ગીર સોમનાથના ઊનામાં ઘીના વેપારીઓ પર દરોડા, 15 કિલો શંકાસ્પદ ઘી જપ્ત
ગુણવત્તા અને કાયદાકીય નિયમોનું ઉલ્લંઘન કરીને ઘીનું વેચાણ કરતા વેપારીઓ પર ગીર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.
SOG એ ફૂડ વિભાગને સાથે રાખીને ઊનાના વાસાચોક વિસ્તારમાં ઘીના એક વેપારીને ત્યાં દરોડા પાડ્યા હતા.
અહેવાલો અનુસાર, દરોડા દરમિયાન વેપારી દ્વારા લાયસન્સ વગર ઘીનો વેપાર કરવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં સ્થળ પરથી આશરે 15 કિલોગ્રામ લૂઝ (ખુલ્લો) ઘીનો જથ્થો મળી આવ્યો હતો.

આ જથ્થો શંકાસ્પદ જણાતા SOG દ્વારા ફૂડ વિભાગની મદદથી ઘીના નમૂનાઓ લેવામાં આવ્યા છે, જેને વધુ તપાસ અને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
SOGના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ભેળસેળયુક્ત ખોરાકી પદાર્થોના વેચાણને અટકાવવાના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે.
નમૂનાઓના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ દરોડાને કારણે ગીર-સોમનાથ જિલ્લાના અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.












Click it and Unblock the Notifications
