• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Birthday Special : આ છે નરેન્દ્ર મોદીનો છુપો ‘સપ્ત-શક્તિ’ સંપુટ!!

By કન્હૈયા કોષ્ટી
|

અમદાવાદ, 17 સપ્ટેમ્બર : ગુજરાતના મુખ્યમંત્રી...!!! ઓહ સૉરી... ગુજરાતના મુખ્યમંત્રી નહીં, ભારતના વડાપ્રધાન. અગિયાર વરસથી આ હાથ નરેન્દ્ર મોદીના નામ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી લખતા થાક્યા નહોતા અને એટલે જ ઘરેડ પડી જવી સ્વાભાવિક છે. તેમાં પણ 17મી સપ્ટેમ્બર, 2002થી લઈ 17મી સપ્ટેમ્બર, 2013 સુધી એટલે કે 2002થી 2013 દરમિયાન આવેલી અગિયાર 17મી સપ્ટેમ્બરે આ હાથે નરેન્દ્ર મોદી પહેલા ગુજરાતના મુખ્યમંત્રી શબ્દ પ્રયોગ કર્યો હતો અને એટલે જ આજે ફરી એક વાર જ્યારે હાથ કી-બોર્ડ પર ચાલ્યો, ત્યારે વડાપ્રધાનના સ્થાને ગુજરાતના મુખ્યમંત્રી શબ્દ પ્રયોગ થઈ ગયો.

ખેર, મારી આ ચૂક કોઈને નથી તો કોઈ હોદ્દા સુધી પહોંચાડી શકતી કે નથી કોઈને ત્યાંથી ઉતારી શકતી. આ તો ભારતનો ભાગ્ય વિધાતા બનવા માટે ઉત્તમાધિકારી બનવું પડે. ભગવાન કૃષ્ણ પણ ગીતામાં કહી ચુક્યાં કે મેં મારી પાસે આ જગતની કોઈ વસ્તુ નથી રાખી. જગતની દરેક વસ્તુ મેં જગતમાં મૂકેલી જ છે, બસ તમારે તેના અધિકારી બનવાનું છે. આ દેશનું વડાપ્રધાન પદ પણ 1947થી તૈયાર જ હતું અને અત્યાર સુધી જેટલા લોકો તે પદે પહોંચ્યા, તેઓ અધિકારી બનીને જ પહોંચ્યા હશે. જેઓ અધિકારી ન બની શક્યાં, તેઓ ઉત્તરાધિકારી હોવા છતાં તે પદે ન પહોંચી શક્યાં. તેમાં પણ નરેન્દ્ર મોદી તો જે રીતે વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા, તે જોતાં આપણે કહી શકીએ કે તેઓ ઉત્તમાધિકારી છે.

આજે નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે. જ્યારથી હું પત્રકાર બન્યો અને જ્યારથી નરેન્દ્ર મોદી સક્રિય રાજકારણમાં આવ્યાં, ત્યારથી મને યાદ નથી આવતું કે હું કોઈ પણ જન્મ દિવસે તેમના વિશે કંઇક લખવાનું ચૂક્યો હોઉં. એટલે જ આજે ફરી એક વાર કલમ... સૉરી કી-બોર્ડ પર હાથ મૂક્યો છે. આજે નરેન્દ્ર મોદીનો 64મો જન્મ દિવસ છે અને કદાચ સક્રિય રાજકારણમાં આવ્યા બાદ કોઈ પણ નેતા માટે પામવા જેવુ જે સર્વોચ્ચ પદ હોય છે, તે પદે નરેન્દ્ર મોદી પહોંચી ચુક્યાં છે.

નરેન્દ્ર મોદી દેશના આ સર્વોચ્ચ પદે કેવી રીતે પહોંચ્યા અને રાજકીય રીતે તેમને કેવા-કેવા સંઘર્ષો કરવા પડ્યા, તે વિશે તો કદાચ દેશના નાના-નાના બાળકો પણ જાણતા થઈ ગયા હશે, કારણ કે ભારતના જાહેર જીવન અને માધ્યમ જગતમાં નરેન્દ્ર મોદી છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી છવાયેલા છે અને ચર્ચાસ્પદ રહ્યા છે. એટલે આજે તેમના સામાન્ય નાગરિકથી લઈ ધારાસભ્ય, ધારાસભ્યથી લઈ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીથી લઈ વડાપ્રધાન બનવા સુધીના સંઘર્ષની વાત નથી કરવી.

