રાજ્યસભામાં હંગામા બાદ 12 સાંસદો પુરા સત્ર માટે સસ્પેન્ડ, પ્રિયંકા ચતુર્વેદી ભડકી!
નવી દિલ્હી, 29 નવેમ્બર : સંસદનું શિયાળુ સત્ર સોમવારથી શરૂ થઈ ગયું છે. આજથી શરૂ થયેલું સત્ર 23 ડિસેમ્બર સુધી ચાલવાની શક્યતા છે. શિયાળુ સત્રના પ્રથમ દિવસે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે કૃષિ કાયદો પાછો ખેંચી લેવામાં આવ્યો છે. કૃષિ કાયદા રદ બિલ 2021 કેન્દ્ર સરકાર દ્વારા લોકસભા અને રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગત મનસૂત્ર સત્રમાં હંગામો મચાવનાર 12 સાંસદો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે, જે અંતર્ગત આ 12 સાંસદોને શિયાળુ સત્રથી રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેના કારણે આ સાંસદો કાર્યવાહીમાં ભાગ લઈ શકશે નહીં.
આ 12 રાજ્યસભા સાંસદોમાં એલામારામ કરીમ (CPM), ફૂલો દેવી નેતામ, છાયા વર્મા, આર બોરા, રાજમણિ પટેલ, સૈયદ નાસિર હુસૈન, અખિલેશ પ્રસાદ સિંહ (કોંગ્રેસ), બિનોય વિશ્વમ (CPI), ડોલા સેન અને શાંતા છેત્રી (TMC), પ્રિયંકા ચતુર્વેદી અને અનિલ દેસાઈ (શિવસેના) નો સમાવેશ થાય છે.
ગયા ચોમાસુ સત્ર દરમિયાન થયેલા હોબાળાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે, જેની માહિતી સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ રાજ્યસભામાં આપી હતી. બીજી તરફ શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આ સસ્પેન્શન પર જોરદાર વિરોધ નોંધાવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે પક્ષ જાણ્યા વિના આ કાર્યવાહી કરવામાં આવી છે.
From Dist Court to Supreme Court, an accused is heard even there, lawyers are provided for them too, sometimes Govt officials are sent to take their version. Here our version wasn't taken: Shiv Sena MP Priyanka Chaturvedi - one of the 12 Rajya Sabha MPs suspended for this session pic.twitter.com/S9z7hVskpJ
— ANI (@ANI) November 29, 2021
શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, જિલ્લા કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી આરોપોની સુનાવણી થાય છે, તેના માટે વકીલો પણ આપવામાં આવે છે, ક્યારેક સરકારી અધિકારીઓને તેનો પક્ષ લેવા માટે મોકલવામાં આવે છે. અહીં અમારો પક્ષ લેવામાં આવ્યો નથી. તેમને વધુમાં કહ્યું કે સીસીટીવી ફૂટેજ જોઈએ તો નોંધવામાં આવ્યું છે કે કેવી રીતે પુરુષ માર્શલ મહિલા સાંસદોને મારતા હતા. આ બધું એક તરફ અને તમારો નિર્ણય બીજી તરફ? આ કેવું અસંસદીય વર્તન છે?
બીજી તરફ કોંગ્રેસ સાંસદ છાયા વર્માએ કહ્યું કે, આ સસ્પેન્શન અયોગ્ય અને અન્યાયી છે. અન્ય પક્ષોના અન્ય સભ્યો પણ હતા, જેમણે હોબાળો મચાવ્યો હતો, પરંતુ સ્પીકરે મને સસ્પેન્ડ કરી. પીએમ મોદી જે ઈચ્છે છે તે કરી રહ્યા છે કારણ કે તેમની પાસે મોટી બહુમતી છે. ઉલ્લેખનિય છે કે સંસદના આ સત્રમાં પણ સતત હોબાળો થવાની સંભાવના છે.