200 રૂપિયાની લાંચ લેવાનો હતો આરોપ, 25 વર્ષ બાદ બોમ્બે હાઇકોર્ટે છોડ્યો નિર્દોષ
મુંબઇમાં એક એન્જિનિયરને 200 રૂપિયાની લાંચ લેવાના આરોપમાં 25 વર્ષ બાદ ન્યાય મળ્યો છે. કોર્ટે તેને નિર્દોષ જાહેર કરી લાંચ લેવાના આરોપમાંથી મુક્ત કર્યો છે. બોમ્બે હાઇકોર્ટે જણાવ્યું હતું કે, આરોપી સામે ઘણા પ્રકારના પુરાવાના અભાવે તેને તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવે છે.
એન્જિનિયરને 25 વર્ષ બાદ જે ન્યાય મળ્યો છે, તેના પર ખુશી અને અફસોસ પણ છે. તેમનું કહેવું છે કે, ખોટા આરોપોને કારણે તેમનું જીવન બરબાદ થઈ ગયું અને તેમને લગભગ એક કરોડ રૂપિયાનું નુકસાન પણ થયું. તેની પાસે હજુ 18 વર્ષની નોકરી બાકી હતી, તેને પણ નુકસાન થયું હતું.

લાંચના કલંકને કારણે જુનિયર એન્જિનિયર રહેલા પ્રવીણ શેલકેને માનસિક યાતનાનો સામનો કરવો પડ્યો હતો. જોકે, અંતે પુરાવાના અભાવે કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો હતો. કોર્ટના જણાવ્યા અનુસાર, આ જુનિયર એન્જિનિયરને એન્ટી કરપ્શન બ્યુરોએ સપ્ટેમ્બર 1998માં 200 રૂપિયાની લાંચ લેતા પકડ્યો હતો. બ્યુરો દ્વારા તેની સોલાપુરના કુર્દુવાડી વિસ્તારમાં એક વ્યક્તિ પાસેથી લાંચ લેવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસમાં વર્ષ 2002માં કોર્ટે સુનાવણી કરતા આરોપી શેલ્કેને દોષિત ઠેરવ્યો હતો અને તેને 2 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ નિર્ણય સામે ઈજનેરે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. જોકે, આ દરમિયાન ઈજનેરને વીજ વિભાગમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. આ કેસને લઈને તેમને પત્ની અને બાળકોનો સાથ પણ ન મળ્યો, પરંતુ તેઓ અડગ રહ્યા હતા. હવે 25 વર્ષ પછી કોર્ટે તેમને આ કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે.
મળતી માહિતી મુજબ, આ કેસમાં સરકારી પક્ષ એ સાબિત કરવામાં નિષ્ફળ ગયો કે, એન્જિનિયરે કોઈ લાંચ માંગી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લાંચના કેસમાં નિર્દોષ છૂટેલા શેલ્કે હવે પોતાની ખોટની ભરપાઈ કરવાનું મન બનાવી લીધું છે. વકીલ સાથે વાત કરીને તે ટૂંક સમયમાં કોર્ટનો સંપર્ક કરવા જઈ રહ્યો છે અને આ દરમિયાન તે વર્ષોથી કેસને કારણે થયેલા નુકસાન અંગે પોતાનો અવાજ ઉઠાવવા જઈ રહ્યો છે.












Click it and Unblock the Notifications