આજે આપણે જાણીશું હીરાબાના દીકરા નરેન્દ્રને નરેન્દ્ર મોદી બનવાનાર સાત શક્તિઓ વિશે. નરેન્દ્ર મોદીને નરેન્દ્ર મોદી બનાવનાર આ સપ્ત-શક્તિઓ તેમની સૌથી મોટી પીઠબળ છે. નરેન્દ્ર મોદીના જીવન પર અસર અને છાપ છોડનાર આ સપ્ત-શક્તિઓને આપણે સપ્તર્ષિઓ સમાન માની શકાય છે. વિશ્વમાં 7 અજાયબીઓ છે, બ્રહ્માંડમાં સાત રંગો છે, સૂરોની સંખ્યા સાત છે અને આપણા સપ્તર્ષિઓનો મહિમા પણ આપણા શાસ્ત્રોએ ગાયો છે. ત્યારે આજે આપને બતાવીએ નરેન્દ્ર મોદીના સપ્ત-શક્તિ સંપુટના સપ્તર્ષિઓ વિશે. આ નરેન્દ્ર મોદીની છુપી સાત શક્તિઓ છે કે જેમના પીઠબળે જ મોદી આટલા સશક્ત વ્યક્તિ બની શક્યાં. આ સપ્ત-શક્તિ સંપુટમાં પહેલું નામ રામનું છે, તો સાતમુ નામ મૉમ એટલે કે માતા હીરાબાનું છે.

સ્લાઇડર ફેરવો અને જુઓ નરેન્દ્ર મોદીના સપ્ત-શક્તિ સંપુટના સપ્તર્ષિઓ :

રામ

રામ

વ્યક્તિના મૂળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા હોય અને પાછળથી તે ભારતીય જનતા પક્ષનો નેતા હોય, તો રામ ક્યાંય પણ છુટી શકે ખરા? ભગવાન રામને ભારતનો આત્મા ગણતા સંઘના સ્વયંસેવક નરેન્દ્ર મોદી ઉપર રામ અને તેમના જીવન ચરિત્રની ઘેરી છાપ છે. સામાન્ય નરેન્દ્રમાંથી નરેન્દ્ર મોદી બનવા સુધીની આ સફરમાં મોદી ડગલે ને પગલે રામ સાથે જોડાયેલા રહ્યા છે. જોકે 90ના દાયકામાં લાલકૃષ્ણ અડવાણીની રામ રથયાત્રામાં સક્રિય ફાળો આપનાર નરેન્દ્ર મોદીમાં ભલે આજે તે વખતનો રામ નામનો ઉન્માદ નથી જોવા મળતો, પણ આજે તેઓ વડાપ્રધાન પદે પહોંચી રામના તે આદર્શોને જીવંત કરવાના ચોક્કસ પ્રયત્નો કરે છે કે જેને ‘રામરાજ્ય' જેવુ સોહામણુ નામ અપાય છે. મોદીના સપનાના ભારતમાં ચોક્કસપણે રામરાજ્ય ટોચના સ્થાને છે અને રહેશે.

કૃષ્ણ

કૃષ્ણ

ભગવાન કૃષ્ણ અને તેમની ગીતા તો આખા વિશ્વને આકર્ષિત કરે છે. માણસને પોતાના તરફ આવવાનું નિમંત્રણ આપનાર કૃષ્ણ અને તેમની ગીતાનો રંગ તો નરેન્દ્ર મોદી ઉપર બાળપણથી જ ચઢી ગયો હતો. ભારતની અધ્યાત્મ પરમ્પરાને નવો જોમ આપનાર ગીતા અને કૃષ્ણ દ્વારા અપાયેલ ઉપદેશો નરેન્દ્ર મોદીના જીવનના અંગો છે. સામાન્ય માણસમાંથી વડાપ્રધાન બન્યા સુધીના નરેન્દ્ર મોદીના જીવન કાર્યો અને તેમના ભાષણોમાં ભારતની અધ્યાત્મ પરમ્પરા ઝળહળી ઉઠે છે. નરેન્દ્ર મોદી કૃષ્ણ અને ગીતાની ‘યુદ્ધ'ની ભાષાનો અનેક વખત પ્રયોગ કરતા રહ્યા છે. તેમની જીવનશૈલી પણ કૃષ્ણના રંગે રંગાયેલી રહી છે. તેમના કામ કરવાની શૈલી કૃષ્ણ જેવી નિર્દંભી અને ખુમારીભરી છે અને કોઈ પણ ક્ષેત્રના શત્રુને પહોંચી વળવા તેઓ કૃષ્ણના નટવર સ્વરૂપનો ઉપયોગ કરે છે. આજે દેશના વડાપ્રધાન પદે પહુંચી ચુકેલા નરેન્દ્ર મોદીની સપ્ત-શક્તિઓમાં ભગવાન કૃષ્ણ અને તેમની ગીતાએ એક ઋષિની જેમ ફાળો આપ્યો છે.

