ઉના દલિત મુદ્દે ગુજરાત ભડકે બળ્યું, શાંતિ જાળવવા અપીલ
ઉનામાં દલિતોની પીટાઇ મામલે હવે વિવાદ વકરતા સોમવાર રાતે ગોંડલ અને રાજકોટ ખાતે આંગચાંપી અને પથ્થરમારાના બનાવો બન્યા હતા. સાથે જ દલિત સમાજ દ્વારા મંગળવારે સવારે વેરાવળ-જૂનાગઢ હાઇ વે અને જૂનાગઢ-રાજકોટ હાઇવે પર ચક્કાજામ કરવામાં પણ કરવામાં આવ્યો છે. જે બાદ પોલિસે ચાંપતો બંદાવસ્ત ગોઠવીને સ્થિતિ પર કાબુ મેળવ્યો છે.

નોંધનીય છે કે સોમવારે તાલાબામાં બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અને ધોરાજીમાં બે એસટી બસોને સળગાવવામાં આવી છે. ઉનામાં ચમાર સમાજના લોકોને જાહેરમાં ગૌરક્ષકો દ્વારા પીટવામાં આવ્યા હતા. જેનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતા વિવાદ વધ્યો હતો. તે પછી સોમવારે ગોંડલમાં 5 દલિત યુવકોએ જાહેરમાં ઝેર પીને આત્મવિલોપનનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે.

તાજેતરમાં જ ઉનામાં દલિત યુવાનોને જાહેરમાં માર મારીને તેમના ઉપર ગુજારવામાં આવેલા અત્યાચારના ઘેરા પ્રત્યાઘાત ગોંડલ સહીત દેશની સંસદ સુધી પડ્યા છે. ઉનામાં થયેલા બનાવના પગલે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સમગ્ર ઘટના ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે અને સ્પેશ્યલ વકીલની નિમણૂંક કરી છે 60 દિવસની અંદર સમગ્ર રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. સાથે જ અસરગ્રસ્ત યુવાનોનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે તેમ પણ જણાવ્યું છે.

જો કે ઓબીસી સમાજના નેતા અલ્પેશ ઠાકોરે પણ આ મામલે ગાંધી આશ્રમ ખાતે આંદોલન કરી દલિતો પર થઇ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવવાની વાત કરી છે. સાથે જ "દલિત પેન્થર" દ્વારા આ વાતનો વિરોધ કરવા માટે રેલી પણ નીકાળવામાં આવશે. ત્યારે સરકાર દ્વારા આગ ચાંપી અને પથ્થરમારાના બનાવો બન્યા બાદ શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
