પંજાબમાં ગન કલ્ચર સામે સીએમ માન મોટી કાર્યવાહીની તૈયારી, 8100 લાયસન્સ થશે રદ
પંજાબ પોલીસની 8100 જેટલા હથિયાર લાયસન્સ રદ કરવાની તૈયારી છે. પોલીસે ભૂતકાળમાં 813 લાયસન્સ રદ કર્યા હતા.

પંજાબ પોલીસ ટૂંક સમયમાં ગન કલ્ચર સામે મોટુ પગલું ભરવા જઈ રહી છે. 8100 જેટલા હથિયાર લાયસન્સ રદ કરવાની તૈયારી છે. પોલીસે ભૂતકાળમાં 813 લાયસન્સ રદ કર્યા હતા અને 1460 લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય ફિલ્મો, ગીતો કે સોશિયલ મીડિયામાં હથિયાર દર્શાવનારાઓ સામે 170 કેસ નોંધાયા છે.
પોલીસની IT ટીમ સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખી રહી છે. આઈજી (હેડક્વાર્ટર) સુખચૈન સિંહ ગિલે મંગળવારે એક વાતચીતમાં જણાવ્યુ હતુ કે કોઈને પણ નિયમો તોડવા દેવામાં આવશે નહીં. દરેક વ્યક્તિએ હથિયારો અંગે સરકાર દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાનુ પાલન કરવુ પડશે.
ગાયક સિદ્ધુ મૂસેવાલા, શિવસેના નેતા સુધીર સૂરીની હત્યા બાદ પંજાબ સરકારે લગભગ બે મહિના પહેલા હથિયારોની ચકાસણી શરૂ કરી હતી. આ સિવાય શસ્ત્રોના જાહેર પ્રદર્શન પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઈન્ટરનેટ મીડિયા પર પણ આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ગન હાઉસ પર પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. દર ત્રણ મહિને તેની તપાસ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. આ ચકાસણી જિલ્લા કક્ષાએ ચાલી રહી છે.
તપાસમાં બહાર આવ્યુ છે કે જે લોકોના લાયસન્સ રદ અથવા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાંથી મોટાભાગના લોકોએ હથિયાર મેળવવા માટે નકલી સરનામા આપ્યા હતા. ઘણા એવા છે જેમણે નિયમોમાં સુધારા બાદ હથિયારો સરેન્ડર કર્યા નથી. હથિયાર લાયસન્સના નિયમો બદલાયા છે. લાયસન્સ ધારક માત્ર બે હથિયાર રાખી શકે છે પરંતુ કેટલાક લોકોએ અત્યાર સુધીમાં 3-3 હથિયાર રાખ્યા છે. આવા લોકોના લાઇસન્સ રદ કરવામાં આવી રહ્યા છે.
પંજાબમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ગન કલ્ચર ઝડપથી વધ્યુ છે. પંજાબમાં ભારતની 2 ટકા વસ્તી છે પરંતુ દેશની 10 ટકા બંદૂકો તેની પાસે છે. ગૃહ મંત્રાલયના રિપોર્ટ અનુસાર જાન્યુઆરી 2022 સુધી પંજાબમાં 3.90 લાખથી વધુ લાઇસન્સવાળી બંદૂકો છે. પંજાબમાં લગભગ 55 લાખ પરિવારો છે અને 3 લાખ 90 હજારથી વધુ હથિયાર લાયસન્સ છે. બીજી તરફ પંજાબમાં 70થી વધુ ગેંગ સક્રિય છે અને અહીં 500થી વધુ ગેંગસ્ટરો છે. ગેંગના મોટા ભાગના આગેવાનો વિદેશ કે જેલમાં છે. બંને જગ્યાએથી આ ગુંડાઓ ગુનાનુ નેટવર્ક ચલાવે છે.












Click it and Unblock the Notifications
