Delhi Blast Update : NIA એ પહેલીવાર ઉમરને આત્મઘાતી બોમ્બર ગણાવ્યો, હુમલાના માસ્ટરમાઇન્ડની ધરપકડ
દિલ્હીના લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરના ભીષણ વિસ્ફોટની તપાસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ મોટો ખુલાસો કર્યો છે. એજન્સીએ આ કેસમાં કાશ્મીરના પ્લમ્બર આમિર રાશિદ અલીની ધરપકડ કરી છે, જે મુખ્ય કાવતરાખોરોમાં સામેલ હોવાનું મનાય છે.
આ એ જ વ્યક્તિ છે જેણે Hyundai i20 કાર ખરીદવામાં મદદ કરી હતી, જેને બાદમાં વ્હીકલ-બોર્ન IED માં રૂપાંતરિત કરીને વિસ્ફોટમાં ઉપયોગમાં લેવાઈ હતી.

NIA દ્વારા પ્રથમવાર ડ્રાઈવરને આત્મઘાતી હુમલાખોર જાહેર કરાયો છે. NIA એ પહેલીવાર કારના ડ્રાઈવર ડો. ઉમર ઉન નબીને સત્તાવાર રીતે આત્મઘાતી હુમલાખોર ગણાવ્યા છે. આ તે ડોક્ટર હતો જેણે કાર ચલાવતી વખતે વિસ્ફોટ કર્યો હતો, જેમાં કુલ 11 લોકોના મોત થયા હતા.
એજન્સીના જણાવ્યા અનુસાર, ઉમર પુલવામા જિલ્લાનો નિવાસી હતો અને હરિયાણાની અલ-ફલાહ યુનિવર્સિટીમાં જનરલ મેડિસિન વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પણ કામ કરતો હતો.
આમિર રાશિદ અલી કોણ છે? NIAની તપાસ મુજબ, મુખ્ય આરોપી આમિર રાશિદ અલી કાશ્મીરનો રહેવાસી છે અને પ્લમ્બર તરીકે કામ કરે છે, જેની 16 નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. તે દિલ્હી આવ્યો હતો અને વિસ્ફોટમાં ઉપયોગમાં લેવાનાર કાર ખરીદવામાં મદદ કરી હતી.
તેણે ઉમર સાથે મળીને સમગ્ર યોજનાને આગળ વધારી હતી. તેને આતંકવાદીઓના અર્બન સપોર્ટ સેલનો ભાગ ગણાવવામાં આવે છે. એજન્સી અનુસાર, આ મોડ્યુલ માત્ર દિલ્હીમાં જ નહીં, પરંતુ કાશ્મીર, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ ફેલાયેલું હતું. આ ષડયંત્રમાં એક નહીં, પરંતુ ઘણી ગાડીઓ નેટવર્કમાં હતી. તપાસ દરમિયાન સુરક્ષા એજન્સીઓએ અન્ય ત્રણ ગાડીઓ જપ્ત કરી હતી, જેમાં સિલ્વર મારુતિ બ્રેઝા, રેડ ફોર્ડ ઇકોસ્પોર્ટ અને મારુતિ સ્વિફ્ટ ડિઝાયરનો સમાવેશ થતો હતો. આ બધી ગાડીઓ મોડ્યુલના લોજિસ્ટિક્સ અને મૂવમેન્ટ ચેઇનનો ભાગ હતી.
ધમાકો કેવી રીતે થયો?
10 નવેમ્બરની સાંજે 6:52 વાગ્યે, દિલ્હીના નેતાજી સુભાષ માર્ગ પર લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક ધીમે ધીમે ચાલતી i20 કાર અચાનક જોરદાર વિસ્ફોટ સાથે ફાટી નીકળી. આ કાર ઘણીવાર વેચાઈ ચૂકી હતી, CNG કીટ લાગેલી હતી અને તેનો નંબર HR26CE7674 હતો. વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે 11 લોકો ઘટનાસ્થળે જ ભડથું થઈ ગયા. ચારેબાજુ અફરાતફરી મચી ગઈ અને દિલ્હી પોલીસ તથા કેન્દ્રીય એજન્સીઓ તરત જ સક્રિય થઈ ગઈ.
એજન્સીના નિવેદન અનુસાર, ફોરેન્સિક તપાસમાં પુષ્ટિ થઈ છે કે ઉમર ઉન નબી જ કાર ચલાવી રહ્યો હતો. ઉમરની અન્ય એક ગાડી પણ જપ્ત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 73 સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી છે અને એજન્સી એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ઉમરે કારમાં IED કેવી રીતે લગાવ્યું, તેને કોણે મોડિફાય કર્યું અને કાવતરાનું નેતૃત્વ કોણ કરી રહ્યું હતું.
ધમાકાનું ફરીદાબાદ કનેક્શન
આ મોડ્યુલ એ જ છે જેના તાર તાજેતરમાં હરિયાણાના ફરીદાબાદથી જપ્ત કરાયેલા 2,900 કિલો વિસ્ફોટક સાથે જોડાયેલા છે. ઉમર પણ તે જ નેટવર્કનો ભાગ હતો અને એવું માનવામાં આવે છે કે તેણે 2019ના પુલવામા હુમલા જેવો વિસ્ફોટ કરવાનો પ્રયાસ કર્યો હતો. તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘણી ટીમોને અલગ-અલગ રાજ્યોમાં મોકલવામાં આવી છે.
ફંડિંગ, વિદેશી હેન્ડલર્સ અને અન્ય સંબંધિત લોકોની ઓળખ પર કામ ચાલી રહ્યું છે. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે પણ એક અલગ FIR નોંધીને આ સફેદપોશ આતંકવાદી નેટવર્કમાં સામેલ તમામ લોકોની ભૂમિકા તપાસવાની પ્રક્રિયા શરૂ કરી છે.












Click it and Unblock the Notifications
