાવીને ઉત્સાહપૂર્વક કામગીરી કરી હતી. ગણતરીમાં સામેલ થયેલા તમામ સ્વયંસેવકોને વન વિભાગ દ્વારા ભાગીદારી બદલ સન્માનિત કરી પ્રમાણપત્રો એનાયત કરાયા હતા.












Click it and Unblock the Notifications
