For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇઝરાયલે જામનગર ઍરબેઝથી પાકિસ્તાનનું અણુમથક ઉડાવી દેવાની ઑફર આપેલી?

ઇઝરાયલે જામનગર ઍરબેઝથી પાકિસ્તાનનું અણુમથક ઉડાવી દેવાની ઑફર આપેલી?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

મધ્ય-પૂર્વમાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના સંગઠન હમાસની વચ્ચે હિંસક અથડામણ ફાટી નીકળી છે. જેમાં સેંકડો લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે હજારો લોકો બેઘર થયા છે.

ઇઝરાયલને અંદાજ છે કે તેણે વહેલા કે મોડા સંઘર્ષવિરામ સ્વીકારવો પડશે, એટલે જ તે હમાસના માણસો તથા માળખાને થાય એટલું નુકસાન પહોંચાડવા માગે છે.

દરમિયાન ભારતમાં ઉગ્રવાદ સામે ઇઝરાયલ તથા મોસાદ મૉડલ અપનાવવાની માગણી 'ઑનલાઇન ઍક્સપર્ટ' કરતા રહે છે.

આવી જ એક ચર્ચા છે કે જો ભારતે યોગ્ય સમયે હિંમત દાખવી હોત તો ઇઝરાયલની મદદથી પાકિસ્તાનને અણુહથિયાર બનાવતા અટકાવી શકાયું હોત.

શું ઇઝરાયલે આવી કોઈ ઑફર કરી હતી? તેના માટે ગુજરાતની ધરતીનો ઉપયોગ થવાનો હતો? શું એક નહીં પણ અનેક વખત ભારતે કાહૂટા ખાતેના પાકિસ્તાનના અણુકાર્યક્રમને અટકાવવાની તક ગુમાવી હતી?

પાકિસ્તાનના અણુમથકને નેસ્તનાબૂદ કરવામાં ઇઝરાયલને શું રસ હતો?

તે અંગે વિરોધાભાસી મત પ્રવર્તે છે, પરંતુ આ મુદ્દો આજે પણ ચર્ચાનો વિષય છે.


ઇરાક પર ઇઝરાયલનું આક્રમણ

https://www.youtube.com/watch?v=xxN5izTThac

તા. 7મી જૂન, 1981ના રોજ ઇઝરાયલના વાયુદળે ત્રણ દુશ્મન દેશની સરહદોને પસાર કરીને ઇરાકમાં તબાહી મચાવી હતી અને ઑસિરાક ખાતેના તેના નિર્માણાધીન પરમાણુ મથકને ઉડાવી દીધું હતું.

ઇઝરાયલના આઠ એફ-16 તથા બે એફ-15 ફાઇટર જેટ ઇજિપ્તના સિનાઈ રણવિસ્તાર (એ સમયે તેના ઉપર ઇઝરાયલનો કબજો હતો.) ખાતેના હવાઈમથકેથી ઉડ્યા.

આ વિમાનો સાઉદી અરેબિયા તથા જૉર્ડનની હવાઈસીમાને માત્ર 120 મીટરની ઊંચાઈએથી પસાર કરી.

600 માઇલનું (લગભગ એક હજાર કિલોમીટર) અંતર કાપવા માટે લાદવામાં આવેલી વધારાની ઇંધણની ટાંકીઓને સાઉદી અરેબિયાના રણવિસ્તારમાં ત્યજી દેવામાં આવી.

ઇરાકની વાયુસીમામાં પ્રવેશ્યા બાદ રડારથી બચવા માટે ઇઝરાયલના વિમાનોએ તેમની ઊંચાઈને ઘટાડીને 30 મીટર કરી નાખી.

સાંજે 5.30 કલાકે 20 કિલોમીટરના અંતરેથી વિમાનો અલગ-અલગ દિશામાં ફંટાઈ ગયાં અને બે હજાર 130 મીટરની ઊંચાઈ લીધી.

ત્યારબાદ પ્રતિકલાક 1100 કિલોમીટરની ઝડપે ઑસિરાક (તામૂઝ-1)ના ગુંબજ ઉપર ઝુક્યાં. અને 35 અંશના ખૂણેથી એક પછી એક 16 ટાઇમ-ડિલે બૉમ્બ તેની ઉપર ઝુક્યા. જેમાંથી બે ન ફુટ્યા, પરંતુ બાકીના બૉમ્બે પોતાનું કામ કરી લીધું હતું.

ફ્રાન્સની ડિઝાઇનનું રિઍક્ટર ધ્વસ્ત થઈ ગયું હતું. ઇરાકની ઍન્ટિ-ઍરક્રાફ્ટ ગન ધણધણી ઊઠી, પરંતુ વિમાનોએ સ્વદેશ પરત ફરવા માટે 12 હજાર ફૂટ કરતાં વધુની ઊંચાઈ મેળવી લીધી હતી.

