For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું શરદ પવાર નરેન્દ્ર મોદી સામે કોઈ પણ પ્રકારનો 'મોરચો' ઊભો કરી શકે છે?

શું શરદ પવાર નરેન્દ્ર મોદી સામે કોઈ પણ પ્રકારનો 'મોરચો' ઊભો કરી શકે છે?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
શું શરદ પવાર મોદી અને ભાજપ સામે ટક્કર ઝીલવા ત્રીજો મોરચો તૈયાર કરી શકશે?

હાલમાં નવી દિલ્હીમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારની અન્ય ક્ષેત્રીય નેતાઓ સાથેની મુલાકાતે ચર્ચા જગાવી છે કે - શું આ વડા પ્રધાન મોદી સામે કોઈ મોરચો ઊભો કરવાની તૈયારી છે?

અન્ય નેતાઓ સાથે આ ચર્ચિત બેઠક પહેલાં શરદ પવાર ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને મળ્યા હતા, એ પણ એક વખત નહીં પરંતુ થોડા દિવસોમાં બંને વચ્ચે ત્રણ વખત બેઠકો થઈ.

આવી પરિસ્થિતિમાં રાજકીય નિષ્ણાતો આ ઘટનાક્રમને અત્યંત ઉત્સુકતા સાથે જોઈ રહ્યા હતા.

એ વાતની સંભાવના વ્યક્ત કરાઈ રહી હતી કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના ઐતિહાસિક વિજય બાદ એક ત્રીજો મોરચો ઊભો થઈ શકે છે.

મમતા બેનરજી સ્વયં ઘણા અવસરો પર ભાજપ વિરુદ્ધ એક મંચ બનાવવાની વાત કરી ચૂક્યાં છે.

હાલમાં જ તેમણે સોનિયા ગાંધી સહિત ઘણા પક્ષોને એક ત્રણ પાનાંનો પત્ર લખ્યો હતો. જેમાં એક ફેડરલ ફ્રન્ટ બનાવવાની વાત કરાઈ હતી.

મમતા બેનરજી સિવાય તેલંગાણા રાષ્ટ્ર સમિતિના પ્રમુખ કે ચંદ્રશેખર રાવ પણ ફેડરલ ફ્રન્ટ બનાવવાની દિશામાં કામ કરી ચૂક્યા છે.

આવી પરિસ્થિતિમાં પ્રશાંત કિશોર સાથે બેઠક બાદ શરદ પવારની વિપક્ષનાં દળો સાથેની બેઠકને ત્રીજા મોરચા સાથે જોડીને જોવું એ સામાન્ય હતું.

કારણ કે મમતા બેનરજીના સ્વરૂપે આ મોરચાને એક એવાં ઉમેદવાર મળી ગયાં છે જેમણે મોદીની મજબૂત છબિ અને અમિત શાહની રણનીતિને માત આપી છે.

આ સંદર્ભને ધ્યાનમાં રાખીને આ બેઠક પર ધ્યાન અપાઈ રહ્યું હતું. પરંતુ બેઠક બાદ એનસીપી નેતા માજિદ મેમણે જે પ્રકારે આને રાષ્ટ્ર મંચની બેઠક ગણાવી અને તમામ પ્રશ્નો અંગે સ્પષ્ટતા કરતા દેખાયા, તેનાથી ઘણા પ્રશ્નો ઊભા થયા.

એક સવાલ એ પણ છે કે શું ત્રીજા મોરચા સાથે જોડાયેલી તમામ સંભાવનાઓ અર્થહીન છે? કારણ કે આ બેઠકમાં સમાજવાદી પાર્ટી, ટીએમસી, એનસી અને રાષ્ટ્રીય જનતા દળ જેવાં મોટાં ક્ષેત્રીય દળોના મુખ્ય નેતા નહોતા પહોંચ્યા.

તેમણે પોતાની પાર્ટીના વરિષ્ઠ નેતાઓને પણ નહોતા મોકલ્યા.

શક્ય છે કે આ જ કારણે મેમણ આ બેઠક અને તેના પરિણામથી પોતાના નેતા શરદ પવારને દૂર કરવાની કોશિશ કરતા દેખાયા.


કૉંગ્રેસ વગર ત્રીજો મોરચો સંભવ?

આ બેઠકમાં કૉંગ્રેસ પાર્ટીને આધિકારિકપણે આમંત્રણ નથી અપાયું જ્યારે કૉંગ્રેસ સાથે NCP મહારાષ્ટ્રના ગઠબંધનમાં છે.

આ સંપૂર્ણ ઘટનાક્રમે એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું હાલના રાજકારણમાં કૉંગ્રેસ પાર્ટીને સામેલ કર્યા વગર કોઈ ત્રીજો મોરચો બનાવી શકાય?