બુદ્ધ

બુદ્ધ

અઢી હજાર વર્ષ પહેલા થઈ ચુકેલા ભગવાન બુદ્ધનું નામ છેલ્લા ચાર મહીનાથી ભારતમાં ફરી એક વાર ગૂંજતુ થયું છે. જોકે બુદ્ધને ભારતમાં ભગવાન વિષ્ણુના 23મા અવતાર ગણવામાં આવે છે, પરંતુ રાજકારણ કે શાસકીય ક્ષેત્રે છેલ્લા અનેક વર્ષોથી આ નામ ક્યાંય લેવાતુ નહોતું. જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાં, ત્યારથી ભારતમાં ભગવાન બુદ્ધના નામનો પુનઃ ગુંજારવ શરૂ થયો અને તેનો શ્રેય ચોક્કસ નરેન્દ્ર મોદીને જાય છે. ભગવાન બુદ્ધ એટલે શાંતિના મસીહા. નરેન્દ્ર મોદી પોતાની વિદેશ નીતિમાં બુદ્ધની શક્તિનો ભરપૂર પ્રયોગ કરી રહ્યા છે. બુદ્ધ ભારતની અધ્યાત્મ પરમ્પરાના સારથી હતાં. તેમણે સ્વયં તરફ જવાનો નવો માર્ગ આ દુનિયાને બતાવ્યો હતો. બુદ્ધના જીવન-ચરિત્રનો નરેન્દ્ર મોદી ઉપર ખૂબ જ મોટો પડઘો છે. મોદીએ વડાપ્રધાન બનતા પહેલા અને પછી પણ કહ્યુ હતું કે ભારત ન કિસી કો આંખ દિખાયેગા ઔર ન હી કિસી કે સામને આંખ ઝુકાયેગા. આ બુદ્ધનો જ મધ્ય માર્ગ છે. બુદ્ધ અને તેમના નામે સ્થપાયેલ બૌદ્ધ ધર્મ ભારત જ નહીં, પણ ચીન, જાપાન, નેપાળ, વિયેતનામ, શ્રીલંકા સહિત વિશ્વના ઘણા ભાગોમાં વિસ્તરી ચુક્યો છે. આજે જ્યારે ચીનના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતની શરુઆત ગુજરાતથી કરી રહ્યા છે, ત્યારે તેની પાછળનું કારણ પણ બુદ્ધ છે અને આ કારણ ઉપજાવનાર નરેન્દ્ર મોદી જ છે. મોદીએ જ ટ્વીટ કરી ખુલાસો કર્યો હતો કે બુદ્ધનો ગુજરાત અને ખાસ તો મોદીના જન્મ સ્થળ વડનગર સાથે ઘેરો સંબંધ રહ્યો છે. એટલે જ જિનપિંગે ભારત પ્રવાસનો આરંભ ગુજરાતથી કર્યો છે.

વિવેકાનંદ

વિવેકાનંદ

નરેન્દ્ર મોદીને આધુનિક વિવેકાનંદ પણ કહેવામાં આવે છે. રામકૃષ્ણ પરમહંસના શિષ્ય વિવેકાનંદે છેક શિકાગો જઈ ભારતની અધ્યાત્મ પરમ્પરાનો ડંકો વગાડ્યો હતો. સંકીર્ણ માનસિકતા ધરાવતાં લોકો ભલે તેને હિન્દુત્વનો ડંકો કહેતા હોય, પણ હકીકતમાં વિવેકાનંદે ભારતની અધ્યાત્મ પરમ્પરાને વિશ્વ કક્ષાએ ગાજતી કરી હતી અને આજે નરેન્દ્ર મોદી પણ કંઇક એવું જ કરી રહ્યાં છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ વિવેકાનંદની 150મી વર્ષગાંઠની એક વરસ સુધી ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી. એ કોઈ માત્ર સરકારી કાર્યક્રમ નહોતું, પરંતુ તેની પાછળ નરેન્દ્ર મોદી ઉપર વિવેકાનંદનો પ્રભાવ હતો. નરેન્દ્ર મોદીએ કદાચ અધ્યાત્મ પરમ્પરાની વાતો સૌથી વધારે વિવેકાનંદના જીવન-ચરિત્રમાંથી જ શીખી છે. વિવેકાનંદે શિકાગોમાં ભારત અને તેની અધ્યાત્મ પરમ્પરાના ગૌરવપૂર્ણ પાસાઓનો પ્રચાર કર્યો હતો અને આજે નરેન્દ્ર મોદીને આપણે નેપાળ કે ચીનમાં પણ હિન્દી બોલતાં, ભારતીય અધ્યાત્મ અને શાસ્ત્રોની વાતો કરતાં જોયા છે. મોદીની આ છટા વિવેકાનંદ સાથે આબેહૂબ મળતી આવે છે.

