સુપ્રીમ કોર્ટને મળ્યા 5 નવા જજ, ચીફ જસ્ટસ ચંદ્રચૂડે અપાવ્યા શપથ
જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડે સુપ્રીમ કોર્ટના પાંચ નવા જજને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા.
સુપ્રીમ કોર્ટના 5 નવા જજોના નામ પર કેન્દ્ર સરકારે શનિવારે મંજૂરી આપી હતી. હવે આજે સોમવારે તેમનો શપથગ્રહણ સમારંભ યોજવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટ સમારંભમાં ચીફ જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડે તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. ત્યારબાદ જજોએ પોતાનો પદભાર ગ્રહણ કર્યો.

તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગયા વર્ષે ડિસેમ્બરમાં 5 જજોના નામની ભલામણ કરી હતી. જેમાં જસ્ટિસ પંકજ મિત્તલ, જસ્ટિસ સંજય કરોલ, જસ્ટિસ પી.વી. સંજય કુમાર, જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ મનોજ મિશ્રાના નામ સામેલ હતા. આ નામો પર શનિવારે કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી. આ જજોએ શપથ લીધા પછી સુપ્રીમ કોર્ટમાં કુલ જજોની સંખ્યા વધીને 32 થઈ ગઈ છે. જો કે હજુ પણ બે જજોની અછત છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટના 9 જજ આ વર્ષે નિવૃત્ત થઈ રહ્યા છે, તેથી ફરીથી જજોની સંખ્યામાં ઘટાડો થશે.
સુપ્રીમ કોર્ટમાંથી મળેલી માહિતી મુજબ જસ્ટિસ અબ્દુલ નઝીર ગયા મહિને નિવૃત્ત થયા હતા. જ્યારે જસ્ટિસ એમઆર શાહ મે મહિનામાં નિવૃત્ત થશે. જસ્ટીસ કેએમ જોસેફ, જસ્ટીસ અજય રસ્તોગી અને જસ્ટીસ વી રામાસુબ્રમણિયમની નિવૃત્તિ જૂનમાં છે. આ પછી જસ્ટીસ કૃષ્ણ મુરારી જુલાઈમાં અને જસ્ટીસ રવિન્દ્ર ભટ્ટ ઓક્ટોબરમાં રિટાયર થશે. આ વર્ષના અંતમાં જસ્ટીસ સંજય કિશન કૌલનો કાર્યકાળ પૂરો થશે. એક અહેવાલ મુજબ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડને નવેમ્બર 2024 સુધીના તેમના કાર્યકાળમાં 19 ન્યાયિક નિમણૂકો કરવાની રહેશે.
તમને જણાવી દઈએ કે હાઈકોર્ટના પાંચ જજોના નામ કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યા હતા પરંતુ તેમની મંજૂરીમાં વિલંબ થયો હતો. જેના પર જસ્ટીસ એસકે કૌલ અને જસ્ટિસ એએસ ઓકાએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે આ એક ગંભીર મુદ્દો છે. આમાં વિલંબ વહીવટી અને ન્યાયિક કાર્યવાહી તરીકે પરિણમશે, જે ખૂબ જ અસહજ હોઈ શકે છે.












Click it and Unblock the Notifications
