
ઘણા રાજ્યના ગવર્નર્સ બદલાયા, જાણો ક્યા રાજ્યોમાં કોણ બનશે રાજ્યપાલ?
નવી દિલ્હી : ઘણા રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરવામાં આવી છે. કેટલાક રાજ્યપાલોને વધારાના ચાર્જ આપવામાં આવ્યા છે. ગુરુવારના રોજ સાંજે રાષ્ટ્રપતિ ભવન દ્વારા માહિતી આપવામાં આવી છે કે, નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહને ઉત્તરાખંડના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. બનવારીલાલ પંજાબના નવા રાજ્યપાલ બનશે. આર. એન. રવિને તમિલનાડુના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.
ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્યએ બુધવારના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. જે બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારના રોજ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. જે બાદ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ગુરમીત સિંહને ઉત્તરાખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિ ભવને માહિતી આપી છે કે, તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતની પંજાબના રાજ્યપાલ તરીકે બદલી કરવામાં આવી છે. તમિલનાડુના નવા રાજ્યપાલ રવિન્દ્ર નારાયણ રવિ હશે, જેમને અત્યાર સુધી નાગાલેન્ડના રાજ્યપાલ હતા. આસામના રાજ્યપાલ જગદીશ મુખીને નાગાલેન્ડના રાજ્યપાલનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે.
બેબી રાનીએ રાજીનામું આપ્યું હતું
ઓગસ્ટમાં ઉત્તરાખંડના રાજ્યપાલ તરીકે ત્રણ વર્ષ પૂર્ણ કરનારા બેબી રાનીએ બુધવારના રોજ રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામા બાદ ઉત્તરાખંડના નવા ગવર્નર અંગે ચર્ચા થઈ હતી, પરંતુ માત્ર ઉત્તરાખંડ જ નહીં, પરંતુ આજે ઘણા રાજ્યોના ગવર્નર્સ બદલાયા છે.