નવી દિલ્હી, 16 મે : ભારતમાં અભૂતપૂર્વ રાજકીય સમીકરણ રચાયું છે. જે અનુસાર કોંગ્રેસને બાદ કરતા પ્રથમવાર કોઇ પાર્ટીને સંપૂર્ણ બહુમત મળ્યો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસની સ્થિત વધારે ખરાબ થઇ ગઇ છે. કારણ કે કોંગ્રેસ હવે સરકાર બનાવવાથી તો હાથ ધોઇ બેસી છે પણ મુખ્ય વિપક્ષ બનવાનું પણ તેના નસીબમાં નથી.
લોકસભાના નિયમ અનુસાર મુખ્ય વિપક્ષ બનવા માટે કુલ બેઠકોના 10 ટકા બેઠકો આવવી જરૂરી બને છે. આ મુજબ 543 બેઠકોના 10 ટકા એટલે અંદાજે 54 બેઠકો મેળવવી જરૂરી છે. જ્યારે કોંગ્રેસને 50થી વધુ બેઠકો મળે તેવી શક્યતા ઓછી જ છે.
લોકસભાની ચૂંટણીના પરિણામો જોતા કેન્દ્રમાં મોદીના નેતૃત્વ હેઠળની ભાજપની સરકાર રચાશે. ભાજપ અને સાથી પક્ષોને 300થી વધુ બેઠકો મળી રહી છે. જયારે યુપીએને 100નો આંકડો પણ પાર કરવો મુશ્કેલ બની ગયો છે.
મતગણતરીના જોતા કોંગ્રેસને 60ની આસપાસ બેઠકો મેળવી શકે એમ છે. આવી સ્થિતિમાં બંધારણના નિષ્ણાંતો માને છે કે જો કોંગ્રેસ લોકસભામાં કુલ બેઠકોમાંથી 10 ટકા બેઠકોથી ઓછી લાવે તો તે વિપક્ષનું નેતા પદ પણ ગુમાવશે.
બંધારણના નિષ્ણાંતો કહે છે કે લોકસભાના વિપક્ષના નેતા બનવા માટે મુખ્ય વિપક્ષને 10 ટકા બેઠકો મળવી જરૂરી છે. જો વિપક્ષ 10 ટકા બેઠકો ન લાવે તો લોકસભામાં દરેક વિપક્ષે પોતાના નેતાની પસંદગી કરવાની હોય છે પરંતુ તેમને વિપક્ષી નેતાનો અધિકાર અને સુવિધાઓ નથી મળતી.
લોકસભામાં વિપક્ષના નેતાને કેબિનેટનો દરજ્જો મળે છે અને મનાય છે કે તેઓ રેન્કના આધારે પીએમ પછી બીજા નંબરે આવે છે. જો 10 ટકાથી ઓછી બેઠકો આવે તો પછી સંસદમાં તૃણમૂલ અને અન્ના ડીએમકેના પક્ષોના નેતાઓ રાહુલ ગાંધીથી વધુ સક્રિય રહેશે.