
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પાટણ જીલ્લાની બે દિવસની મુલાકાત પહોંચ્યા!
પાટણ જિલ્લાની બે દિવસીય મુલાકાતે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ 21 ઓગસ્ટથી આવી રહ્યા છે. બે દિવસના પ્રવાસ દરમિયાન કેન્દ્રીય મંત્રી પાટણના વિવિધ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે. જિલ્લામાં સરકારી યોજનાઓનો કેટલો લાભ સ્થાનિક લોકો સુધી પોંહચ્યો છે. તેની વિગતો જિલ્લાના સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના પાટણ પ્રવાસને લઈને જિલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટીના અધ્યક્ષ સ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી.
કેન્દ્રીય કેબિનેટ મંત્રી પિયુષ ગોયલ પ્રવાસ દરમ્યાન પાટણ જિલ્લાના વિકાસની વિગતો અધિકારીઓ પાસેથી મેળવશે. પ્રવાસના પ્રથમ દિવસે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના હેલીપેડ પર ઉતર્યા બાદ તેમના રાજકીય કાર્યક્રમોમાં તેઓ સહભાગી બનશે. પાટણ સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. બીજા દિવસે સવારે રાણ કી વાવની મુલાકાત લેશે. આ ઉપરાંત પાટણની ઓળખ એવા પટોળા હાઉસની મુલાકાતે જશે.
પાટણ તાલુકાના ભદ્રાડા ગામે સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ કરશે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે સીધો સંવાદ કરી સરકારી યોજનાઓના લાભ થકી તેમનાં જીવનમાં આવેલા પરિવર્તન વિષે વિગતો મેળવશે. લાભાર્થીઓના સંવાદ બાદ કેન્દ્રીય મંત્રીશ્રી પિયુષ ગોયલ જિલ્લા કલેકટર ઓફિસે જિલ્લાના તમામ અધિકારીઓ સાથે બેઠક યોજશે. કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જીલ્લાની વિકાસ સંબંધિત માહિતીથી કેન્દ્રીય મંત્રીને અવગત કરશે. બેઠક બાદ પિયુષ ગોયલ પોતાના પાટણ જિલ્લાના પ્રવાસ દરમ્યાનની વિગતો મામલે મીડિયા સાથે સંવાદ કરશે.