For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતનાં ઍસિડ ઍટેક પીડિતાની આપવીતી, 'મારી જિંદગી બગડી, પણ હું બીજી છોકરીઓને બચાવીશ'

ગુજરાતનાં ઍસિડ ઍટેક પીડિતાની આપવીતી, 'મારી જિંદગી બગડી, પણ હું બીજી છોકરીઓને બચાવીશ'

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

"મારે ભણવું હતું એટલે મેં રોડછાપ રોમિયોને સાથે પ્રેમમાં પડવાની ના પાડી તો એણે મારા પર ઍસિડ નાખીને મારી જિંદગી બરબાદ કરી નાખી. હવે પાંચ વર્ષે મારી એક આંખ ખૂલી છે. હવે હું નવેસરથી ભણી આઇ.એ.એસ. ઑફિસર થઈશ અને મારા જેવી છોકરીઓને ન્યાય અપાવીશ"

ઍસિડ ઍટેક થકી ચહેરો ભલે બગડ્યો હોય પરંતુ કાજલ પ્રજાપતિનાં જુસ્સા અને હિંમત સામે આ મુશ્કેલી વામણી પુરવાર થઈ છે.

મહેસાણાના રનોસણ ગામમાં રહેતાં કાજલ પ્રજાપતિના પિતા રિક્ષા ચલાવે છે.

ફેબ્રુઆરી 2016માં એમની ઉપર ઍસિડ ઍટેક થયો હતો.

લોહીપાણી એક કરીને દીકરીને ભણાવી પોલીસ બનવવા માંગતા રિક્ષાચાલક પિતાનું સપનું એ પૂરું કરવા માંગતાં હતાં એટલે એકતરફી પ્રેમી એમણે ના પાડી અને આ પરીણામ ભોગવવાનો વારો આવ્યો.

એકતરફી પ્રેમમાં પાગલ છોકરાએ કહ્યું કે, "તું મારી નહી થાય તો કોઈની નહીં થવા દઉં" અને એમનાં પર કૉલેજની બહાર ઍસિડ ઍટેક નાખ્યો. પોણાં છ વર્ષમાં 27 ઑપરેશન પછી કાજલની બેમાંથી એક આંખ ખૂલી છે, હવે કાજલ ફરીથી ભણવા માંગે છે.


પ્રેમનો ઇનકાર કરવાનો મળ્યો આ બદલો

કાજલ પ્રજાપતિએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "બાળપણથી મારું સપનું હતું કે હું ભણીગણીને પોલીસ બનું. મારા પિતાએ મને ભંણાવવા માટે અમારા ગામથી થોડે દૂર આવેલા મહેસાણા ખાતે ભણવા મૂકી. કૉલેજનું એ પહેલું વર્ષ હતું, અમારી જ્ઞાતિનો જ વડનગરનો એક છોકરો મારી પાછળ પાગલ હતો, એ રોજ મારી કૉલેજ આવતો, મારો પીછો કરતો. 2016માં વૅલેન્ટાઇન ડેના દિવસે એ મારી કૉલેજ પર આવ્યો, મારી સામે ફૂલ ધરી ને કહ્યું કે એ મને પ્રેમ કરે છે. મેં એને ના પાડી દીધી અને કહ્યું કે કૉલેજ હું ભણવા આવું છું. હું પ્રેમમાં પડવા નથી માંગતી."

"તેણે મને કહ્યું કે જો હું એની નહીં થાઉં તો એ મને કોઈની નહી થવા દે અને તે ગુસ્સામાં જતો રહ્યો. હું વાત ભૂલી ગઈ પણ કૉલેજ પતી ત્યાં એ મોટરસાઇકલ લઈને આવ્યો અને મારા ચહેરા પર ઍસિડ ફેંકી દીધો."


ઘટના પછી શરૂ થયો ઑપરેશનનોનો સિલસિલો

ઍસિડના હુમલા બાદની હકીકતો વિશે વાત કરતાં તેઓ કહે છે, "જયારે મારી પર ઍસિડ નખાયો ત્યારે મારા ચહેરા પર ઘણી બળતરા થવાનું શરૂ થયું."

"મારી કૉલેજનાં છોકરાછોકરીઓએ મારા પર દૂધ નાખ્યું, મને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી, કોઈ ડૉક્ટર એવી ખાતરી આપવા તૈયાર નહોતા કે મારી આંખ પાછી આવશે. મારી બંને આંખો બંધ હતી. પોણાં છ વર્ષમાં મારાં ચહેરા અને આંખનાં 27 ઑપરેશન થયાં. અમદાવાદના ડૉક્ટરે મારાં ઑપરેશન કર્યાં અને દરેક ઑપરેશન વખતે અસહ્ય પીડા સહન કરવી પડી."

કાજલ ઑપરેશનોનો પીડાદાયક સિલસિલો વર્ણવતાં કહે છે, "થોડા સમયમાં મારી એક આંખનું પોપચું થોડું ખૂલ્યું જેથી મને થોડું દેખાતું થયું. ડૉક્ટરે કહ્યું કે બીજાં ઑપરેશન કરવાથી મારી આંખો પાછી આવશે. મને આશા બંધાઈ."

"18 ઑપરેશન પછી ખબર પડી કે એક આંખ ઍસિડના કારણે બળી ગઈ હતી. પરંતુ હજી એક આંખથી દેખાવાની શક્યતા હતી. મને મારી આંખો જોઈતી હતી. પણ એ પહેલાં પ્લાસ્ટિક સર્જરી થતી રહી, કારણ કે હું ઘર ના દરવાજે ઊભી રહું તો લોકો મારો ચહેરો જોઈ ડરીને ભાગી જતા હતા. છેવટે 27 ઑપરેશન પછી મારી એક આંખ પાછી આવી છે હવે હું લખી વાંચી શકું છું."


