બજેટ બાદ મોદીએ કહ્યું, દાળથી લઇને ડેટા સુધી સૌનો વિચાર કર્યો છે
બજેટ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ બજેટમાં દાળથી લઇને ડેટા સુધી દરેક વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
બજેટ રજૂ થયાં બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કહ્યું કે, આ વર્ષના બજેટમાં દાળથી લઇને ડેટા સુધી દેરક વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ બજેટથી અર્થવ્યવસ્થા મજબૂત થશે અને વિકાસની ગતિ વધશે. બજેટમાં દરેક વિભાગ માટે ઠોસ પગલા લેવામાં આવ્યા છે.
નરેન્દ્ર મોદીએ નાણાં મંત્રી અરુણ જેટલી અને તેમની ટીમનો ધન્યવાદ કરતાં કહ્યું કે, આ બજેટમાં સૌથી વધુ ખેડૂતો, ગામડાઓ, ગરીબ અને દલિતો, પીડિત અને શોષિત વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સાથે જ ઉમેર્યું કે, બજેટમાં રેલવે બજેટ મર્જ કરવાને કારણે ટ્રાન્સપોર્ટ સેક્ટરનો વિકાસ થશે.

આ બજેટ દેશને દિશા બતાવશે
તેમણે આગળ કહ્યું કે, 'દરેક વ્યક્તિના સપના સાકાર કરવા માટે આ બજેટમાં પગલાં લેવામાં આવ્યાં છે, એ સ્પષ્ટ છે. રોજગાર પર પૂરું ધ્યાન આપવાની સાથે-સાથે સ્કિલ ડેવલપમેન્ટ પર પણ ફેકસ કરવામાં આવ્યું છે. વળી, ટેક્સ ઘટાડવો એ એક સાહસપૂર્ણ નિર્ણય છે. આ બજેટ થકી મધ્યમ વર્ગની ખરીદ શક્તિમાં વધારો થશે. આ બજેટ દેશને દિશા બતાવશે. રેલ સેફટી ફંડ પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે, જેનાથી રેલવે સુરક્ષા વધુ મજબૂત બનશે.'
'કાળા નાણાં અને ભ્રષ્ટાચાર સામે લડવાની પ્રતિબદ્ધતા આ બજેટમાં દેખાઇ આવે છે. બજેટથી હાઉસિંગ સેક્ટરને પણ લાભ થશે. ખેડૂતોનું પણ ધ્યાન રખાયું છે, સરકારનું લક્ષ્ય છે કે ખેડૂતોની આવક બમણી થાય.'
'નાણા મંત્રી અરુણ જેટલીએ ઉત્તમ જનરલ બજેટ રજૂ કર્યું છે. બજેટની મદદથી નાના વ્યવસાયીઓને વૈશ્વિક બજારની હરીફાઇમાં ઉતરવાની તક મળશે. આ બજેટ ઘણી રીતે આપણા દેશના વિકાસમાં સહાયક સાબિત થશે. મહિલા સશક્તિકરણને પણ નવા પરિમાણ મળશે.'












Click it and Unblock the Notifications
