ફેસબુક પર હેરાન કરવામાં આવતાં છોકરીએ કરી આત્મહત્યા
મુંબઇ, 20 નવેમ્બર: સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર કેટલાક દિવસો સુધી પરેશાન કરવામાં આવતાં મુંબઇની 14 વર્ષની છોકરીએ આત્મહત્યા કરી પોતાની જીંદગીનો અંત આણ્યો. કાંદીવલી વિસ્તારમાં રહેતી નવમા ધોરણની એક વિદ્યાર્થીનીએ ઘરમાં પંખાથી લટકીને આત્મહત્યા કરી દિધી છે.
પરિવારજનોના જણાવ્યા અનુસાર કેટલાક દિવસોથી એક છોકરો તેને ફેસબુક પર પરેશાન કરતો હતો. તે છોકરાએ છોકરીને આપત્તિજનક સામગ્રી તેના ફેસબુક વોલ પર પોસ્ટ કરી દિધી હતી, જેથી છોકરી ઘણી પરેશાન હતી.
છોકરીના પિતાએ જણાવ્યું હતું કે તે છોકરો ગત કેટલાક દિવસોથી છોકરીને ફેસબુક એકાઉન્ટ પેજ પર અશ્લીલ મેસેજ પોસ્ટ કરતો હતો. ચાર દિવસ પહેલાં તે પોતાની પુત્રી સાથે તેની ફરિયાદ દાખલ કરાવવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશન ગયા હતા, પરંતુ પોલીસે આ કિસ્સામાં કોઇ રસ દર્શાવ્યો ન હતો.
છોકરીના પિતાનું માનવું છે કે છોકરાએ સંભવત: કોઇ પરેશાન કરનાર મેસેજ મોકલ્યા હશે, જેના કારણે તેમની પુત્રીએ આત્મહત્યા જેવું પગલું ઉઠાવ્યું છે. ઘટના બાદ પોલીસ આ છોકરા સાથે પૂછપરછ કરી રહી છે. તે સાઇબર એક્સપર્ટની મદદથી પોલીસ છોકરીના ફેસબુકને ખોલવાનો પ્રયત્ન કરી રહી છે.