લગભગ ત્રણ દાયકાથી રાજકારણને જોઈ રહેલા વરિષ્ઠ પત્રકાર ઊર્મિલેશ માને છે કે કૉંગ્રેસ ભલે હાલ પોતાના સૌથી ખરાબ સ્વરૂપમાં છે પરંતુ તેના સિવાય ત્રીજો મોરચો બનાવવાનું કામ શક્ય હોય તેવું નથી દેખાતું.

તેઓ કહે છે કે, "હું કૉંગ્રેસની એ મુદ્દે ઘણી ટીકા કરું છું કે કેવી રીતે તે એક નિષ્ક્રિય વિપક્ષ બનેલી છે. પરંતુ તેમ છતાં મારું માનવું છે કે કૉંગ્રેસ વિપક્ષની સૌથી મોટી પાર્ટી છે. તેની પહોંચ રાષ્ટ્રવ્યાપી છે."

"ઘણાં રાજ્યો જેમ કે, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં વિપક્ષ સ્વરૂપે કૉંગ્રેસની હાજરી મજબૂત છે. આવી પરિસ્થિતિમાં કૉંગ્રેસ સિવાયના ત્રીજા મોરચાની વાત કરવી નિરર્થક છે."

આ બેઠકમાં જાવેદ અખ્તર સહિત સિવિલ સોસાયટીના તમામ લોકો સામેલ થયા.

આ સાથે જ કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી અને વિવેક તન્ખા જેવા કેટલાક કૉંગ્રેસના નેતાઓને પણ બોલાવવામાં આવ્યા હતા. પરંતુ કૉંગ્રેસ પક્ષને કોઈ આધિકારિક નિમંત્રણ નહોતું અપાયું.

ઊર્મિલેશ બેઠકમાં બોલાવાયેલા લોકોની ચૂંટણી પર કહે છે કે, "આ લોકો પ્રશાંત કિશોરની સૂચના અનુસાર પોતાનું રાજકારણ કરી રહ્યા છે, તેઓ પોતાના રાજકારણ પર પાણી ફેરવી રહ્યા છે. કારણ કે પ્રશાંત કિશોર ચૂંટણીના રણનીતિકાર હોઈ શકે છે પરંતુ તેઓ એ નથી જણાવી શકતા કે મોરચો કઈ રીતે બનવો જોઈએ."

રાષ્ટ્રીય રાજકારણને ઊંડાણપૂર્વક સમજનારાં વરિષ્ઠ પત્રકાર રાધિકા રામાશેષન માને છે કે કૉંગ્રેસને અલગ રાખીને કોઈ પણ પ્રકારનો મોરચો બનાવવા વિશે વિચારી ન શકાય.

તેઓ કહે છે કે, "આ બેઠકમાં કૉંગ્રેસના જે નેતાઓને બોલાવવામાં આવ્યા હતા, તેઓ પૈકી ત્રણ એ G23 સમૂહના સભ્યો છે જેમણે સોનિયા ગાંધીના નેતૃત્વમાં પરિવર્તનને લઈને પત્ર લખ્યો હતો."

"પરંતુ કૉંગ્રેસને નિમંત્રણ નહોતું પાઠવાયું. હાલ કૉંગ્રેસની ગમે તેવી હાલત હોય. પરંતુ ભાજપને બાદ કરતાં માત્ર એક જ પાર્ટી એવી છે જેની હાજરી તમામ જગ્યાએ છે."

"અને તેના વગર કોઈ પણ ત્રીજા મોરચાની વાત અજીબ લાગે છે."

રાધિકા પોતાના આ તર્ક પાછળનું કારણ જણાવતાં કહે છે કે કોઈ પણ મોરચાને ઊભો કરવામાં સંસાધન અને માનવ શ્રમ લાગે છે.

જનતા પાર્ટી અને જનતા દળના દિવસો યાદ કરતાં તેઓ કહે છે કે, "ભારતીય રાજકારણના ઇતિહાસમાં બે વખત એવી તકો આવી છે જ્યારે ક્ષેત્રીય દળોએ કામયાબ વિકલ્પ તૈયાર કર્યા છે."

"પ્રથમ તક જનતા પાર્ટી અને બીજી તક જનતા દળના સમયની છે. આ બંને તકો પર જનતા પાર્ટી અને જનતા દળના સ્વરૂપમાં ક્ષેત્રીય દળો અને કૉંગ્રેસથી અલગ થયેલા વિરોધીઓને સફળતા હાંસલ થઈ હતી."

"પરંતુ બંને વખત આ મોરચામાં ભાજપ અને RSS સામેલ હતાં. અને બંને અત્યંત મહત્ત્વની ભૂમિકામાં હતાં."

"કારણ કે તેના માટે સંસાધન અને લોકોની જરૂર પડે છે. એક અભિયાન ઊભું કરવું પડે છે. અને બેઠકમાં સામેલ થનાર દળોમાં હાલની સરકાર વિરુદ્ધ એક અભિયાન ઊભું કરવાની ક્ષમતા નથી દેખાતી."

