For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

"11 વર્ષ જેલમાં રહ્યા પછી પણ હું નિર્દોષ છું તો મારો વીતેલો સમય પણ પાછો આપો"

"11 વર્ષ જેલમાં રહ્યા પછી પણ હું નિર્દોષ છું તો મારો વીતેલો સમય પણ પાછો આપો"

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

"શરૂઆતમાં તો મને એક નાના ઓરડામાં એકલો રાખવામાં આવ્યો હતો. મારું શરીર તો ત્યાં હતું, પણ મારો આત્મા ઘરમાં હતો. ઘણાં વર્ષો બાદ એક રાતે મેં સપનું જોયું કે લોકો મારા પિતાને નવડાવી રહ્યા છે. હું ગભરાઈને ઊઠી ગયો અને મારા હૃદયમાં દર્દ થવા લાગ્યું. પછી બધું સામાન્ય થઈ ગયું, પરંતુ બે મહિના બાદ મારા વકીલે મને કહ્યું કે મારા પિતા રહ્યા નથી. જ્યારે મેં તારીખ પૂછી તો ખબર પડી કે સપનાના બે દિવસ બાદ તેમનું મોત થયું હતું."

શ્રીનગરના રૈનાવારી વિસ્તારમાં રહેવાસી બશીર અહમદ બાબાની 2010માં ભારતના પશ્ચિમી રાજ્ય ગુજરાતમાં ઍન્ટિ ટૅરરિસ્ટ સ્ક્વૉડ(એટીએસ)ની ટીમે અમદાવાદથી ધરપકડ કરી હતી.

એ સમયે તેઓ ગુજરાતમાં આવેલી એક સ્વયંસેવી સંસ્થા 'માયા ફાઉન્ડેશન'ના એક વર્કશોપમાં ભાગ લેવા માટે ગયા હતા.

43 વર્ષીય બશીર બાબા વિજ્ઞાનની ડિગ્રી લીધા બાદ શ્રીનગરમાં એક કમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા હતા.

સાથે જ તેઓ ફ્લેફ્ટ લિપ ઍન્ડ પૅલેટ (જન્મથી બાળકોનાં કપાયેલા હોઠ અને તાળવું) નામની બીમારીથી પીડિત બાળકોનાં માતાપિતાની મદદ કરતી એક એનજીઓ માયા ફાઉન્ડેશનની સાથે પણ જોડાયા હતા.


આતંકવાદી ગતિવિધિઓની યોજના ઘડવાનો આરોપ

"મેં ઘણાં ગામોમાં એનજીઓના વિશેષજ્ઞ ડૉક્ટરો સાથે કામ કર્યું, પછી મને આગળ તાલીમ માટે ગુજરાત બોલાવાયો. જ્યારે હું ગુજરાતમાં એનજીઓની હૉસ્ટેલમાં રોકાયો હતો ત્યારે એ સમયે ગુજરાત ઍન્ટી ટૅરરિસ્ટ સ્ક્વૉડે મારી અને કેટલાક અન્ય કાર્યકરોની ધરપકડ કરી. અન્યને છોડી મૂક્યા પણ મને ગુજરાતની વડોદરા જેલમાં કેદ કરી લીધો."

બશીર પર વિસ્ફોટક રાખવાનો અને ભારતમાં આતંકવાદી ગતિવિધિઓની યોજના ઘડવાનો આરોપ લાગ્યો હતો.

જોકે ગત અઠવાડિયે ગુજરાતની એક કોર્ટે તેમને બધા આરોપોથી 'મુક્ત' કરવાનો નિર્ણય સંભળાવ્યો છે.


બધું બદલાઈ ગયું છે

બશીર ઘણા સમય બાદ ઘરે પાછા આવ્યા છે, પણ તેમના ઘરમાં ઘણું બધું બદલાઈ ગયું છે.

