
Cyclone Yaas: ઓરિસ્સામાં ચક્રવાત યાસ પ્રભાવિત 128 ગામને 7 દિવસની રાહત
પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં ચક્રવાત યાસનો ઉત્પાત યથાવત છે. આ દરમિયાન અનેક લોકોના મકાન બરબાદ થઈ ગયા છે. પુરજોશથી બચાવ કાર્ય થઈ રહ્યું છે. ઓરિસ્સાના તટીય ક્ષેત્રોમાં 128 ગામમાં ચક્રવાતી યાસના કારણે ચારે તરફ પાણી ભરાઈ ગયાં છે. એવામાં ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાના 128 ગામના તમામ પરિવારો માટે 7 દિવસની રાહતની ઘોષણા કરી છે.
સીએમ નવીન પટનાયકે કહ્યું કે આગલા 24 કલાકમાં તમામ પ્રમુખ રસ્તા ફરીથી ચાલુ કરાશે. 80 ટકા વીજળી આપૂર્તી પણ ચાલુ કરી દેવાશે. સીએમ પટનાયકે તમામ પંચાયત પ્રતિનિધિ, જિલ્લા પ્રશાસન, સામુદાયિક સંગઠનો અને પોલીસને પણ સ્થળાંતરના ઉત્તમ કાર્ય માટે અભિનંદન પાઠવ્યા છે. આ ઉપરાંત સીએમ પટનાયકે ચક્રવાત દરમિયાન પ્રભાવિત જિલ્લામાં નિરંતર સ્વાસ્થ્ય સેવાઓ માટે ડોક્ટર અને સ્વાસ્થ્ય કર્મીઓને ધન્યવાદ આપ્યા.
ઓરિસ્સાના તટીય ક્ષેત્રોના 128 ગામને 7 દિવસ સુધી ખોરાક અને રાહત સામગ્રીની કોઈ કમી નહીં રહે. વિશેષ રાહત કમિશ્નર (એસઆરસી) પીકે જેનાએ કહ્યું કે સીએમના આદેશ મુજબ પ્રભાવિત 128 ગામના લોકોને 7 દિવસ સુધી પાકું ભોજન અથવા ખોરાક પકવવાની સામગ્રી અને સૂકું ભોજન આપવામાં આવશે.