કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન
કચ્છ જિલ્લામાં કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. ભુજ, માધાપર અને ભુજોડી સહિતના પશ્ચિમ કચ્છના વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે.
અચાનક થયેલા આ માવઠાને કારણે ખેતીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે. ખેતરોમાં તૈયાર પાક પર કરા પડતા સ્થાનિક ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.

હવામાન નિષ્ણાતોના મતે આગામી ૨૮ માર્ચથી ૨ એપ્રિલ સુધી કચ્છમાં માવઠું પડી શકે છે. મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ સમયગાળા દરમિયાન કચ્છમાં ૪૦ થી ૫૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે ૨૯ અને ૩૦ માર્ચના રોજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
૨૯ માર્ચે કચ્છના સરહદી વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના છે. પવનની દિશા બદલાતા વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે અને ગરમીથી આંશિક રાહત મળશે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ કચ્છ અને સૌરાષ્ટ્રના પટ્ટામાં ધૂળની ડમરીઓ સાથે વરસાદ આવી શકે છે. બદલાતા હવામાનને જોતા નાગરિકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે.












Click it and Unblock the Notifications