"મને હવે ખબર પડી કે અમારી પાસે જે થોડી જમીન હતી, જેના પર મારી કમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટ હતી, એ પણ વેચાઈ ગઈ છે. હકીકતમાં ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. હું જ સૌથી મોટો પુત્ર હતો અને જેલમાં હતો. મારાં માતાપિતા અને ભાઈને મુલાકાત માટે ગુજરાત આવવું પડતું હતું. મુસાફરી અને વકીલની ફી પર ઘણો ખર્ચ થયો છે."

બહેનોનાં લગ્ન અને તેમને ત્યાં બાળકોનાં જન્મના સમાચાર બશીરને વર્ષો બાદ પત્રથી મળતા હતા.

પત્ર મોટા ભાગે મોડા પહોંચતા અને જેલ અધિકારીઓ તેની તપાસ કરતા અને એ રીતે અઠવાડિયાં લાગી જતાં.

બશીરનું કહેવું છે કે તેમને વિશ્વાસ હતો કે કોર્ટ તરફથી ન્યાય મળશે.

"હું સંતુષ્ટ છું કે કોર્ટે મને નિર્દોષ જાહેર કર્યો છે, પરંતુ મારા જીવનનાં અગિયાર વર્ષ કોણ પાછાં લાવી આપશે?"


જેલમાં રહીને અભ્યાસ કર્યો

જેલમાં સમય વિતાવવા માટે બશીરે ન માત્ર પેઇન્ટિંગ શીખ્યું, પણ રાજકારણ, પબ્લિક ઍડમિનિસ્ટ્રેશન, ઇન્ટેલેક્ચુઅલ પ્રૉપર્ટી અને ત્રણ અન્ય વિષયોમાં ઇંદિરા ગાંધી ઑપન યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી સારા નંબરે પાસ કરી.

"સિલેબસનાં પુસ્તકો પહોંચી જતાં અને હું અભ્યાસમાં વ્યસ્ત થઈ જતો. કમસે કમ મને એ વાતનો આનંદ છે કે હું અભ્યાસ પૂરો કરી શક્યો."

બશીરને જેલના અધિકારીઓથી કોઈ ફરિયાદ નથી, પણ એ તેમના વ્યવહારથી પ્રભાવિત છે, પરંતુ વારંવાર એ સવાલ પૂછે છે કે "મારો સમય મને કોણ પાછો લાવી આપશે?"

તેમની ધરપકડ સમયે તત્કાલીન ભારતીય ગૃહસચિવ જી. કે. પિલ્લઈએ આ ધરપકડને "આતંકવાદી કાવતરાને નિષ્ફળ કરનારી એક મોટી ઉપલબ્ધિ" ગણાવી હતી.

જોકે બશીરને કોર્ટે નિર્દોષ જાહેર કરતાં મિસ્ટર પિલ્લઈએ ભારતીય મીડિયામાં નિવેદન આપ્યું કે "યોજના ઘડનારો એકલો નથી હોતો, ક્યારેક કેટલાક લોકો અજાણતાં કોઈની મદદ કરે છે. સુરક્ષા એજન્સીઓએ ધરપકડોને બે ભાગમાં રાખવી જોઈતી હતી. જે લોકો કાવતરામાં સીધી રીતે સામેલ છે, તેમને અલગથી રજૂ કરાય અને જેમણે અજાણતાં માત્ર મદદ કરી હોય એમને અલગ રીતે રજૂ કરાય, જેથી આવા લોકોને દાયકાઓ સુધી જેલમાં ન રહેવું પડે."

પરંતુ મિસ્ટર પિલ્લઈનું આ નિવેદન એટલું મોડું આવ્યું છે કે આ બશીર બાબાના સવાલનો જવાબ ન હોઈ શકે.


માતાને ભરોસો હતો

બશીર બાબાનાં માતા મુખ્તા બીબી કહે છે, "હું તો રડવા લાગી. મેં જોયું કે માસૂમ બાળકની જેલમાં કેવી દશા થઈ છે. પણ મને ખબર હતી કે તેને છોડી દેવાશે. આખા મહોલ્લાની મસ્જિદોમાં દર શુક્રવારે તેની મુક્તિ માટે ખાસ દુઆઓ કરાતી હતી."

