• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત સહિત ભાજપશાસિત રાજ્યોએ 'PMને ધન્યવાદ' પાઠવવા 18 કરોડ ખર્ચ્યા : RTI

ગુજરાત સહિત ભાજપશાસિત રાજ્યોએ 'PMને ધન્યવાદ' પાઠવવા 18 કરોડ ખર્ચ્યા : RTI
By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં પહેલી અને પાંચ ડિસેમ્બરે ચૂંટણી છે અને આઠ ડિસેમ્બરે પરિણામ છે. તો દિલ્હીમાં પણ હાલમાં MCD (મ્યુનિસિપલ કૉર્પોરેશન ઑફ દિલ્હી)ની ચૂંટણી યોજાવાની છે.

આ વખત ભાજપ 15 વર્ષથી પોતાના એકચક્રી શાસનને ટકાવી રાખવા માટે પૂરો જોર લગાવી રહ્યો છે તો આમ આદમી પાર્ટી (આપ) રાજ્ય સરકાર સાથોસાથ MCD પણ કબજે કરવા તત્પર છે.

MCDની ચૂંટણી અગાઉ ભાજપે દિલ્હીમાં ઘણાં સ્થળોએ જાહેરાતો લગાવી છે, જે પૈકી એક જાહેરાતમાં લખાયું છે કે, “સેવા હી વિચાર, નહીં ખોખલે પ્રચાર”. જેનો અર્થ છે ભાજપ સેવામાં વિશ્વાસ ધરાવતો પક્ષ છે ના કે પોકળ પ્રચારનો.

પરંતુ કોરોના મહામારી દરમિયાન અને તે પછીના સમયમાં ભાજપશાસિત કેટલાંક રાજ્યોના પ્રચારની વાત કરીએ તો ઉપરોક્ત વાત કરતાં વિપરીત ચિત્ર ઊપસી આવે છે.

બીબીસી ગુજરાતીએ કરેલી એક માહિતી અધિકારની અરજીમાં જાણવા મળ્યું છે કે વિવિધ યોજનાઓ લાગુ કરવા માટે “વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ધન્યવાદ કરવા માટે” ગુજરાત, મધ્ય પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ અને કર્ણાટક સહિતની ભાજપશાસિત રાજ્ય સરકારોએ 18,03,89,252 રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે સરકારી જાહેરાતો માટે જાહેર કરેલ માર્ગદર્શિકામાં 'કોઈ પણ રાજકીય હસ્તીનું મહિમાગાન ટાળવા’ સ્પષ્ટ જણાવેલું છે.

કાયદાના નિષ્ણાતો રાજ્ય સરકારો દ્વારા વડા પ્રધાનને તેમની 'બંધારણીય જવાબદારીનું વહન’ કરવા માટે 'ધન્યવાદ’ કરાય તે વાતને 'વિચિત્ર’ ગણાવે છે.

ભાજપ તરફથી આ તમામ જાહેરાતોનો મુદ્દો 'પક્ષ સાથે સંકળાયેલ’ ન હોવાનો મત વ્યક્ત કરાયો છે.

જ્યારે ઉપરનાં તમામ ભાજપશાસિત રાજ્યોની સરકારોએ આ મામલે કોઈ પણ જવાબ આપવાનું ટાળ્યું છે.

જાહેરાતોમાં શું હતું?

બીબીસી ગુજરાતીએ કરેલી માહિતી અધિકારની અરજીમાં પ્રાપ્ત થયેલ જવાબ અને દસ્તાવેજો ચકાસતાં જાણવા મળે છે કે ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા અને કર્ણાટકની ભાજપશાસિત સરકારોએ કોરોના રસીકરણ, વડા પ્રધાન આવાસ યોજના અને 'નલ સે જલ’ યોજનાના પ્રચાર માટે કરાયેલી જાહેરાતોમાં 'વડા પ્રધાન મોદીને ધન્યવાદ’ પાઠવ્યા છે.

ગુજરાત, ઉત્તરાખંડ, હરિયાણા અને કર્ણાટકની રાજ્ય સરકારો કોરોના મહામારી દરમિયાન 'બધાને વૅક્સિન, મફત વૅક્સિન ધન્યવાદ મોદીજી’ વિજ્ઞાપન બહાર પાડવા માટે કરોડોનો ખર્ચ કર્યો હતો.

