નોન વેજ લારીવાળાઓના પેટ પર પાટુ! શું સરકાર સાંભળશે તેમની વ્યથા?
33 વર્ષીય રામ ઉદ્ગાર ગોસાઈ તેમના રૂટિન મુજબ સ્કૂટર પર રસ્તાની બાજુના સ્થળે જ્યાં તેઓ સામાન્ય રીતે ધંધો કરતા હતા, ત્યાં પહોંચ્યા હતા, પણ તેમના મનમાં તેમની ઈંડાનો સ્ટોલ ખોલવો કે, નહીં તે અંગે અસમંજસ હતો. આ અસમંજરમાં સૂર્યાસ્ત પણ થવા આવ્યો હતો. હાલ રાજ્યના ઘણા નોન વેજની લારી ધરાવતા લોકો આવી જ અસમંજસ ધરાવે છે. કારણ કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના એસ્ટેટ અને ટાઉન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે જોધપુર, મણિનગર, વસ્ત્રાપુર, આશ્રમ રોડ અને બહેરામપુરાના પાંચ વિસ્તારોમાંથી લગભગ 50 ફૂડ સ્ટોલ દૂર કરી દીધા છે.
સામાન્ય રીતે આ સમયે અહીં લગભગ 10-12 ઈંડાના સ્ટોલ હોય છે. આજે કોઈ આવ્યું નથી. બધા ડરી ગયા છે. અમને ખબર પડી કે, સત્તાવાળાઓએ આજે બપોરે વસ્ત્રાપુરમાંથી 11 ગાડીઓ જપ્ત કરી છે, એમ મુળ બિહારના વતની એક વિક્રેતાએ જણાવ્યું હતું. જેમણે 20 વર્ષ પહેલાં અમદાવાદને પોતાનું ઘર બનાવ્યું હતું. અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં તેમના સ્ટોલ પર તેઓએ ત્રણ છોકરાઓને નોકરીએ રાખ્યા છે, જેઓ વિવિધ પ્રકારની ઈંડાની વાનગીઓ બનાવે છે.
જ્યારે સોમવારના નિર્દેશમાં માંસાહારી ખાદ્યપદાર્થોની ગાડીઓ દૂર કરવાનો હતો, ત્યારે મંગળવારના રોજ કરાયેલા ક્રેકડાઉનને "અતિક્રમણ વિરોધી અભિયાન" તરીકે ટેગ કરવામાં આવ્યું હતું, જેમાં અધિકારીઓએ લારીઓ, ખુરશીઓ અને અન્ય સામગ્રીઓ પણ જપ્ત કરી હતી.

અમદાવાદના શહેરના અન્ય ભાગમાં વારાણસીનો એક 20 વર્ષીય યુવાન વિક્રેતા ઈંડાનો સ્ટોલ ખોલવો કે, કેમ તે અંગે તેના "માલિક" પાસેથી જવાબની રાહ જોઈને રસ્તાના કિનારે બેઠો હતો. કોલેજ ડ્રોપઆઉટ યુવાન જણાવે છે કે, હું બે મહિના પહેલા અહીં આવ્યો હતો અને આ સ્ટોલ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. મારા કાકા, જેઓ 15 વર્ષથી અમદાવાદમાં છે, તેઓ મને શહેરમાં લાવ્યા હતા, પરંતુ જો હું આ નોકરી ગુમાવીશ, તો મારે આગળ શું કરવું તે અંગે કોઈ સુજતું નથી.
મંગળવારના રોજ ખાદ્યપદાર્થો, ખાસ કરીને માંસાહારી ખાદ્યપદાર્થો વેચનારાઓ પરના ક્રેકડાઉન અંગેની ચિંતા વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે કહ્યું કે, લોકો જે ઇચ્છે તે ખાવાનો તેમને અધિકાર છે અને "કોઈ તેમને રોકી શકે નહીં".
"કોઈએ આવો નિર્ણય લીધો નથી. તેમના પર કોઈ કાનૂની પ્રતિબંધ નથી. દેશમાં બે પ્રકારના લોકો છે, જેઓ શાકાહારી ખાય છે અને જેઓ માંસાહારી ખોરાક ખાય છે. તેમને જે જોઈએ તે ખાવાનો તેમનો અધિકાર છે અને તેમને કોઈ તેમને રોકી શકે નહીં. જો તેઓ (ફૂડ સ્ટોલ અથવા લારીના માલિકો) સ્વચ્છતા જાળવતા નથી, તો તેઓ યોગ્ય કાર્યવાહીનો સામનો કરી શકે છે, પરંતુ ભાજપ ક્યારેય તેમને રોકવા કે હટાવવાનું વિચારશે નહીં. તેઓ ગરીબ લોકો છે, જેમનું જીવન આના પર નિર્ભર છે. અમે તેમને મદદ કરવાનો પ્રયાસ કરીશું, પછી ભલે તે કોઈ પણ હોય અને તે ગમે તે વેચી રહ્યો હોય."