ભણવાની ધગશ

કાજલમાં ભણવા અંગેનો અડગ જુસ્સો હતો. તે અંગે તેઓ વાત કરતાં કહે છે, "મારા પિતાને મેં કહ્યું કે મારે ભણવું છે, એમણે મને હા પાડી એટલે મેં ફરીથી કૉલેજના પહેલા વર્ષમાં પ્રવેશ મેળવ્યો છે. હું ભણીને પોલીસ તો નહી થઈ શકું પણ આઈ.એ.એસ.ઑફિસર બની પહેલું કામ છોકરીઓની રક્ષા કરવાનું કરીશ. જેથી મારી જેમ અન્યોને હેરાન ના થવું પડે."

પોણાં છ વર્ષની લાંબી લડાઈમાં કાજલનાં માતાપિતા અને ભાઈ તેમની સાથે ઊભાં રહ્યાં છે.

સરકાર તરફથી માત્ર ત્રણ લાખની સહાય મળી છે. જ્યારે કાજલની સારવાર માટે એમનાં માતાપિતા 15 લાખ રૂપિયા ખર્ચી ચૂક્યાં છે.

કાજલનાં માતા ચંદ્રિકા પ્રજાપતિએ કહ્યું, "અમને સરકાર તરફથી જે સહાય મળી એમાં મારી દીકરીની સારવાર થઈ શકે એમ ન હતું, શરૂઆતમાં ઘણા લોકો આવ્યા. નેતાઓ અને સામાજિક આગેવાનો આવ્યા. બધાએ મદદની ખાતરી આપી પણ પછી કોઈ ના આવ્યું."

"કાજલની સારવારમાં એક-એક કરીને ઘરની વસ્તુઓ વેચાવા લાગી. મારા પતિ રિક્ષા ચાલવતા હતા એટલે દેવું થવા માંડ્યું, મેં મારા દાગીના વેચી દીધા. હવે મારી પાસે માત્ર કાનની બે બુટ્ટી અને નાકની એક ચૂની જ બાકી રહી છે."

"ઘરકામ પતાવી હું પણ મજૂરી કરવા જાઉં છું. રોજના 100-150 રૂપિયા કમાઈ લઉં છું. મારા દીકરાએ પણ નોકરી કરવાનું શરૂ કર્યું છે. મારી દીકરી પર થયેલા ઍસિડ ઍટેક ને કારણે મારા દીકરાનાં પણ લગ્ન થતાં નથી, કારણ કે છોકરીવાળાઓને એવું લાગે છે કે એમની છોકરીએ મારી દીકરીની જિંદગીભર સેવા કરવી પડશે."


'પોણાં છ વર્ષથી કોઈ તહેવાર નથી ઊજવ્યો'

કાજલને મહેસાણાથી વારંવાર રિક્ષામાં અમદાવાદ લાવતા એમના પિતા મહેન્દ્રભાઈએ પોતાની આપવીતી જણાવતાં કહ્યું, "અમારા પર ભગવાનનો શાપ ઊતર્યો હોય એવું લાગે છે."

"છેલ્લાં પોણાં છ વર્ષથી અમારા ઘરમાં કોઈએ દિવાળી-હોળી જેવા તહેવાર જોયા નથી. ઘરમાં કોઈ જરૂર વગરની વસ્તુ આવી નથી. પછી ભલે એ કપડાં હોય કે મીઠાઈ."

"હું કાજલની સારવાર માટે અમદાવાદ આવું એટલે દિવસરાત રિક્ષા ચાલવું. એને ઑપરેશન માટે લાવું ત્યારે પણ."

તેઓ પોતાની દીકરીની આ હાલત જોઈ તેમના પર વીતી રહેલ દુ:ખ અંગે કહે છે, "મારી દીકરી તો હવે દેખતી થઈ પણ એનાં ઑપરેશન થાય ત્યારે એની પીડા અમે જોઈ નહોતા શકતા."

"કારણ કે એ રડતી, બૂમો પાડતી. એક પોપચામાં થોડો ભાગ ખૂલ્યો ત્યાંથી આંસુ સરતાં. એની પીડા જોઈ શકાતી ન હતી પણ એને વિશ્વાસ હતો કે એ દેખતી થઈ જશે. એણે બધું સહન કર્યું હવે એ એક આંખે જોતી થઈ છે. હવે અમે એની ફરી ભણવાની ઇચ્છા પૂરી કરીએ છીએ."

પોણાં છ વર્ષથી લડી રહેલી કાજલ કહે છે કે તેમણે જે પીડા ભોગવી છે એ ભૂલી શકાય એમ નથી. તેનો વાંક માત્ર એટલો હતો કે તેણે 'પ્રેમ કરવાની ના પાડી, એટલું જ.'

કોર્ટે તેમના પર ઍસિડ નાખનારને આજીવન કેદની સજા આપી છે પણ તેમણે તો આંખ અને ચહેરો ગુમાવી દીધાં છે, હવે તેઓ પોલીસ તો નહીં બની શકે પણ આઇ.એ.એસ બનીને છોકરીઓ માટે ન્યાય મળે એવી કોશિશ કરવા માગે છે.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://youtu.be/AumaJkmPRjs

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Gujarat acid attack victim's statement, 'My life is ruined, but I will save other girls'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X