"પવાર સાહેબ જાતે પણ ભાજપની નજીક રહે છે અને ક્યારેક ભાજપથી દૂર રહેતા જણાય છે. મને અત્યાર સુધી તેમનું રાજકીય વલણ નથી સમજાયું."


શું મમતા બેનરજી એક સંભાવના છે?

શરદ પવાર

શરદ પવારના ઘરે થયેલી બેઠકને ભલે ગમે તે નામ અપાય પણ એ વાતથી ઇનકાર ન કરી શકાય કે મમતા બેનરજી સ્વરૂપે વિપક્ષને મોદીનો સામનો કરવા માટે એક તક મળી છે.

રાધિકા જણાવે છે કે, "જો આ બેઠકમાં મમતા બેનરજી સામેલ થયાં હોત તો મેં તેને ખૂબ ગંભીરતાથી લીધી હોત. પરંતુ હું જરૂર માનું છું કે મમતા બેનરજીની ઉમેદવારીમાં તમામ વિપક્ષી દળ એકસાથે આવી શકે છે."

"આ સંપૂર્ણ ઘટનાક્રમમાં મમતા બેનરજી એક ફાઇટર સાબિત થયાં છે. પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મમતા બેનરજીએ એકલાં મોદી અને શાહનો સામનો કર્યો અને તેમની સામે જિત્યાં પણ ખરાં."

"તેઓ ગત ચૂંટણીની સરખામણીમાં વધુ બેઠકો મેળવી શક્યાં છે. મેં કહ્યું છે કે કૉંગ્રેસ વગર કોઈ ત્રીજા મોરચાની કલ્પના પણ ન કરી શકાય."

"હું એ પણ કહીશ કે તમે આવા કોઈ મંચથી મમતાનેય અલગ ન રાખી શકો. જો તેઓ આવા કોઈ મંચમાં કેન્દ્રીય ભૂમિકામાં હોય છે તો તે એ મંચના ભવિષ્ય માટે સારું રહેશે."

"કારણ કે મમતા બેનરજી હાલ માત્ર બંગાળ સુધી સીમિત નથી. તેમની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે. તેમને એક રાષ્ટ્રીય કદનાં નેતા તરીકે જોવામાં આવી રહ્યાં છે."


શું શરદ પવાર હરકિશન સિંહ સુરજીત બની શકે છે?

મમતા બેનરજી, એક વિપક્ષના નેતા સ્વરૂપે ભલે એક મજબૂત ઉમેદવાર લાગી રહ્યાં હોય પરંતુ આવા કોઈ પણ મોરચાની સફળતા માટે એક કિંગ મેકરની જરૂર હોય છે.

પ્રશ્ન એ થાય છે કે શું પવાર આ સમયગાળામાં એ કરી શકશે જે હરકિશન સિંહ સુરજીતે 90 ના દાયકામાં કરી બતાવ્યું હતું.

રાધિકા રામાશેષન કહે છે કે, "આવું કરવા માટે શરદ પવારે હરકિશન સિંહ સુરજીત બનવું પડશે. કારણ કે 90 ના દાયકામાં વી. પી. સિંહ હતા, જેઓ લેફ્ટ, રાઇટ અને સેન્ટર તમામને સાથે લઈને આવ્યા હતા."

"યુનાઇટેડ ફ્રન્ટના જમાનામાં હરકિશન સુરજીત હતા જેમણે તેના માટે ભારે મહેનત કરી. લાલુ યાદવ, મુલાયમ સિંહ તમામને એક સાથે લઈ આવવું. કોઈ સરળ વાત નહોતી."

"મને લાગે છે કે હાલના સમયમાં આ ભૂમિકા શરદ પવારજીએ ભજવવી પડશે. પરંતુ શું તેમના માટે આવું કરવું સંભવ છે."

"કારણ કે આના માટે શારીરિક ઊર્જાની જરૂરિયાત હોય છે. તમારે બધાને મળવું પડશે. બેઠકો કરવી પડશે."

"એક વાત એ પણ છે કે શરદ પવારજીનું એવું કદ નથી જે હરકિશન સિંહ સુરજીતનું હતું. પહેલાં તો પવારજી સુરજીતજીની જેમ તમામને ધમકાવીને એક જગ્યાએ બેસાડી નથી શકતા અને બીજું એ કે જો તેઓ ધમકાવશે તો પણ તેમની વાત સાંભળશે કોણ?"

"આવી પરિસ્થિતિમાં મને લાગે છે કે હરકિશન સિંહ સુરજીત જેવા નેતાની કમી આવો મોરચો ઊભો કરવામાં એક અવરોધ પણ છે."


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://youtu.be/O7kgt41BoHE

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Can Sharad Pawar form any kind of 'front' against Narendra Modi?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X