
શ્રદ્ધાની હત્યા બાદ આફતાબ સાથે ઘરે આવેલી યુવતીની ઓળખ થઈ, જાણો કોણ છે?
દિલ્હી : દિલ્હીના ચકચારી શ્રદ્ધા હત્યાકેસમાં હવે પોલીસને વધુ એક મોટો પુરાવો મળ્યો હોવાના અહેવાલ મળી રહ્યો છે. મળતી વિગતો અનુસાર, હત્યા બાદ આરોપી આફતાબ પૂનાવાલાના ફ્લેટ પર એક યુવતી આવી હતી. હવે પોલીસે આ યુવતીની ઓળખ કરી લીધી છે. આ કેસ સાથે જોડાયેલી એક વિગત અનુસાર, આ યુવતી આફતાબના ફ્લેટ પર આવી ત્યારે શ્રદ્ધાના શરીરના ટુકડા ફ્રિજમાં રાખેલા હતા.
સામે આવેલા અહેવાલો અનુસાર, પોલીસે આ મહિલાની ઓળખ કરી લીધી છે અને તેની પુછપરછ કરાઈ રહી છે. આ મહિલા એક મનોચિકિત્સક હોવાનું પણ સામે આવ્યુ છે. બીજી તરફ કોર્ટે આરોપી આફતાબને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. હવે આફતાબને તિહારની જેલ નંબર 4માં રાખવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, સુરક્ષાના કારણોસર તેને જેલમાં એક અલગ સેલમાં રાખવામાં આવશે. તેમના સેલ પર 24 કલાક સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે.
દિલ્હી પોલીસ શ્રદ્ધાના શરીરના ભાગોની તપાસ કરી રહી છે ત્યારે આફતાબને શનિવારે આંબેડકર હોસ્પિટલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી માટે હાજર કરાયો હતો. આફતાબે કોર્ટને જણાવ્યું કે, તેને આ ઘટના યાદ રાખવામાં મુશ્કેલી પડી રહી છે કારણ કે તે આ બધી જગ્યાએ નવો હતો. કોર્ટે આફતાબના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું કે શું તેના પર થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે?
આ બાબતે આફતાબે કહ્યું કે, તે ઠીક છે અને તપાસમાં સહકાર આપી રહ્યો છે. તેણે કોર્ટમાં કહ્યું કે તેના પર કોઈ થર્ડ ડિગ્રી ટોર્ચર કરવામાં આવ્યું નથી. આફતાબનો નાર્કો ટેસ્ટ બાકી છે અને પોલીગ્રાફ ટેસ્ટ અનિર્ણિત મનાઈ રહ્યો છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આફતાબ પોલીગ્રાફ ટેસ્ટના પ્રશ્નો માટે અગાઉથી તૈયાર હતો. તેનો નાર્કો ટેસ્ટ 28 નવેમ્બરે થઈ શકે છે.
પોલીસને તપાસમાં એક પછી એક ચૌકાવનારી બાબતો જાણવા મળી રહી છે ત્યારે હવે મોટો ખુલાસો થયો છે. દાવા અનુસાર, આફતાબે ગુસ્સામાં શ્રદ્ધાની હત્યા નથી કરી. તે પહેલાથી જ તેને મારી નાખવાની યોજના બનાવી રહ્યો હતો. આફતાબ હિમાચલ પ્રદેશમાં આફતાબની હત્યા કરીને લાશનો નિકાલ કરવા માંગતો હતો. આ માટે તેણે હિમાચલમાં એક જગ્યા પણ શોધી હતી, પરંતુ ત્યાં ગુનાને અંજામ આપી શક્યો નહોતો.