IND vs ENG: લોર્ડ્સમાં અંગ્રેજ દર્શકોની ભારતીય ખેલાડીઓ સાથે ઉદ્ધતાઈ, શેમ્પેઈનના કોર્કથી કે એલ રાહુલને માર્યો!
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લિશ પ્રેક્ષકો તરફથી દુર્વ્યવહાર અટકવાનું નામ નથી લઈ રહ્યો. છેલ્લા કેટલાક મહિનાઓથી મહેમાન ખેલાડીઓ પ્રત્યે યજમાન દર્શકોનું વલણ સતત અશોભનિય રહ્યું છે. કેટલાક ખેલાડીઓએને વંશીય ટિપ્પણીઓનો પણ સામનો કરવો પડ્યો હતો, પ્રેક્ષકો તરફથી પણ ખેલાડીઓ પ્રત્યે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડ સામેની આ શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમને પ્રેક્ષકો તરફથી ગેરવર્તનનો સામનો કરવો પડ્યો હતો, નોટિંગહામ ટેસ્ટમાં અંગ્રેજી દર્શકો ભારતીય ટીમને કોરોનાનું ડેલ્ટા વેરિએન્ટ કહેતા હતા, જ્યારે ભારતીય મૂળની મહિલા દર્શકે રોકવાની કોશિશ કરતા તેને ભારત પાછા જવાનું પણ કહેવામાં આવ્યું હતુ.
આ તમામ ઘટનાક્રમ બાદ સ્ટેડિયમ સત્તાવાળાઓના હસ્તક્ષેપ છતાં દર્શકોની ગેરવર્તણૂક અટકી નથી. ફરી એકવાર દર્શકોને લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર દુર્વ્યવહાર કર્યો છે. લોર્ડ્સના મેદાન પર ભારત અને ઈંગ્લેન્ડ મેચ જીતવા અને બઢત લેવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે દર્શકોએ મેદાન પર ફિલ્ડીંગ કરી રહેલા કેએલ રાહુલ પર શેમ્પેઈન કોર્ક ફેંક્યા હતા.

પ્રેક્ષકોએ કેએલ રાહુલ પર કોર્કથી હુમલો કર્યો
આ ઘટના ઇંગ્લેન્ડની ઇનિંગની 69 મી ઓવરમાં બની હતી, કેએલ રાહુલ થર્ડ મેન પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. ઇંગ્લિશ દર્શકોએ કેએલ રાહુલ પર કોર્ક વડે હુમલો કર્યા બાદ અમ્પાયરને જાણ કરી હતી. કેપ્ટન વિરાટ કોહલીએ આ મામલામાં હસ્તક્ષેપ કરી દર્શકો તરફ કોર્ક પાછા ફેંકી મારવાનો સંકેત કર્યો.
એક ઓવર પછી જ્યારે આ ઘટનાના દ્રશ્યો ટીવી પર જોવામાં આવ્યા ત્યારે ઘણા બધા કોર્ક જમીન પર વિખરાયેલા જોવા મળ્યા હતા. આ ઘટનાથી માત્ર ભારતીય ખેલાડીઓ જ નહીં પણ ભારતીય ચાહકો પણ ગુસ્સે થયા હતા. જો કે, કે એલ રાહુલે પ્રેક્ષકો તરફ કોર્ક ફેંક્યા ન હતા, પરંતુ તેને ઉપાડીને બાઉન્ડ્રી લાઇનની બહાર ફેંકી દીધા હતા.

ભારતીય ટીમે અમ્પાયરને ફરિયાદ કરી
નોંધપાત્ર બાબત એ છે કે સતત બીજી વખત ક્રિકેટના મેદાન પર દર્શકોના સંપૂર્ણ પરત ફર્યા બાદ અંગ્રેજ દર્શકોએ મુલાકાતી ટીમના ખેલાડીઓ સાથે ગેરવર્તન કર્યું છે. રિપોર્ટ અનુસાર, ભારતે આ ઘટના અંગે ઓન-ફિલ્ડ અમ્પાયરને ફરિયાદ કરી છે, જો કે આ બાબતે વધુ માહિતી સામે આવી નથી.

ભારતીય ચાહકો અંગ્રેજી પ્રેક્ષકો પર ગુસ્સે ભરાયા
તમને જણાવી દઈએ કે લોર્ડ્સના મેદાન પર રમાઈ રહેલી આ ટેસ્ટ મેચમાં કેએલ રાહુલે શાનદાર બેટિંગ કરતા 129 રન સાથે સદી ફટકારી હતી. રોહિત શર્માની (83) અડધી સદી સાથે રાહુલે ફરી એક વખત ભારત માટે શાનદાર શરૂઆત કરી, જેના દમ પર ભારતની ટીમ પ્રથમ દાવમાં 364 રન બનાવવામાં સફળ રહી હતી. આ દરમિયાન કે એલ રાહુલ સાથેની આ ઘટના પર ભારતીય ચાહકોએ નારાજગી વ્યક્ત કરી છે અને સોશિયલ મીડિયા પર અંગ્રેજી પ્રેક્ષકોને વખોડી રહ્યા છે.