કેજરીવાલનો દાવો - ઘણા રાજ્યોએ રોકી દીધો હતો દિલ્લીનો ઑક્સિજન સપ્લાય, HC અને કેન્દ્રએ કરી મદદ
દિલ્લી પણ મહામારીથી ગંભીર રીતે પ્રભાવિત છે જેના કારણે રાજ્ય સરકારે કેન્દ્રને તાત્કાલિક મદદ પૂરી પાડવાની અપીલ કરી છે.
નવી દિલ્લીઃ દેશમાં કોરોના મહામારીની સ્થિતિ ભયાનક થઈ ગઈ છે જ્યાં બુધવારે ત્રણ લાખથી વધુ કેસ સામે આવ્યા. આ સાથે જ દુનિયાભરના રેકૉર્ડ તૂટી ગયા. આટલી મોટી સંખ્યામાં દર્દીઓના આવવાથી હવે હોસ્પિટલોની વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે જ્યાં બેડ ઉપરાંત ઑક્સિજન અને દવાઓની અછત સર્જાઈ રહી છે. દિલ્લી પણ મહામારીથી ગંભીર રીતે પ્રભાવિત છે જેના કારણે રાજ્ય સરકારે કેન્દ્રને તાત્કાલિક મદદ પૂરી પાડવાની અપીલ કરી છે.

કેન્દ્ર સરકાર અને દિલ્લી હાઈકોર્ટનો આભાર માનુ છુ
આ બાબતે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે કેન્દ્ર સરકાર ઑક્સિજનનો કોટા અને કઈ કંપની આ કોટા આપશે એ નક્કી કરે છે. દિલ્લીમાં ઑક્સિજન નથી બનતો, બધો ઑક્સિજન બહારના રાજ્યોમાંથી આવે છે. ઑક્સિજનની કંપનીઓ જે રાજ્યોમાં છે તેમાંથી અમુક સરકારોએ દિલ્લીના કોટાનો ઑક્સિજન મોકલવાનુ અટકાવી દીધુ. સીએમે કહ્યુ કે હું કેન્દ્ર સરકાર અને દિલ્લી હાઈકોર્ટનો આભાર માનવા માંગુ છુ, છેલ્લા બે-ત્રણ દિવસમાં તેમણે અમારી બહુ મદદ કરી છે જેના કારણે હવે ઑક્સિજન દિલ્લી પહોંચવા લાગ્યો છે. તેમણે આગળ કહ્યુ કે દિલ્લી સરકારના અનુમાન મુજબ તેમને ત્યાં 700 ટન ઑક્સિજનની જરૂર છે, પહેલા તેને 378 ટન રાખવામાં આવ્યો હતો પરંતુ બાદમાં 480 ટન કરી દેવામાં આવ્યો. અમારે હજુ વધુની જરૂર છે પરંતુ આના માટે તેમના આભારી છે.

દિલ્લીમાં છેલ્લા 3 દિવસથી ઑક્સિજનની ગંભીર સમસ્યા
વળી, આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યુ કે આઈસીયુ બેડની સમસ્યા છે, અમે કેન્દ્ર સરકારને 700-800 આઈસીયુ બેડ આપવાનો અનુરોધ કર્યો છે. દિલ્લીમાં છેલ્લા 3 દિવસથી ઑક્સિજનની ગંભીર સમસ્યા ચાલી રહી છે. બુધવારે 378 મેટ્રિક ટન ઑક્સિજન પણ નથી આવી શક્યો માટે બહુ ગંભીર સમસ્યા હતી. વળી, કેન્દ્ર સરકાર તરફથી દિલ્લીમાં ચલાવવામાં આવી રહેલ હોસ્પિટલોમાં 7000 બેડની માંગ કરવામાં આવી હતી પરંતુ હજુ માત્ર તેમને 2000 બેડ જ મળ્યા છે.

ક્યાંક 6થી 10 કલાકનો ઑક્સિજન બચ્યો છે
સત્યેન્દ્ર જૈનના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ દિવસથી દિલ્લીમાં ઑક્સિજનની સમસ્યા છે. કેન્દ્રએ પુરવઠામાં વધારો કર્યો છે. દિલ્લીનો કોટા જરૂરિયાત કરતા ઓછો હતો જેના કારણે તેમણે હવે તેને વધારી દીધો છે. જો એક કે બે દિવસમાં સંકટનુ સમાધાન થઈ જાય તો બેડની સંખ્યા પણ વધારવામાં આવશે. વળી, જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે દિલ્લીની હોસ્પિટલોમાં કેટલા કલાકનો ઑક્સિજન બચ્યો છે ત્યારે તેમણે કહ્યુ કે દરેક જગ્યાએ સ્થિતિ અલગ છે. ક્યાંક 6 તો ક્યાંક 8થી 10 કલાકનો ઑક્સિજન બચ્યો છે.












Click it and Unblock the Notifications
