
ભાજપે ચૂંટણીઢંઢેરામાં હિંસક વિરોધમાં થયેલી નુકસાની વસૂલવા કાયદો લાવવા ઉપરાંત બીજા કયા વાયદા કર્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપે 'સંકલ્પપત્ર’ જાહેર કર્યો છે.
આ સંકલ્પપત્ર જાહેર કરતી વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, ગુજરાત ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલ અને ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા.
નોંધનીય છે કે ભાજપે 26 નવેમ્બર એટલે બંધારણ દિવસે ભાજપના ગુજરાત કાર્યાલય શ્રીકમલમ્ ખાતેથી આ ચૂંટણીઢંઢેરો જાહેર કર્યો હતો.
પાર્ટીએ હજારો બૂથ ગોઠવી અને ગુજરાતના ખૂણે-ખૂણેથી દરેક વર્ગના લોકો પાસેથી ચૂંટણીઢંઢેરા માટેની ભલામણો અને સૂચનો મેળવ્યા હોવાનો દાવો કર્યો હતો.
તેમજ એવો પણ દાવો કરાયો હતો કે આ ચૂંટણીઢંઢેરો નહીં પરંતુ ગુજરાતના ભવિષ્યની રાહ ચીંધતો સંકલ્પપત્ર છે.
સંકલ્પપત્રનાં મુખ્ય વચનોની વાત કરીએ તો ગુજરાતમાં યુવાનો માટે 20 લાખ નોકરીઓના સર્જનનો વાયદો કરાયો છે. તેમજ ચૂંટણી પહેલાં ચર્ચામાં આવેલ એવા ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ માટેની ભલામણોનો અમલ કરવાનો વાયદો કર્યો હતો.

ખેતી ક્ષેત્ર
નોંધનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ ઘણી વખત ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી ચૂક્યા છે. આ જ દિશામાં આગળ વધીને ગુજરાત ભાજપે પણ પોતાના સંકલ્પપત્રમાં ખેડૂતોને સ્પર્શતા કેટલાક મુદ્દા આવર્યા છે.
ભાજપના સંકલ્પપત્રમાં ભાજપે આ ક્ષેત્ર અંગે વાયદો કર્યો છે :
ગુજરાત કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોષ હેઠળ દસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરાશે, જે કૃષિવિકાસ માટે એક સર્વગ્રાહી વ્યવસ્થાને (એપીએમસી, વેરહાઉસ, પ્રાઇમરી પ્રોસેસિંગ યુનિટ વગેરે) મજબૂત કરાશે.
25,000 કરોડના ખર્ચે સમગ્ર ગુજરાતમાં કૃષિ સિંચાઈના વર્તમાન નેટવર્કનું વિસ્તરણ કરાશે. જેમાં ખૂટતી કડીઓનું નિર્માણ અને કચ્છ-ઉત્તર ગુજરાત વૉટર ગ્રીડ પર વધુ ધ્યાન અપાશે.
પશુધનની સારસંભાળને સુનિશ્ચિત કરવા ગૌશાળા (500 કરોડ રૂ.ના વધારાના બજેટ સાથે) માળખાકીય રીતે મજબૂત કરાશે. એક હજાર એડિશનલ મોબાઇલ વેટરનિટી યુનિટોની રચના અને દરેક પશુ માટે રસીકરણ અને વીમાની ખાતરી.
આરોગ્ય ક્ષેત્ર
આ સિવાય રાજ્યમાં કોરોના વખતે આરોગ્ય ક્ષેત્રની વ્યવસ્થાની ઘણી ટીકા થઈ હતી. તેને અનુલક્ષીને કેટલાંક સુધારાવાદી પગલાં આ સંકલ્પપત્રમાં સૂચવાયાં છે. જે નીચે મુજબ છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત) હેઠળ નિ:શુલ્ક તબીબી સારવારની વાર્ષિક મર્યાદાને રૂ. દસ લાખ કરાશે.
મુખ્ય મંત્રી ફ્રી ડાયગ્નોસ્ટિક સ્કીમ હેઠળ EWS પરિવારોને તમામ સરકારી આરોગ્ય સંસ્થા અને એમ્પેનલ્ડ લૅબોરેટરીમાં નિ:શુલ્ક નિદાન ઉપલબ્ધ થાય તે માટે રૂ. 110 કરોડના ભંડોળનું નિર્માણ કરાશે.
રૂ. દસ હજાર કરોડના ભંડોળથી મહારાજા શ્રી ભગવતસિંહજી સ્વાસ્થ્ય કોષનું નિર્માણ કરાશે, જેથી ત્રણ નવી સિવિલ મેડિસિટી, બે એઇમ્સ સ્તરની હૉસ્પિટલોનું નિર્માણ કરાશે અને વર્તમાન સ્વાસ્થ્ય સુવિધાઓ મજબૂત બનશે.