ગત વર્ષે એવા પણ સમાચાર આવ્યા હતા કે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને 'કોરોના વૅક્સિન માટે વડા પ્રધાન મોદીને ધન્યવાદ પાઠવતી’ જાહેરાતો કરવા કહેવામાં આવી રહ્યું હતું.

જેની વિગતો નીચે મુજબ છે.

  • ગુજરાત – 2,10,26,410
  • ઉત્તરાખંડ – 2,42,84,198
  • હરિયાણા – 1,37,43,490
  • કર્ણાટક – 2,19,00,000

ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ પણ કેન્દ્ર સરકાર દ્વારા બધાને મફત વૅક્સિન પૂરી પાડવા બદલ વડા પ્રધાનને ધન્યવાદ પાઠવતી જાહેરાતો માધ્યમોમાં આપવા માટે રાજ્યના ઑફિસરો પર દબાણ કરાઈ રહ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો.

બીબીસી ગુજરાતીએ કેટલાંક બિનભાજપી રાજ્યોમાં પણ આવી કોઈ જાહેરાત કરાઈ છે કે કેમ તે જાણવા માહિતી અધિકારની અરજી કરી હતી.

દિલ્હી અને મહારાષ્ટ્રમાં (જૂન 2021માં મહારાષ્ટ્રમાં બિનભાજપી સરકાર હતી) કરેલી અરજીના જવાબમાં કહેવાયું હતું કે, “આ રાજ્યોની સરકારોએ આવી કોઈ જાહેરાત કરી નહોતી.”

આ સિવાય મધ્ય પ્રદેશ સરકારે તાજેતરમાં જ 'નલ સે જલ’ યોજના અને વડા પ્રધાન આવાસ યોજનાની જાહેરાતમાં 'વડા પ્રધાન મોદીને ધન્યવાદ’ પાઠવવા માટે 9,94,35,154 રૂપિયાનો ખર્ચો કર્યો હોવાનું સામે આવ્યું હતું.

bbc gujarati line

'જનતાનાં નાણાંનો દુર્વ્યય’

રાજકારણના જાણકાર અને બિઝનેસ સ્ટાન્ડર્ડ અખબારના પૉલિટિકલ એડિટર સિદ્ધાર્થ કલહંસ ઉપરોક્ત વિજ્ઞાપનોને પ્રજાનાં 'નાણાંનો દુર્વ્યય’ ગણાવે છે.

તેઓ કહે છે કે, “ભાજપની સરકારમાં પાછલાં અમુક વર્ષોથી આ એક પ્રકારની પૅટર્ન જોવા મળી રહી છે કે તેઓ કોઈને કોઈ યોજના કે પહેલના બહાને વડા પ્રધાનની છબિ ચમકાવામાં લાગેલી રહે છે. અને તેના માટે દુર્ભાગ્યે લોકોનાં નાણાંનો વ્યય થાય છે.”

સિદ્ધાર્થ કલહંસ આગળ વાત કરતાં કહે છે કે, “હવે સરકારનાં કામો કે વડા પ્રધાનનો પ્રચાર કરવા માટે ચૂંટણીની કોઈ રાહ જોવાતી નથી. ઉત્તર પ્રદેશ સહિતનાં રાજ્યોમાં જાહેરાતો માટેના અલગ ફંડની જોગવાઈ કરી દેવાય છે.”

આ સિવાય તેઓ કહે છે કે, “ભાજપની જાહેરાતો અને તેના પરથી થતા પ્રચાર પરનું અવલંબન પણ આ પ્રકારની જાહેરાતો માટે પ્રેરકબળ બને છે.”

રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલ આ સમગ્ર બાબત અંગે પોતાનો મત વ્યક્ત કરતાં જણાવે છે કે, “એક સાથે આટલાં રાજ્યોમાં આવી જાહેરાતો કરવામાં આવે તો તેનો અર્થ એવો પણ છે કે તેમને ઉપરથી આવું કરવા સૂચના અપાઈ હશે. તે સિવાય આવી જાહેરાતો પાછળનો હેતુ વડા પ્રધાનને સર્વેસર્વા તરીકે રજૂ કરવાનો પણ છે.”

