
દિલ્લીના સીએમ કેજરીવાલે 30 સપ્ટેમ્બર સુધી વધારી મફત રાશન યોજના
નવી દિલ્લીઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્લીમાં મફત રાશન યોજનાની તારીખ 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. આ સાથે જ બુધવારે કેજરીવાલે કેબિનેટ મીટિંગમાં ઘણી અન્ય યોજનાઓને મંજૂરી આપી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે હવામાન અને દિલ્હીના લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે ઇલેક્ટ્રિક અને એર કન્ડિશન્ડ બસો ખરીદી છે. બુધવારે મળેલી કેબિનેટ બેઠક દરમિયાન અમે 1,950 બસો ખરીદવા પર સંમતિ વ્યક્ત કરી છે.
મુખ્યમંત્રી અવરિંદ કેજરીવાલે કહ્યુ કે હાલમાં દિલ્હી સરકાર પાસે 7,200 બસો છે. ડિસેમ્બર 2024 સુધીમાં દિલ્હીના રસ્તાઓ પર 11,910 બસો દોડશે. તેમણે કહ્યુ કે અમે ટ્રાન્સપોર્ટ સેક્ટરને આધુનિક બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેથી તે આંતરરાષ્ટ્રીય માપદંડોની સમકક્ષ હોય. અમે પરિવહનના વિવિધ મોડને એકીકૃત કરવા માંગીએ છીએ.
આ સાથે કેજરીવાલે કહ્યુ કે અમે દિલ્હીના ગામડાઓના વિકાસ માટે અમુક વર્ષો પહેલા કેટલીક યોજનાઓ શરૂ કરી હતી. પરંતુ કેટલીક અડચણો હતી તેથી હવે અમે નક્કી કર્યુ છે કે વિધાનસભા હેઠળના ગામડાઓ માટેનુ બજેટ કોઈપણ રીતે ખર્ચી શકાય છે.