વડોદરાના લઘુમતી બહુમતી ધરાવતા વિસ્તાર તાંદલજાની એક ચમકતી અને ધબકતી શેરીમાં ખીમા સમોસાની થાળી, તળેલી માછલી અને ચિકન લોલીપોપ્સ અને શોરમાના કાઉન્ટરની બાજુમાં કબાબના સ્કીવર્સ રસ્તા પર મૂકેલા તંદૂરની અંદર અને બહાર જાય છે. ગતા અઠવાડિયે વડોદરા શહેરમાં માંસાહારી ખોરાકનું વેચાણ કરતા વિક્રેતાઓને ચેતવણી આપવામાં આવી હતી કે, તેઓ 15 દિવસની અંદર "ખોરાકને ઢાંકી દે" અથવા તેમની લારી બંધ કરવામાં આવશે.
સ્ટોલ પર ફૂડ ડિલિવરી છોકરાઓ રાહ જોતા એક ગ્રાહકે કહ્યું કે, મને નથી લાગતું કે આ વિક્રેતાઓ પર પ્રતિબંધ મૂકવો શક્ય છે. આ શહેરમાં આ એકમાત્ર નાઇટલાઇફ છે. આ લારીઓ વર્ષોથી અહીં છે. મારી જેમ ઘણા હિન્દુ ગ્રાહકો અધિકૃત માંસાહારી ખોરાક માટે ઝંખે છે. આ વિક્રેતાઓ ફક્ત તેમનો વ્યવસાય કરી રહ્યા છે અને તેમને તેમના હાલ પર છોડી દેવા જોઈએ.
એક સ્ટોલના માલિક, જેમણે ઓળખ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, તેમના જેવા વિક્રેતાઓ માટે, કે જેઓ પહેલાથી જ કોરોના મહામારી અને લોકડાઉનથી સખત અસરગ્રસ્ત છે, આ નિર્દેશોએ તેમની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. મારો સૌથી નાનો દીકરો આ વર્ષે યુનિવર્સિટીમાં ફેશન ડિઝાઇનિંગના કોર્સમાં જોડાઈ શક્યો નહીં. કારણ કે, હું ફી પરવડી શકતો ન હતો. અમે મારા ભાઈની કોવિડ19 સારવાર માટે પહેલેથી જ ઘણો ખર્ચ કર્યો છે. વસ્તુઓ ખુલવા લાગી હતી, પણ તેવામાં આ વિવાદ વકર્યો છે. તેઓ લોકોનો વિચાર કર્યા વિના નિયમો કેમ બનાવે છે?"
અન્ય સ્ટોલ માલિક કહે છે, આજકાલ લોકો ઓર્ડર આપવાનું પસંદ કરે છે. જેમ તમે જોઈ શકો છો, મોટાભાગના સ્ટોલની નજીક ભીડ ફૂડ ડિલિવરી એજન્ટની છે. આપણે એવી જગ્યાએથી કેવી રીતે દૂર જઈ શકીએ જ્યાં આપણે વર્ષોથી છીએ. જ્યારે વડોદરામાં પ્રારંભિક કાર્યવાહી બાદ વસ્તુઓ શાંત થઈ ગઈ છે, ત્યારે વિક્રેતાઓ VMC અધિકારીઓ દ્વારા ગયા શુક્રવારના રોજ વિસ્તારની મુલાકાતને લઈને ચિંતિત છે.
એક વિક્રેતાઓ જે સામાન્ય રીતે તંદૂરી કબાબ વેચે છે, તેમણે તેના રાહદારીઓ અને ગ્રાહકોને દેખાય નહીં તે રીતે ઢાંકી રાખ્યા છે. તેમને એકપણ જોખમ લેવા માંગતા નથી. તેઓ મૂળ ઉત્તર પ્રદેશના છે, પરંતુ તેમની ત્રણ પેઢીઓ ગુજરાતમાં રહી છે, તેઓ જણાવે છે કે, મારા પિતાએ આ લારી ગોઠવી અને પછીથી મેં તેની જવાબદારી સંભાળી છે. મારો પુત્ર હવે 16 વર્ષનો છે. મને આશા છે કે, તે સારો અભ્યાસ કરશે અને કંઈક સારું કરશે. જો તે મોટો માણસ બનશે, તો તે પછીથી એક રેસ્ટોરા ખોલી શકશે.
અમદાવાદના થલતેજમાં તેમની સ્ટોલની બીજી ભયાવહ સફર બાદ ગોસાઈએ આખરે નિર્ણય લીધો કે, તેને બંધ રાખવું વધુ સલામત છે, પણ મને સમજાતું નથી. આ અચાનક પ્રતિબંધ શા માટે? હવે શું કરવું જોઈએ? શું અધિકારીઓને ખ્યાલ છે કે, આ એક સ્ટોલમાંથી કેટલા લોકો આજીવિકા કમાય છે. જે વ્યક્તિ અહીં કામ કરતા છોકરાઓને ઇંડા સપ્લાય કરે છે? શું સરકાર તે બધાને નોકરી આપશે?