
કોંગ્રેસના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપનો મુકાબલો કરી શકશે?
કોંગ્રેસના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની તાજેતરમાં ચૂંટણી યોજાઇ અને મલ્લિકાર્જૂન ખર્ગેને નવા અધ્યક્ષ તરીકે ચૂંટાયા. જોકે, મલ્લિકાર્જૂન ખર્ગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સદસ્ય છે. ત્યારે, કોંગ્રેસમાં નવીનીકરણ કરવાને લઇને ઘણી સંભાવના ઓછી જોવા મળી રહી છે, એક તરફ હાઇટેક પ્રચાર અને કોર્પોરેટ રણનીતિથી આગળ વધતાં ભાજપનો સામનો કરવા માટે જૂની કોંગ્રેસની થિંકટેંક ઉણી ઉતરી રહી છે.
ત્યારે, નવા અધ્યક્ષ પણ એજ જૂની કોંગ્રેસનો હિસ્સો રહી ચુક્યા છે. વર્તમાનમાં જે રીતે ભાજપ રાજકીય શતરંજમાં તમામ રાજકીય પક્ષોને મ્હાત આપી રહી છે, તેનો સામનો કરવા અદ્યતન રણનીતિ ધરાવતાં યુવા ચહેરાને ઉતારવાની કોંગ્રેસ પાસે તક હતી. પરંતું, કોંગ્રેસે વરિષ્ઠ નેતા પર પસંદગી ઉતારી છે.
કોંગ્રેસના નવા ચૂંટાયેલા રાષ્ટ્રીય અધ્યક્ષ સામે ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીનો પડકાર છે. આ ઉપરાંત 2024ની લોકસભા ચૂંટણી મુખ્ય પડકાર છે. ત્યારે, ગાંધી પરિવારને વફાદાર રહેલા સેંકડો કાર્યકરો અને નેતાઓ મલ્લિકાર્જૂન ખર્ગે સાથે વફાદાર રહી શકશે કે કેમ, મલ્લિકાર્જૂન ખર્ગે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને સાથે લઇને ચાલી શકશે કે કેમ તેના પર આગામી ચૂંટણીમાં કોંગ્રેસની સફળતાનો મદાર રહેશે.