યુવાનો માટેનાં વચનો
અવારનવાર ગુજરાતમાં વિપક્ષ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યમાં યુવા બેરોજગારીનો મુદ્દો ઉઠાવાય છે.
વિપક્ષનો દાવો છે કે ગુજરાતમાં બેરોજગારોની સંખ્યા ખૂબ વધી રહી છે અને સરકારનાં પગલાં આ સમસ્યાના નિવારણ માટે પૂરતાં નથી.
ભાજપે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જાહેર કરાયેલ પોતાના ચૂંટણીઢંઢેરામાં યુવા બેરોજગારીની ફરિયાદના નિવારણની દિશામાં અમુક જાહેરાતો કરી છે. જે નીચે મુજબ છે.
મિશન સ્કૂલ ઑફ ઍક્સલન્સ હેઠળ રૂ. દસ હજાર કરોડના ખર્ચે આગામી પાંચ વર્ષમાં 20 હજાર શાળાઓને અપગ્રેડ કરાશે.
કે. કા. શાસ્ત્રી હાયર ઍજ્યુકેશન ટ્રાન્સફૉર્મેશન ફંડ અંતર્ગત રૂ. એક હજાર કરોડના ખર્ચે નવી સરકારી કૉલેજોનું નિર્માણ અને હાલની કૉલેજ યુનિવર્સિટીઓને અદ્યતન બનાવાશે.
ગુજરાતના યુવાનોને આગામી પાંચ વર્ષમાં 20 લાખ રોજગારીની તકો પ્રદાન કરાશે.
આઇઆઇટી માફક ચાર ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજીની સ્થાપના કરાશે.
વર્ષ 2036માં ઑલિમ્પિક ગેમ્સની યજમાની કરવાના ઉદ્દેશ સાથે વર્લ્ડ ક્લાસ સ્પૉર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવાશે.
અન્ય મુદ્દા
સમરસ વિકાસ
- પ્રધાનમંત્રી આવાસ યોજનાના 100 ટકા અમલીકરણ દ્વારા ગુજરાતના દરેક નાગરિકને પોતાનું પાકું ઘર મળે તે સુનિશ્ચિત કરાશે.
- ફૅમિલી કાર્ડ યોજનાના માધ્યમથી દરેક પરિવાર સુધી રાજ્ય સરકારની તમામ કલ્યાણકારી યોજનાના લાભ પહોંચે તે સુનિશ્ચિત કરાશે.
- પીડીએસ સિસ્ટમ માધ્યમથી દર મહિને એક કિલો ચણા અને ચાર વખત એક લિટર ખાદ્ય તેલ અપાશે.
- શ્રમિકોને રૂ. બે લાખ સુધી કોલેટરલ ફ્રી લૉન આપવા શ્રમિક ક્રેડિટ કાર્ડ રજૂ કરાશે.
- ઉચ્ચ શિક્ષણ માટેની ભારતની એનઆઈઆરએફમાં ટોચની રેન્કિંગ સંસ્થા અથવા વિશ્વની ટોચની સંસ્થામાં પ્રવેશ મેળવનાર દરેક ઓબીસી/એસટી/એસસી/ઇડબ્લ્યૂએસ વિદ્યાર્થીઓને રૂ. 50 હજારનું પ્રોત્સાહન અનુદાન અપાશે.
આદિજાતિ
- આદિવાસી ક્ષેત્રોના સર્વાંગી સામાજિક-આર્થિક વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના 2.0 હેઠળ એક લાખ કરોડ રૂ.નો ખર્ચ કરાશે.
- ટ્રાઇબલ સબ પ્લાન હેઠળ 56 તાલુકામાં મોબાઇલ વાન મારફતે રૅશન વિતરણની વ્યવસ્થા કરાશે.
- અંબાજી અને ઉમરગામ વચ્ચે બિરસા મુંડા આદિજાતિ સમૃદ્ધિ કૉરિડૉરનું નિર્માણ કરાશે.
- આદિવાસી ક્ષેત્રોમાં આઠ મેડિકલ અને દસ નર્સિંગ/પેરા મેડિકલ કૉલેજોની સ્થાપના કરાશે.
- યુવાનો માટે રોજગારી ઊભી થાય તે હેતુથી આદિવાસી વિસ્તારોમાં આઠ જીઆઇડીસીની સ્થાપના કરાશે.
નારીલક્ષી જાહેરાતો
- પોતાની મહિલાલક્ષી નીતિઓ માટે અવારનવાર ભાજપના નેતાઓ પોતાની જ પીઠ થાબડતાં રહે છે. મહિલાલક્ષી વિકાસ અને સુવિધાઓ ઊભી કરવા માટે આ ચૂંટણીઢંઢેરામાં પણ ખાસ જાહેરાતો કરાઈ છે. જે નીચે મુજબ છે.
- કેજીથી પીજી સુધીની તમામ દીકરીઓને નિ:શુલ્ક ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરાશે.
