ગુજરાતમાં 20 અને 21 એપ્રિલે માવઠાની આગાહી, ફૂંકાશે પવન, ખેડૂતો ચિંતામાં
અમદાવાદઃ આગ ઝરતી ગરમી વચ્ચે હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હીટવેવની આગાહી વચ્ચે માવઠુ પણ પડી શકે છે. આગામી અમુક દિવસોમાં રાજ્યમાં તાપમાનનો પારો ગગડી શકે છે. જેના કારણે રાજ્યમાં અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે. માવઠાના કારણે ખેડૂતોનો પાક બગડવાની પણ શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે જણાવ્યુ છે કે રાજ્યમાં 20 અને 21 એપ્રિલે કમોસમી વરસાદની સાથે 35થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. 20 એપ્રિલે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, દાહોદ, વડોદરા, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. જ્યારે 21 એપ્રિલે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, દીવ સહિતના જિલ્લામાં વરસાદ પડે તેવી સંભાવના છે. એક તરફ સામાન્ય જનતાને પારો નીચે જતા ગરમીના પ્રકોપથી રાહત મળી શકે છે ત્યારે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ જશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થંડર સ્ટૉર્મ રહેશે જેની અસર મધ્ય અને ઉત્તર ગુજરાતમાં રહેશે. જ્યારે કંડલામાં 24 કલાક દરમિયાન હીટવેવની આગાહી કરવામાં આવી છે પરંતુ અન્ય કોઈ સ્થળે હીટવેવની આગાહી નથી. 35થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે. જો કે બાદમાં ગરમીનો પારો વધશે. આગામી બે દિવસ હીટવેવનુ જોર વધતા ગરમીનો પારો 42 ડિગ્રી કે તેથી વધુ જવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા ગરમીથી બચવા લોકોને કામ વિના બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. વળી, પાણી વધુ પીવા અને સુતરાઉ કપડા પહેરવા જણાવાયુ છે.