એ નોંધવું જોઈએ કે ત્રીસ વર્ષ પહેલાં કાશ્મીરમાં થયેલા સશસ્ત્ર વિદ્રોહ બાદ એવા અનેક કાશ્મીરી યુવાન છે, જેમની ભારતનાં વિભિન્ન રાજ્યોમાં આતંકવાદી ગતિવિધિઓની યોજના ઘડવાના આરોપમાં ધરપકડ કરાઈ છે અને દસથી પંદર વર્ષ જેલમાં રહ્યા બાદ તેમને 'નિર્દોષ જાહેર' કર્યા છે.

આવા કેદીઓ માટે સૌથી મોટી સમસ્યા નવી સ્થિતિનો સામનો કરવાની હોય છે. કેટલાક તો એવા છે, જેઓ ટેકનૉલૉજી, ઇન્ટરનેટ અને પરિવહનનાં નવાં સાધનોથી પણ પરિચિત નથી.

જોકે બશીર બાબાએ પહેલાં જ કમ્પ્યુટરમાં ડિપ્લોમા કરી લીધું હતું અને જેલમાં આગળના અભ્યાસ બાદ તેઓ અન્ય કેદીઓની જેમ બહાર આવ્યા બાદ પોતાને અસહાય મહેસૂસ નથી કરતા.

"મારા નાના ભાઈ નઝીર બાબાએ બહુ મહેનત કરી છે. બહેનોનાં લગ્ન, પિતાની સારવાર અને પછી પિતાનું દુ:ખ પણ એકલાએ વેઠ્યું છે. કોર્ટમાં મારા કેસની પેરવી કરી, વારંવાર ગુજરાતની મુસાફરી કરી અને ઘરની જવાબદારી સંભાળી. તેણે લગ્ન પણ ન કર્યું અને મને લખ્યું કે હું જેલમાંથી મુક્ત થઈ ત્યારે એકસાથે લગ્ન કરશે."


બશીર બાબાના વકીલનું શું કહેવું છે?

બશીર બાબાનો કેસ વકીલ ખાલિદ શેખને સોંપાયો હતો અને કાનૂની જંગ ચાલ્યા પછી આણંદના એડિશનલ સેશન્સ જજ એસ.એ. નકુમે એમને નિર્દોષ છોડ્યા છે.

આ કેસની વાત કરતાં વકીલ ખાલિદ શેખે બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખને કહ્યું કે બશીર બાબા શ્રીનગરમાં રહે છે અને બી.એ. થયા પછી કમ્પ્યુટરનું ભણ્યા હતા. બશીરને સમાજસેવામાં રસ હતો એટલે એ માયા ફાઉન્ડેશન નામની એનજીઓમાં કામ કરતા હતા.

ખાલિદ શેખ કહે છે કે "13 માર્ચ, 2010ના દિવસે એટીએસે એને આણંદ સામરખા ચોકડી પાસેથી પકડ્યો અને એની પાસેથી મળેલી ડાયરીમાં ઉર્દૂમાં લખાણ હતું અને પાછળના ભાગમાં અમદાવાદના જાણીતા વિસ્તારોનાં નામ લખેલાં હતાં. એની પાસેથી મળેલા એક વિઝિટિંગ કાર્ડની પાછળ પાકિસ્તાનનો ફોન નંબર હતો."

"એટીએસના આરોપ મુજબ આ કાર્ડમાં હાથેથી લખેલા ભારતમાં પ્રતિબંધિત સંસ્થા હિઝબુલ મુજાહિદ્દીન સૈયદ સલાઉદ્દીન અને બિલાલ અહમદનાં નામ હતાં. એમને મળેલા ઇનપુટ પ્રમાણે બશીર બાબા ગુજરાતમાં હિઝબુલ મુજાહિદ્દીન માટે યુવકો તૈયાર કરી ભાંગફોડ કરવા માગતો હતો. જેના આધારે એની અનલૉફુલ એક્ટિવિટી ઍન્ડ પ્રિવેન્શન ઍક્ટ 16, 17, 18 અને અને 20 પ્રમાણે ધરપકડ કરાઈ હતી."

