
દેશના લગભગ 60 ટકા બાળકો કોરોનાથી સંક્રમિત થયા છે
નવી દિલ્હી : હાલ તહેવારોની સિઝનમાં લોકો કોરોનાને ભૂલી ગયા છે, ત્યારે સરકાર સતત લોકોને કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા જણાવી રહી છે. આ વચ્ચે બાળકોમાં કોરોના સંક્રમણમાં વધારો થવાની શક્યતા વધુ છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા હાથ ધરવામાં આવેલા સિરો સર્વે અનુસાર દેશના લગભગ 60 ટકા બાળકો કોરોનાથી સંક્રમિત થયા છે, પરંતુ બાળકોમાં મૃત્યુદર 1 લાખમાં 2 છે, જે ઘણો ઓછો છે. આ સાબિત કરવા માટે કોઈ અભ્યાસ નથી કે, રસી બાળકો માટે ખૂબ ફાયદાકારક રહેશે. દિલ્હી એઇમ્સના સેન્ટર ફોર કોમ્યુનિટી મેડિસિનના પ્રોફેસર ડો. સંજય રાયે આ અંગે માહિતી આપી હતી.
કોવેક્સિનનું ટ્રાયલ ત્રણ વય જૂથો પર કરવામાં આવ્યું
ડો. સંજય રાયે જણાવ્યું કે, બાળકોમાં કોવિડ 19 રસી કોવેક્સિનની સલામતી અને રોગપ્રતિકારકતા લગભગ 18 વર્ષથી વધુ વયના પુખ્ત વયના લોકો જેટલી જ છે. કોવેક્સિનનું ટ્રાયલ ત્રણ વય જૂથો પર કરવામાં આવ્યું હતું. પ્રથમ વય જૂથ 12-18 વર્ષના બાળકો, બીજૂ વય જૂથ 6-12 વર્ષના અને ત્રીજુ વય જૂથ 2-6 વર્ષના બાળકો હતા.
ઉલ્લેખનીય છે કે, રાય બાળકો પર કોવેક્સિન ટ્રાયલના મુખ્ય નિરીક્ષક હતા.તેમણે જણાવ્યું છે કે, પહેલા અમે 12-18 વર્ષના બાળકો પર અને પછી અન્ય વય જૂથના લોકો પર પરીક્ષણ કર્યું હતું.
SARS CoV2 બાળકો માટે વધુ ખતરનાક નથી. બાળકોમાં તેનું સંક્રમણ ઘણું ઓછું
રાયે જણાવ્યું કે, બાળકોમાં કોવેક્સિનની સલામતી અને રોગપ્રતિકારક શક્તિ પુખ્ત વયના લોકો જેવી જ છે. જો કે, અમે ટ્રાયલના અંતિમ પરિણામોની રાહ જોઈ રહ્યા છીએ. અમે પહેલાથી જ પુખ્ત વયના લોકો પર તેનું પરીક્ષણ કર્યું છે. અમે બાળકો પર કરવામાં આવેલા ટ્રાયલની રાહ જોઈ રહ્યા છીએ. વૈશ્વિક સ્તરે એવું જોવામાં આવ્યું છે કે, SARS CoV2 બાળકો માટે વધુ ખતરનાક નથી. બાળકોમાં તેનું સંક્રમણ ઘણું ઓછું છે. કોરોના વેક્સિન ઝાયડસ કેડિલા, ભારત બાયોટેક અથવા ફાઇઝર છે, તે કોઈના વિશે કહી શકાય નહીં કે, કઈ વધુ અસરકારક છે અને કઈ ઓછી. આ રસીઓ સંક્રમણની તીવ્રતાને ઘટાડે છે, પરંતુ સંક્રમણને નહીં.
દેશમાં અત્યાર સુધીમાં 95.82 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે
આવા સમયે, જો આપણે ભારતમાં કોરોના વાયરસ રસીકરણની વાત કરીએ તો, દેશમાં અત્યાર સુધીમાં 95.82 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં સોમવારના રોજ સાંજે 7 કલાક સુધીમાં રસીના 59 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે આ માહિતી આપી છે.