મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું પ્લેન ક્રેશમાં નિધન, બારામતીમાં લેન્ડિંગ સમયે સર્જાઈ દુર્ઘટના
Ajit Pawar Plane Crash: મહારાષ્ટ્રના બારામતીથી એક અત્યંત દુખદ અને મોટા સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના દિગ્ગજ નેતા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું ખાનગી વિમાન લેન્ડિંગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. મળતી માહિતી મુજબ, અજિત પવાર એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે બારામતી પહોંચી રહ્યા હતા, ત્યારે આ દર્દનાક દુર્ઘટના સર્જાઈ હતી.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં લેન્ડિંગ દરમિયાન થયેલા વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું મોત નીપજ્યું છે.
હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે વિમાને ક્રેશ લેન્ડિંગ કર્યું હતું કે કોઈ ગંભીર ટેકનિકલ ખામીને કારણે તે ખેતરમાં ખાબક્યું હતું, પરંતુ ઘટનાની ગંભીરતાને જોતા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે.
ઘટનાસ્થળેથી જે તસવીરો અને વીડિયો સામે આવ્યા છે તે રૂંવાડા ઉભા કરી દે તેવા છે. આખું વિમાન ભીષણ આગમાં લપેટાયેલું છે અને આકાશમાં કાળો ધુમાડો સ્પષ્ટ જોઈ શકાય છે. ક્રેશ એટલો જોરદાર હતો કે વિમાનના ફુરચા ઉડી ગયા છે અને તે સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયું છે.
Ajit Pawar Plane Crash: દુર્ઘટના કેટલા વાગ્યે થઈ?
સ્થાનિક વહીવટીતંત્ર અને એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત તથા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આજે બુધવારે સવારે લગભગ 8:45 વાગ્યે અજિત પવારનું ચાર્ટર્ડ વિમાન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું. આ અકસ્માત ત્યારે થયો જ્યારે મુંબઈથી બારામતી આવી રહેલું વિમાન રનવે પર ઉતરતી વખતે સંતુલન ગુમાવી બેઠું અને ખેતરમાં જઈ પડ્યું.
Ajit Pawar Plane Crash: વિમાનમાં ક્યાં જઈ રહ્યા હતા અજિત પવાર?
અહેવાલો મુજબ, અજિત પવાર આગામી જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે જાહેર સભાને સંબોધવા પોતાના વતન બારામતી જઈ રહ્યા હતા. ક્રેશ એટલો ભીષણ હતો કે વિમાન જમીન સાથે અથડાતાની સાથે જ જોરદાર વિસ્ફોટ થયો અને તે આગના ગોળામાં ફેરવાઈ ગયું. ઘટનાસ્થળની તસવીરોમાં આખા વિમાનને બળીને ખાખ થતું જોઈ શકાય છે.
Ajit Pawar Plane Crash: વિમાનમાં અજિત પવારની સાથે કોણ કોણ હતું?
સૂત્રોના જણાવ્યા અનુસાર, વિમાનમાં અજિત પવાર સહિત ક્રૂ મેમ્બર્સ અને સુરક્ષાકર્મીઓ મળીને કુલ 6 લોકો સવાર હતા. નોંધનીય છે કે, અજિત પવાર મંગળવારે મુંબઈમાં હતા, જ્યાં તેમણે CM દેવેન્દ્ર ફડણવીસ સાથે કેબિનેટ કમિટીની મહત્વની બેઠકમાં ભાગ લીધો હતો.












Click it and Unblock the Notifications
