અફઝલ ગુરુ અંગે પ્રકાશિત પુસ્તકથી જમ્મુ-કાશ્મીરમાં હોબાળો
શ્રીનગર, 18 સપ્ટેમ્બર : સંસદ પર હુમલો કરવાના ગુનામાં દોષિત મોહમ્મદ અફઝલ ગુરુને ફાંસીની સજા આપ્યાને સાત મહિના વીતી ચૂક્યા છે. ફાંસી અપાયાના સાત મહિના બાદ જમ્મુ કાશ્મીરમાં હાલમાં પ્રકાશિત થયેલા એક પુસ્તકમાં અફઝલ ગુરુ વિશેના ખુલાસાઓએ હંગામો મચાવી દીધો છે. 'અહલે ઇમાન કે નામ શહીદ મોમ્મદ અફઝલ ગુરુ' નામના આ પુસ્તરની પાંચ હજાર કોપી છપાવીને સર્ક્યુલેટ કરવામાં આવી છે.
ઉર્દુમાં લખાયેલ આ પુસ્તકનું સંપાદન કરનારા અલગતાવાદી નેતા શફી અહેમદ ખાન શૈરિયાતીએ દાવો કર્યો છે કે તેમને ગુરુએ તિહાડ જેલમાંથી કાશ્મીરી લોકો માટે એક સંદેશ મોકલ્યો હતો. અફ્ઝલ ગુરુને ધરપકડ કરાયાના ૧૧ વર્ષ બાદ આ વર્ષે ૭મી ફેબ્રુઆરીના રોજ ફાંસીની સજા આપવામાં આવી હતી. આ પુસ્તકમાં અફઘાનિસ્તાનમાં અમેરિકા અને યુએન સેનાનો સામનો કરવા તાલિબાન પ્રમુખ મુલ્લા મુહમ્મદ ઉમરની પ્રશંસા પણ કરવામાં આવી છે.
અફ્ઝલ ગુરુની અંગેની 94 પાનાની આ પુસ્તિકામાં લખવામાં આવ્યું છે કે ભરોસાપાત્ર મુલ્લા મુહમ્મદ ઉમરના નેતૃત્વમાં તાલિબાન અંધકારમાં પ્રકાશના કિરણ સમાન છે. પુસ્તક પ્રમાણે આ સંગઠને અમેરિકા અને નાટો સેનાના વર્ચસ્વને તોડી કાઢ્યું છે, જોકે તુર્કી, પરમાણુ હથિયાર સંપન્ન પાકિસ્તાન અને અરબ દેશો જેવા વિકસિત મુસ્લિમ રાષ્ટ્રો પશ્ચિમી દેશોથી હજુ પણ ભયભીત છે.