Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી'
Amit Shah Speech: લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર લોકસભામાં તીખી ચર્ચા થઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં વિપક્ષના આરોપોનો જવાબ આપતા આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે સ્પીકર વિરુદ્ધ આ પ્રકારનો પ્રસ્તાવ લાવવો એ સંસદીય રાજનીતિ માટે ખેદજનક બાબત છે.
ગૃહમંત્રી શાહે જણાવ્યું હતું કે, લોકસભા સ્પીકર ગૃહની ગરિમા અને લોકતાંત્રિક પરંપરાઓના પ્રતીક હોય છે. તેમના પદની ગરિમાનું સન્માન જળવાવું જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષ કોઈ નક્કર કારણ વગર રાજકીય માહોલ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ગૃહમંત્રીએ ઉમેર્યું કે સંસદમાં સ્વસ્થ ચર્ચા અને મર્યાદા જાળવી રાખવી એ તમામ જનપ્રતિનિધિઓની જવાબદારી છે.

Amit Shah Speech: વિપક્ષ પર દેશને બદનામ કરવાનો લગાવ્યો આરોપ
અવિશ્વાસ પ્રસ્તાવનો વિરોધ કરતા ગૃહમંત્રીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે લોકસભા અધ્યક્ષનું પદ પક્ષપાતી રાજકારણથી ઉપર હોય છે. સ્પીકર પાસે હંગામો કરનારા સભ્યોને હાંકી કાઢવાનો કે સસ્પેન્ડ કરવાનો અધિકાર છે. ગૃહમંત્રીએ કહ્યું, 'સ્પીકર પર આક્ષેપ લગાવવાથી દેશની બદનામી થઈ રહી છે. સ્પીકર કોઈ એક પક્ષના નહીં પણ તમામ પક્ષો અને સાંસદોના હોય છે. લોકસભા અધ્યક્ષની ફરજ છે કે તેઓ ગૃહમાં શિસ્ત જાળવી રાખે, જેથી લોકસભા નિયમો મુજબ ચાલી શકે.'
No Confidence Motion Debate: ગૃહમંત્રીએ વિપક્ષને સમજાવી સંસદની મર્યાદા
અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલતા ગૃહમંત્રીએ કહ્યું કે, "હું વિપક્ષી દળોને પણ કહેવા માંગુ છું કે સ્પીકર ગૃહના સંરક્ષક હોય છે. ગૃહ માત્ર એક પક્ષથી નહીં, પરંતુ સૌના વિશ્વાસથી ચાલે છે." તેમણે વધુમાં ઉમેર્યું, 'આ વાત બધાએ સમજવી જોઈએ કે પોતાનો પક્ષ રજૂ કરવાનો અધિકાર છે, પરંતુ તેને વિશેષાધિકાર તરીકે લઈ શકાય નહીં. સ્પીકર પર અવિશ્વાસ વ્યક્ત કરીને વિપક્ષી સાંસદોએ દેશની બદનામી કરી છે. નિયમો મુજબ ગૃહ ચલાવવું એ પક્ષપાત કરવો નથી.'
ગૃહમંત્રીએ વિપક્ષના ચર્ચાથી ભાગવાના આરોપો પર જવાબ આપતા કહ્યું કે અમે દરેક મુદ્દે ચર્ચા માટે તૈયાર છીએ. તેમણે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો પર નિશાન સાધતા કહ્યું કે ઓમ બિરલાની પ્રશંસા કરવી જોઈએ. વિરોધ પક્ષો તેમને મર્યાદા શીખવવાનો પ્રયાસ ન કરે.
Rahul Gandhi પર કર્યા આકરા પ્રહાર
ગૃહમંત્રીએ આ દરમિયાન રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે જ્યારે ગૃહમાં બોલવાની તક હોય છે, ત્યારે તેઓ જર્મની જતા રહે છે, ઇંગ્લેન્ડ જતા રહે છે. શાહે કહ્યું, 'વિપક્ષનો અવાજ દબાવવાનો ક્યારેય પ્રયાસ કરવામાં આવ્યો નથી. વિપક્ષનો અવાજ સંપૂર્ણ રીતે 1975માં (કટોકટી દરમિયાન) દબાવવામાં આવ્યો હતો. 17મી લોકસભામાં રાહુલ ગાંધીની હાજરી માત્ર 53 ટકા હતી. અમે વિપક્ષ પર આરોપો નથી લગાવ્યા, પરંતુ તેમણે ભાજપની છબી ખંડિત કરવાનો પ્રયાસ કર્યો છે.'












Click it and Unblock the Notifications