મહાત્મા ગાંધી

મહાત્મા ગાંધી

ગાંધી અને મોદી. આ બંને વચ્ચે કેવો તાળમેળ? કોંગ્રેસ કે કોઈ પણ વિરોધી દ્વારા મોદીનો વિરોધ ગાંધીના નામે જ તો કરવામાં આવે છે. નરેન્દ્ર મોદી અને મહાત્મા ગાંધીને ભારતીય રાજકારણમાં સિક્કાની બે બાજુ ગણવામાં આવે છે કે જેઓ બંને સાથે ક્યારેય ન દેખાઈ શકે. કાં તો ગાંધી ઉપર હોય કાં મોદી, પરંતુ આ માત્ર રાજકીય ભ્રાંતિ છે. નરેન્દ્ર મોદી અને મહાત્મા ગાંધી સિક્કાની એક જ બાજુ છે. નરેન્દ્ર મોદી સંઘના સ્વયંસેવક છે અને મહાત્મા ગાંધીની હત્યામાં સંઘનો હાથ હોવાના આરોપો લાગ્યા હતાં. આ ભ્રાંતિ મહાત્મા ગાંધીની હત્યાથી જ ચાલી આવે છે કે સંઘ એટલે ગાંધી વિરોધી, પરંતુ નરેન્દ્ર મોદી અને ગાંધી બંનેનું લક્ષ્ય એક જ હતું અને છે. બંનેના રસ્તા જુદા હોઈ શકે. નરેન્દ્ર મોદી માટે મહાત્મા ગાંધી પણ પથ-પ્રદર્શક છે. એટલે જ તો નરેન્દ્ર મોદી પહેલા કોઈ પણ ભારતીય રાજનેતાને મહાત્મા ગાંધીની 150મી જયંતીનો ખ્યાલ ન આવ્યો, પણ મોદી વડાપ્રધાન બનતા પહેલા પણ કહેતા હતાં અને બન્યા બાદ પણ કહે છે કે મહાત્મા ગાંધીની 150મી જયંતી ધામધૂમપૂર્વક ઉજવવી જોઇએ. મોદીની મહાત્મા ગાંધી પ્રત્યેની દીવાનગીનું કારણ મહાત્મા ગાંધીના સત્ય-અહિંસાના સિદ્ધાંતો છે કે જે રામ-કૃષ્ણ-બુદ્ધની પરમ્પરાના વારસા જ છે.