ખાલિદ શેખ કહે છે કે "તમામ પુરાવા સાબિત કરવામાં એટીએસ નિષ્ફળ ગઈ હતી, કારણ કે જે આરોપો થયા હતા એ પ્રમાણે બશીર બાબા પાસેથી જે ઈમેઈલ એડ્રેસ મળ્યું હતું એના પર અલગઅલગ આઈ.પી. ઍડ્રેસથી મેઈલ થયા હતા, જ્યારે બશીર બાબા માત્ર ટ્રેનિંગ સેન્ટરનું ઇન્ટરનેટ વાપરતો હતો. ઉપરાંત શ્રીનગરના કરણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં એ દોષિત નહોતો અને એ ગુનામાં એની પાસેથી પકડાયેલા સામાનમાં ફૂટેલા ફટાકડા, ટેસ્ટ ટ્યૂબ અને રબરનાં ગ્લૉઝ મળ્યાં હતાં. ઉપરાંત એણે કરેલા ઈમેઈલમાં ક્યાંય ગુજરાતના નકશા કે માહિતી નહોતી."


કેસ દરમિયાન છ જજની બદલી

તમામ પુરાવા જોયા પછી આણંદના એડિશનલ સેશન્સ જજ એસ.એ. નકુમે બશીર બાબાને નિર્દોષ છોડવાનો હુકમ કરતા કહ્યું છે કે બશીર બાબાએ પાકિસ્તાનમાં કોની સાથે વાત કરી એ પુરવાર થતું નથી અને ગુજરાત આવ્યા પછી એમણે ટ્રેનિંગના તમામ સેશન્સ એટેન્ડ કર્યાં છે આ જોતાં એમણે કોઈ ભાંગફોડની પ્રવૃત્તિ કરી હોય એમ લાગતું નથી. એટલું જ નહીં શ્રીનગરમાં એમની સામે નોંધાયેલો ગુનો સાબિત થયો નથી અને કાશ્મીરથી આવે અને ગુજરાતમાં ટ્રેનિંગ બાદ ફરે એ કોઈ ગુનો નથી માટે એમને છોડવામાં આવે.

બશીર બાબાના કેસ દરમ્યાન શ્રીનગરમાં ડેઈલી ફઝર દૈનિક ચલાવતાં પત્રકાર રશિદ રાહીને આણંદની કોર્ટમાં જુબાની આપવા માટે બોલાવાયા હતા.

રશિદ રાહીએ બીબીસી ગુજરાતી સાથેની ટેલિફોનિક વાતચીતમાં કહ્યું કે "હું મારા દોસ્ત સાથે ગુજરાત આવ્યો હતો. એ સમયે કાશ્મીરમાં બૉમ્બ-બ્લાસ્ટ થયો હતો. હું અહીંનો સ્થાનિક પત્રકાર હોવાથી એ બૉમ્બ-બ્લાસ્ટ કરનાર ભાંગફોડિયા જૂથનો મારા પર ફોન આવ્યો હતો. જે મેં મારા દૈનિકમાં સમાચારરૂપે પ્રસિદ્ધ કર્યા હતા. જેના પુરાવા રજૂ કરતાં મને કોર્ટે તરત મુક્ત કર્યો હતો."

ખાલિદ શેખ કહે છે કે "આ કેસમાં મારી જાણકારી પ્રમાણે છ જજની બદલી થઈ અને સરકારી વકીલો દ્વારા વધુ મુદત માગવામાં આવી એટલે આ કેસ દસ વર્ષ, સાત મહિના અને વીસ દિવસ ચાલ્યો હતો."

(આ અહેવાલમાં બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખના ઇનપૂટ્સ છે)


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=CZRuslESZUI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
"Even after 11 years in prison, if I'm innocent, give me back my time."
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X