સૌરાષ્ટ્ર, રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ
કમોસમી વરસાદ કારણે જીરા, બટાકા, ટામેટા, અને વરિયાળી જેવા રવિપાકોને નુકસાન થવાની ભિતી સેવાઇ રહી છે. કમોસમી વરસાદના કારણે પાકમાં કાળીયાના નામના રોગથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે. અમદાવાદ શહેરના મોટાભાગમાં વિસ્તારોમાં ઝાપટા પડ્યા હતા. ગાંધીનગરની આસપાસના વિસ્તારોમાં પણ મોડી સાંજે છૂટોછવાયો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
સરહદી વિસ્તારે આવેલા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સહિતના વિસ્તારોમાં વંટોળ અને ગાજવીજ સાથે વરસાદના ઝાપટાં પડ્યા હતા. મહેસાણા જિલ્લાના વિસનગર પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું છે. કસમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે તેમજ સવારના સમયે ઘેરા વાદળો છવાઇ ગયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હવામાનખાતાના જણાવ્યા અનુસાર પશ્ચિમી વિક્ષોભને અને અરબી સમુદ્રમાં અપર એર સર્ક્યુલેશનને કારણે અચાનક વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જવાથી ઠંડી ગાયબ થઇ ગઇ હતી. ખાડીના દેશોમાં અપર એર સાયકલોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે.