
પદ્મ પુરસ્કારોની યાદી જાહેર, ધોનીને પદ્મ ભૂષણ પુરસ્કાર
દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રીની યાદી ગુરૂવારે ગૃહ મંત્રાયલ દ્વારા જાહેર કરવામાં આવી હતી. આ સૂચિમાં કુલ 85 લોકોના નામ છે, જેમને આ પુરસ્કાર તેમના કાર્યક્ષેત્રમાં વિશિષ્ટતા પ્રાપ્ત કરવા માટે તથા રાષ્ટ્ર પ્રત્યે પોતાનું જીવન સમર્પિત કરવા માટે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ આપશે. આ વખતે 85 લોકોમાંથી 3ને પદ્મ વિભૂષણ, 9ને પદ્મ ભૂષણ અને 73ને પદ્મ શ્રીનો પુરસ્કાર આપવામાં આવશે. આ વખતે પદ્મ વિભૂષણ પુરસ્કાર તમિલનાડુ નિવાસી સંગીત અને કળાના ક્ષેત્રે ઇલયારાજા અને મહારાષ્ટ્ર નિવાસી ગુલામ મુસ્તફા ખાનને આપવામાં આવશે. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે કેરળ નિવાસી પરમેશ્વરનને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવશે.
પદ્મ ભૂષણ વિજેતાઓ
જાહેર કરવામાં આવેલ સૂચિ અનુસાર પદ્મ ભૂષણ પુરસ્કાર વિજેતાઓની સૂચિમાં કર્ણાટક નિવાસી સ્નૂકર ખેલાડી પંકજ અડવાણી, આધ્યાત્મ ક્ષેત્રમાં કેરળ નિવાસી ડૉ. ફિલપોસ, ઝારખંડ નિવાસી ક્રિકેટ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની, સાર્વજનિક મામલે રશિયાના નિવાસી એલેક્ઝેંડર કદકિનને મરણોપરાંત, પુરાતત્વના ક્ષેત્રમાં તમિલનાડુ નિવાસી રામચંદ્રન ગોસ્વામી, અમેરિકા નિવાસી વેદ પ્રકાશ નંદાને સાહિત્યા અને શિક્ષણ ક્ષેત્રે(ઓવરસિઝ સિટીઝન ઓફ ઇન્ડિયા, ઓસીઆઈ), ગોવા નિવાસી લક્ષ્મણ પાઈ કલા અને પેઇન્ટિંગ, મહારાષ્ટ્ર નિવાસી અરવિંદ પારીખને કળા અને સંગીત અને આ જ ક્ષેત્રમાં બિહાર નિવાસી શારદા સિન્હાનું નામ છે.
પદ્મ શ્રી વિજેતાઓ
આ સાથે જ સરકારે પદ્મ શ્રી પુસ્કારોની પણ ઘોષણા કરી છે, જેમણે ગરીબોની સેવા કરી, મફત શાળાની સ્થાપના કરી અને વિશ્વ સ્તરે આદિવાસી કળાઓને લોકપ્રિય બનાવી. કેરળની એક આદિવાસી મહિલા લક્ષ્મીકુટ્ટી, જે 500 હર્બલ દવાઓને પોતાની યાદશક્તિથી તૈયાર કરે છે અને ખાસ કરીને સાપ અને કીટનાશક મામલે હજારો લોકોની મદદ કરે છે, તે આ પુરસ્કાર વિજેતાઓમાંથી એક છે. તે કેરળ લોકગીત અકાદમીમાં ટ્રેનિંગ આપે છે અને વનમાં આદિવાસી વિસ્તારમાં તાડના પાનથી બનેલ એક નાનકડી ઝુંપડીમાં રહે છે. વર્ષ 1950માં શાળાએ જનારી તે એકમાત્ર આદિવાસી મહિલા હતી. અન્ય વિજેતા અરવિંદ ગુપ્તા આઈઆઈટી કાનપુરના વિદ્યાર્થી છે, જેમણે વિદ્યાર્થીઓને વિજ્ઞાન શીખવવા માટે અન્ય પેઢીઓને પ્રેરણા આપી છે. તેમણે ચાર દશકાઓમાં 3000 શાળાઓની મુલાકાત લીધી છે, 18 ભાષાઓમાં 6200 શોર્ટ ફિલ્મો બનાવી છે અને વર્ષ 1980ના દશકમાં લોકપ્રિય ટીવી શો તરંગ પણ હોસ્ટ કર્યો છે.
