એલોન મસ્કને હાઈકોર્ટ દ્વારા મોટો ઝટકો, કહ્યું- ભારતીય કાયદાનું પાલન કરો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ(Xને કર્ણાટક હાઈકોર્ટ તરફથી મોટો આંચકો લાગ્યો છે. હાઈકોર્ટે એક્સ (X Corp) દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજીને ફગાવી દીધી છે.
આ અરજીમાં કેન્દ્ર સરકારના માહિતી અવરોધિત (Information Blocking) કરવાના આદેશોને પડકારવામાં આવ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે વિદેશી કંપની હોવા છતાં એક્સ (X) માટે ભારતીય કાયદાઓનું પાલન કરવું ફરજિયાત છે.

આ સમગ્ર મામલો સૂચના અને ટેકનોલોજી અધિનિયમની કલમ 79(3)(b) સાથે જોડાયેલો છે. એક્સ (X) કોર્પોરેશને એવી માંગણી કરી હતી કે આ કલમ કેન્દ્ર સરકારના અધિકારીઓને કોઈ માહિતી અથવા સામગ્રી બ્લોક (Block) કરવાના આદેશો જારી કરવાનો અધિકાર આપતી નથી. જો કે, કોર્ટે આ દલીલને માન્ય ન રાખી.
કોર્ટે કહ્યું કે, આજના ડિજિટલ યુગમાં કંપનીઓને કોઈપણ નિયંત્રણ વિના કામ કરવાની છૂટ આપી શકાય નહીં. આ સાથે જ હાઈકોર્ટે મહત્ત્વપૂર્ણ વાત જણાવી કે ભારતીય સંવિધાનનો અનુચ્છેદ 19 ફક્ત ભારતીય નાગરિકોને જ અભિવ્યક્તિની સ્વતંત્રતા (Freedom of Expression)નું રક્ષણ આપે છે.
આ સુરક્ષા વિદેશી કંપનીઓ અથવા બિન-નાગરિકોને લાગુ પડતી નથી. કોર્ટે એક્સ (X) પર સવાલ ઉઠાવ્યો કે તે અમેરિકામાં કાયદાઓનું પાલન કરે છે પરંતુ ભારતમાં લાગુ થતા ટેકડાઉન આદેશો (Takedown Orders) સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યું છે.
એક્સ (X) દ્વારા દલીલ કરવામાં આવી હતી કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને વપરાશકર્તાઓની સામગ્રી (User Content)ની જાતે ચકાસણી કરીને તેને ગેરકાયદેસર માનીને દૂર કરવા માટે મજબૂર કરવું તે સુપ્રીમ કોર્ટના શ્રેયા સિંઘલ કેસના નિર્ણયની વિરુદ્ધ છે. જો કે, કેન્દ્ર સરકારે કોર્ટમાં સ્પષ્ટ કર્યું હતું કે ગેરકાયદેસર સામગ્રીને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સંરક્ષણ મળી શકે નહીં.
એક્સ (X) એ કેન્દ્ર સરકારના સહયોગ પોર્ટલમાં સામેલ થવાને પણ કોર્ટમાં પડકાર આપ્યો હતો. ભારતમાં એક્સ (X) ના લાખો યુઝર્સ છે, જેઓ આ પ્લેટફોર્મ પર પોતાના વિચારો રજૂ કરે છે અને માહિતીની આપ-લે કરે છે. આ નિર્ણય ભારતમાં તમામ વિદેશી ડિજિટલ પ્લેટફોર્મ્સ માટે એક મહત્ત્વપૂર્ણ કાનૂની માર્ગદર્શિકા બની રહેશે.












Click it and Unblock the Notifications