- આર્થિક રીતે નબળા પરિવારની કૉલેજ જતી દીકરીઓને મેરિટ પ્રમાણે ઇલેક્ટ્રિક સ્કૂટર આપવા માટે શારદા મહેતા યોજના શરૂ કરાશે.
- ગુજરાતમાં મહિલા સિનિયર સિટિઝન માટે નિ:શુલ્ક બસ મુસાફરીની યોજના લવાશે.
- આવનારાં પાંચ વર્ષોમાં મહિલાઓ માટે એક લાખ કરતાં વધુ સરકારી નોકરીઓનું નિર્માણ કરાશે.
અર્થતંત્ર અને સાંસ્કૃતિક બાબતોને લગતી જાહેરાતો
ગવર્નન્સ
- ચૂંટણીની જાહેરાત પહેલાં ચર્ચામાં આવેલ ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો ફરી એક વાર ભાજપના ચૂંટણીઢંઢેરામાં પણ સામેલ કરાયો છે. તેમજ અવારનવાર રાજ્યમાં વર્ષોથી શાંતિ હોવાનો દાવો કરતા ભાજપે રાજ્યમાં હિંસક વિરોધ કરનાર અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનાર તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવાનો વાયદો કર્યો છે. જે તેમના દાવાઓથી વિપરીત દેખાઈ આવે છે.
- ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ કમિટીની ભલામણોનો સંપૂર્ણપણે અમલ થાય તે સુનિશ્ચિત કરાશે.
- એન્ટિ રેડિકલાઇઝેશન સેલ બનાવાશે જે દેશવિરોધી તત્ત્વો અને આતંકવાદી સંગઠનોના સ્લીપર સેલને ઓળખીને તેને દૂર કરવાનું કામ કરશે.
- રમખાણો, હિંસક વિરોધ, અશાંતિ વગરે દરમિયાન અસામાજિક તત્ત્વો દ્વારા જાહેર અને ખાનગી મિલકતોને થયેલા નુકસાનની વસૂલાત માટે કાયદો લવાશે.
- પોલીસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણ માટે એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે.
ઇકૉનૉમીને લગતી જાહેરાતો
- ગુજરાતને એક ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનાવવા માટે સર્વિસ સૅક્ટર અને ન્યૂ એજ ઇન્ડસ્ટ્રીઝ (એવિએશન, ડિફેન્સ, સેમિકન્ડક્ટર અને ગ્રીન ઍનર્જી) પર વિશેષ ધ્યાન અપાશે.
- સાગરખેડુ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કે જેટી, કોલ્ડ સપ્લાય ચેઇનને વધુ મજબૂત કરાશે. તેમજ મત્સ્યોદ્યોગને પ્રોત્સાહન આપવા બ્લૂ ઇકૉનૉમી કૉરિડૉર અને સી-ફૂડ પાર્કને કાર્યાન્વિત કરાશે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર
- ત્રણ હજાર કિલોમિટર લાંબા સમગ્ર ગુજરાતને આવરી લેતા પરિક્રમા પથ, ગુજરાત લિંક કૉરિડૉર (દાહોદથી પોરબંદને જોડતી પૂર્વ-પશ્ચિમ કૉરિડૉર અને પાલનપુરથી વલસાડને જોડતી ઉત્તર-દક્ષિણ કૉરિડૉર)નું નિર્માણ કરીશું.
- સૌરાષ્ટ્રના મહત્ત્વના આર્થિક કેન્દ્રો અને નેશનલ હાઇવે વચ્ચે મજબૂત કનેક્ટિવિટી વિકસાવવા માટે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હાઇ-વે ગ્રીડને સાકાર કરીશું.
- શહેરી વિસ્તારોમાં નાગરિકોના જીવનસ્તરમાં સુધારો કરવા ગુજરાત શહેરી વિકાસ મિશન હેઠળ રૂ. 25 હજાર કરોડનો ખર્ચ કરીશું.
- ગાંધીનગર અને સુરત મેટ્રોની કામગીરીને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરાશે અને સૌરાષ્ટ્ર (રાજકોટ) અને મધ્ય ગુજરાત (વડોદરા)ની પ્રથમ મેટ્રો રેલ સેવા પર ઝડપથી કામ શરૂ કરાશે.
સંસ્કૃતિ
- દ્વારકા પશ્ચિમ ભારતનું સૌથી મોટું આધ્યાત્મિક કેન્દ્ર બને તે માટે દેવભૂમિ દ્વારકા કૉરિડૉર બનાવાશે.
- મંદિરોના જીર્ણોદ્ધાર અને વિસ્તરણ માટે રૂ. એક હજાર કરોડ ફાળવાશે.
- ગુજરાતના ઉન્નત સાંસ્કતિક વારસાનું મહત્ત્વ વધારવા માટે રૂ. અઢી હજાર કરોડનું રોકાણ કરાશે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
Facebook પર સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.
Instagram પર બીબીસી ગુજરાતીને અહીં ફૉલો કરો.
YouTube પર બીબીસી ગુજરાતીના વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.