સરદાર પટેલ

સરદાર પટેલ

સરદાર પટેલ એટલે રાજકીય કુનેહના પ્રતીક અને આ બાબતમાં નરેન્દ્ર મોદીની તોલે આજના રાજકારણમાંનો એક પણ નેતા નથી આવતો. સરદાર પટેલના જીવન કવનનો પણ નરેન્દ્ર મોદી ઉપર ઘેરો પ્રભાવ જોવા મળ્યો છે. તેમની કાર્યશૈલી ઘણી વખત સરદાર પટેલ જેવી સખત લાગતી હોય છે. ગુજરાતના મુખ્યમંત્રી બનવાથી લઈ ગોધરા કાંડ અને તે પછીના કોમી રમખાણોમાં પણ અડીખમ રહેલા નરેન્દ્ર મોદી સામે ભલે સરદાર પટેલની જેમ દેશના ભાગલા વખતના જેવી મુશ્કેલીઓનો પહાડ નહોતો, પણ પડકારો સાવ નાના પણ નહોતાં. સૌ જાણે છે કે નરેન્દ્ર મોદી ગોધરા કાંડ અને પછી થયેલ કોમી રમખાણો અંગે કેટ-કેટલી વાર ભીંસમાં આવ્યા કે લેવાયાં, પરંતુ મોદી રાજકીય કુનેહ વાપરી દરેક પડકારને પાર ઉતર્યાં. એટલુ જ નહીં, રાષ્ટ્રીય કક્ષાએ જ નહીં, પણ વિશ્વ કક્ષાએ ફિટકાર સહી રહેલા નરેન્દ્ર મોદી જેવી વ્યક્તિ કદાચ કોઈ સામાન્ય ચૂંટણી પણ ન જીતી શકે, પણ તે જ મોદીએ ગુજરાત વિધાનસભાની એક કે બે નહીં, પણ ત્રણ-ત્રણ ચૂંટણીઓ જીતી બતાવી. એટલે જ તો તેઓ ગુજરાતમાં છોટે સરદાર તરીકે જાણીતા બન્યાં. સરદાર પટેલ જેવી રાજકીય કુનેહની પરાકાષ્ઠા તો લોકસભા ચૂંટણી 2014 કહી શકાય કે જેમાં એકમાત્ર મોદીનો જ સિક્કો ચાલ્યો અને અનપેક્ષિત રીતે ભાજપને સ્પષ્ટ બહુમતી મળી. હવે નરેન્દ્ર મોદી સરદાર પટેલની રાજકીય કુનેહની સાથે-સાથે શાસકીય કુનેહનો પણ એટલો જ ઉપયોગ કરી રહ્યા છે.

માતા

માતા

કોઈ પણ વ્યક્તિને આ જગતમાં લાવવા માટે બે વ્યક્તિઓની જરૂર પડે. નિઃશંકપણે આ બે વ્યક્તિઓમાં એક સ્ત્રી અને એક પુરુષ હોય, ત્યારે જ કોઈ વ્યક્તિ આ જગતમાં અવતરી શકે. આ જગતમાં અવતરવા માટે ભગવાને પણ માતા-પિતાનો આસરો લેવો જ પડે છે અને તે માતા-પિતાઓ પણ આવા સંતાનો પામી ધન્યતા અનુભવે છે. આમ આ દુનિયાને નરેન્દ્ર મોદીની ભેંટ આપવાનો સૌભાગ્ય દામોદરદાસ મોદી અને હીરાબાને મળ્યો. નરેન્દ્ર મોદીને પિતાનો સાથ તો બહુ વધારે ન મળ્યો, પણ તેમના જીવનનું ઘડતર કરવાની તક હીરાબાને ચોક્કસ મળી. નરેન્દ્ર મોદી માટે આજે સૌથી મહત્વની કોઈ વ્યક્તિ હોય, તો તે કદાચ હીરાબા જ છે. એટલે જ તો તેઓ સામાન્ય વ્યક્તિ રહ્યા હોય કે મુખ્યમંત્રી રહ્યા હોય કે ભલે વડાપ્રધાને બની ચુક્યા છે, પણ હીરાબાના આશીર્વાદ લેવા ચોક્કસ તેમની પાસે જાય છે. માતાના ખોળે આખા વિશ્વની શાંતિ હોય છે અને આ વાત નરેન્દ્ર મોદીથી બહેતર કોણ જાણે છે. આમ, નરેન્દ્ર મોદીની સપ્ત-શક્તિઓમાં તેમના માતાએ પણ એક ઋષિની જેમ ફાળો આપ્યો છે.

આ છે શક્તિ-સમ્પુટ

આ છે શક્તિ-સમ્પુટ

આમ નરેન્દ્ર મોદીની સાત શક્તિઓનો આ સમ્પુટ છે કે જે નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ હોદ્દાએ લઈ જવામાં છુપો ફાળો આપતી રહી છે. આ શક્તિ-સમ્પુટ જોકે કોઈને કોઈ હોદ્દા સુધી પહોંચાડવાનું કામ નથી કરતો, પણ તેના માટેનું પીઠબળ પૂરૂ પાડે છે અને આ વાત નરેન્દ્ર મોદીની બાબતમાં સાચી સાબિત થઈ છે. મોદી પોતે પણ કહે છે કે તેઓ કંઇક બનવાનાં નહીં, પણ કંઇક કરવાના સપના જુએ છે અને તેઓ આ જ છુપી શક્તિઓના બળે કંઇકને કંઇક કરતા જ રહે છે.

English summary
Today Narendra Modi celebrates his 64th birthday first time as a Prime Minister of India. There are many open reasons and facts, which made Modi prime minister, but we brought 7 hidden powers of Narendra Modi, which are the 'seven sage' of Modi's life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more