તેઓ આવી જાહેરાતોની નિરર્થકતા અંગે આગળ વાત કરતાં કહે છે કે, “આવી જાહેરાતનો હેતુ કોઈ પૉલિટિકલ વ્યક્તિની છબિ ચમકાવવા માત્રનો હોય એવું લાગે છે, તેમાં જેના માટે ખરેખર જાહેરાત થવી જોઈએ એવા સામાન્ય માણસનું કોઈ ધ્યાન રખાતું નથી. યોજનાના પ્રચાર કે જનકલ્યાણનો તેમાં કોઈ ઉદ્દેશ લાગતો નથી.”

આ મામલે ભાજપનો પક્ષ જાણવા માટે બીબીસી ગુજરાતીએ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તાનો સંપર્ક કર્યો હતો.

તેમણે ટેક્સ્ટ મૅસેજના માધ્યમથી આપેલ જવાબમાં કહ્યું હતું કે તેમને આ સમગ્ર મામલાની 'જાણ નથી’, તેમજ તે 'પક્ષ સાથે સંકળાયેલ મામલો લાગતો નથી.’

આ સિવાય ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા અને કર્ણાટક રાજ્યના મુખ્ય સચિવને આ મામલે ખુલાસો આપવા કરેલ ઇમેઇલનો પણ હજુ સુધી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી.

કાયદાકીય પરિપ્રેક્ષ્ય

કાયદાનાં જાણકાર અને ભારતની ખ્યાતનામ કાયદાનો અભ્યાસ કરાવતી સંસ્થા સાથે જોડાયેલાં આસિસ્ટન્ટ પ્રોફેસર નંદિતા બત્રા 'ધન્યવાદ મોદી’વાળાં વિજ્ઞાપનોને 'વિચિત્ર’ અને 'અર્ધન્યાયિક’ ગણાવે છે.

તેઓ 'ધન્યવાદ મોદીજી’વાળાં વિજ્ઞાપનોને “ભારતની રાજકીય પૃષ્ઠભૂમિ પર ચાલી રહેલ વ્યક્તિકેન્દ્રી રાજકારણનું વિસ્તરણ” ગણાવે છે.

નંદિતા બત્રાના મતે, “સરકાર પોતાના જ વડા પ્રધાનને તેમની બંધારણીય જવાબદારી ભજવવા માટે ધન્યવાદ કરે એ વાત વિચિત્ર લાગે છે!”

તેઓ આગળ કહે છે કે, “આ કારણે જાહેર જનતાના પૈસે ચાલી રહેલા આવા પ્રૉપેગૅન્ડાની કાયદેસરતા સામે સવાલ ઊઠે તે સ્વાભાવિક છે.”

નંદિતા બત્રા વિજ્ઞાપનોના કાયદાકીય પાસા અંગે વાત કરતાં આગળ લખે છે કે, “સુપ્રીમ કોર્ટે કૉમન કોઝ વિ. ભારત સરકાર (2015)માં જણાવ્યું છે કે સરકારની ઉપલબ્ધિઓ પ્રસિદ્ધિની બાબત ન હોવી જોઈએ, ખરેખર તો તે નાગરિકો અનુભવી શકે તેવું પરિપ્રેક્ષ્ય હોવું જોઈએ. પરંતુ આવી જાહેરાતો સરકારનાં કામો અને તેની માહિતી લોકો સુધી પહોંચાડવાની અસરો પણ ધરાવે છે તેથી તે મંજૂર રાખી શકાય.”

“કોર્ટે આવાં વિજ્ઞાપનોમાં બંધારણીય હોદ્દા પર બેઠેલા લોકોની તસવીરો મૂકવા પર પ્રતિબંધ લાદ્યો પરંતુ જાહેર હિત મામલે તેની મંજૂરી પણ આપી. તેથી આવાં વિજ્ઞાપનોને જાહેર હિત મામલે આંકવાં રહ્યાં.”

“મને લાગે છે કે આ તમામ વિજ્ઞાપનોનો અલગ અલગ વિશ્લેષણ કરવું પડે. જો કોરોનાના રસીકરણ માટેનાં વિજ્ઞાપનમાં લોકોને વૅક્સિનેશન વિશે માહિતી આપવાનો હેતુ હોય તો તે માન્ય છે પરંતુ 'ધન્યવાદ મોદીજી’નો સંદેશ માન્ય ન રાખી શકાય. તેથી આવાં મિશ્ર પ્રકારનાં વિજ્ઞાપનો અર્ધન્યાયિક કહી શકાય.”

તેઓ આગળ કહે છે કે, “આ સિવાય બીજી બાબત એવી પણ છે કે શું આ તમામ વિજ્ઞાપન માટેનાં કેમ્પેન ઓછામાં ઓછો ખર્ચ થાય તેવી રીતે ચલાવવામાં આવ્યા છે કે કેમ? પરંતુ આ વિજ્ઞાપનો માટે ખર્ચ કરાયેલ પૈસાનો આંકડો આ દિશા તરફ આંગળી ચીંધતો નથી. તે પૂરેપૂરું જાહેર નાણાંના દુર્વ્યય તરફ ઇશારો કરે છે.”

નંદિતા બત્રા વિજ્ઞાપનના કાયદાકીય પાસા અંગેની વાત આગળ વધારતાં કહે છે કે, “આ પ્રકારનાં વિજ્ઞાપનો જાહેર હિતમાં નથી અને રાજકીય હિતોના પ્રચાર પૂરતાં છે, કોર્ટ આ અંગે નિર્ણય લઈ શકે તે માટે સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવી એ જ એક રસ્તો માત્ર છે.”

સરકારી જાહેરાત મામલે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન શું છે?

ભારતની સુપ્રીમ કોર્ટમાં કૉમન કૉઝ અને સેન્ટર ફૉર પબ્લિક દ્વારા કરાયેલ રિટ અરજીમાં જાહેર નાણાંનો સરકાર દ્વારા સરકારી યોજનાઓનાં વિજ્ઞાપનો અને પ્રસિદ્ધિ માટે વિવેકપૂર્ણ અને વાજબીપણે ઉપયોગ કરવા માટે નિર્દેશ આપવા અને તેના યોગ્ય નિયમન માટે માર્ગદર્શિકા ઘડવાની માગણી કરાઈ હતી. કોર્ટે આ માટે એક સમિતિ નીમી.

આ સમિતિએ ઘડેલી ગાઇડલાઇનમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે, સરકારી વિજ્ઞાપનોમાં રાજકીય તટસ્થતા જળવાવી જોઈએ. તેમજ વિજ્ઞાપનોમાં કોઈ પણ રાજકારણીનું મહિમાગાન ટાળવાનું જણાવાયું છે.

તેમજ સત્તામાં હોય તે પક્ષની હકારાત્મક છબિ રજૂ કરવાનો અને તેમનો વિરોધ કરતા પક્ષની નકારાત્મક છબિ રજૂ કરવા માટેની જાહેરાતો માટે સરકારી નાણાંનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવાઈ છે.

આ સિવાય રાજ્ય અને કેન્દ્રની સરકારો દ્વારા પોતાના શાસનનાં અમુક દિવસો કે વર્ષો પૂરાં થવાના પ્રસંગે પોતાની સિદ્ધિઓને લગતાં વિજ્ઞાપનો જારી કરવામાં આવે છે.

જોકે, કોર્ટ દ્વારા જારી કરાયેલી ગાઇડલાઇન અનુસાર આવાં વિજ્ઞાપનોનો હેતુ પ્રસિદ્ધિ નહીં પરંતુ જાહેર જનતાને સરકારનાં કામોનાં પરિણામો જણાવવા પૂરતો હોવો જોઈએ.

આ અરજીઓના નિકાલ માટેના હુકમમાં સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે સરકારી જાહેરાતો અને પ્રસિદ્ધિનો હેતુ સરકારની યોજનાઓ અને તેની નીતિઓ અંગે લોકોને માહિતગાર કરવાનો હોવો જોઈએ.

આમ, લોકોને માહિતગાર કરવાના હેતુની સ્વીકાર્યતા અને રાજકારણીના મહિમાગાનની અસ્વીકાર્યતા પર આ ગાઇડલાઇનમાં વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

જોકે, આ માર્ગદર્શિકાનું કેટલી હદે પાલન કરવામાં આવે છે તે એક ચર્ચાનો વિષય છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

Facebook પર સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

Instagram પર બીબીસી ગુજરાતીને અહીં ફૉલો કરો.

YouTube પર બીબીસી ગુજરાતીના વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

Twitter પર બીબીસી ગુજરાતીની ફૉલો કરવા અહીં ક્લિક કરો.

English summary
BJP-ruled states including Gujarat spent 18 crores to 'thank PM': RTI
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X