કોઈ પણ ઇરાકી વિમાનોએ પીછો ન પકડ્યો અને તેઓ સલામત વતન પરત ફર્યા, ત્યારે તેમની ટાંકીમાં માંડ 450 કિલોગ્રામ જેટલું ઇંધણ વધ્યું હતું, જે હવામાં માંડ 270 કિલોમીટરનો પ્રવાસ ખેડવા માટે પૂરતું હતું.

એ હુમલામાં 11 સૈનિક અને એક ફ્રેન્ચ નાગરિકનાં મૃત્યુ થયાની ઔપચારિક જાહેરાત થઈ.

સુરક્ષા પરિષદે ઇઝરાયલના પગલાંની ટીકા કરી. સામે પક્ષે ઇઝરાયલે ઇરાકને પરમાણુ સંયંત્ર બનાવવામાં મદદ કરવા બદલ ફ્રાન્સ તથા ઇટાલીની ટીકા કરી, ઇઝારયલ સામે કોઈ નક્કર કાર્યવાહી ન થઈ.

ઇઝરાયલના વાયુદળના આ પરાક્રમથી દુનિયાભરના સુરક્ષા નિષ્ણાતો આશ્ચર્યચકિત થઈ ગયા હતા, એટલે જ ભારતના સુરક્ષા નિષ્ણાતોએ પણ આવું જ કંઈક કરવા વિચારણા હાથ ધરી હતી.


'ગુજરાતી'એ ભાંડો ફોડ્યો?

મોરારજી દેસાઈ

1977માં દેશમાંથી ઇમર્જન્સી લાદવામાં આવી, તે બાદ પ્રથમ વખત બિન-કૉંગ્રેસી સરકાર બની. જેની કમાન મૂળ કૉંગ્રેસી અને ગાંધીવાદી ગુજરાતી મોરારજી દેસાઈના હાથમાં હતી.

દેસાઈને લાગતું હતું કે 1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધ બાદ ભારતની ગુપ્તચર સંસ્થા રિસર્ચ ઍન્ડ ઍનાલિસિસ વિંગ (રૉ)એ દેશના રાજનેતાઓ ઉપર નજર રાખવાનું શરૂ કરી દીધું હતું.

આથી, જ્યારે જનતા પાર્ટીની સરકાર બની, ત્યારે તેમણે રૉનું બજેટ 30 ટકા જેટલું ઘટાડી નાખ્યું,

એટલું જ નહીં પાકિસ્તાન અણુહથિયાર સંપન્ન રાષ્ટ્ર ન બને તે માટેના એક ગુપ્ત ઑપેરશનમાં અવરોધ ઊભો કર્યો હતો.

પાકિસ્તાનના લેખ ગ્રૂપ કૅપ્ટન એસ. એમ. હાલીએ વર્ષ-2018માં પાકિસ્તાનના સંરક્ષણ સામયિક 'પાકિસ્તાન ડિફેન્સ જનરલ'માં લખ્યું: "1977માં રૉના એક એજન્ટે 10 હજાર ડૉલરમાં કહૂટા પરમાણુમથકની બ્લૂપ્રિન્ટ ભારતને વેચવા માટે તૈયારી દાખવી હતી."

"જ્યારે આ વિશે મોરારજી દેસાઈ (ભારતના તત્કાલીન વડા પ્રધાન) મોરારજી દેસાઈને જણાવવામાં આવ્યું તો તેમણે તરત જ જનરલ જિયા-ઉલ-હક (પાકિસ્તાનના તત્કાલીન સૈન્યશાસક)ને ફોન કરીને જણાવ્યું કે અમને ખબર છે કે તમે કહૂટા ખાતે પરમાણુબૉમ્બ બનાવી રહ્યા છો."

"પરિણામે તપાસ હાથ ધરવામાં આવી, રૉનોએ જાસૂસ પકડાઈ ગયો અને ભારતને ક્યારેય એ ટૉપ સિક્રેટ બ્લૂ-પ્રિન્ટ ન મળી શકી."

રૉને આશંકા હતી કે પાકિસ્તાન અણુહથિયાર બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

એટલે રૉ દ્વારા પાકિસ્તાનમાં ફેલાયેલા તેના જાસૂસી નેટવર્કને સક્રિય કરવામાં આવ્યું હતું.

જેમાં ઇસ્લામાબાદ પાસેના કહૂટા ખાતે અણુકાર્યક્રમ ચાલી રહ્યો હોવાના અણસાર મળ્યા હતા.

આ બાબતની નક્કર રીતે ખરાઈ કરવી જરૂરી હતી, એટલે રૉના જાસૂસો દ્વારા કહૂટા ખાતેના અણુમથક ખાતે કામ કરનારા વિજ્ઞાનીઓ જ્યાં જ્યાં વાળ કપાવતા હતા, એ સલૂનમાંથી વાળના નમૂના એકઠા કરવામાં આવ્યા.

બાદમાં એ વાળને ભારત મોકલવામાં આવ્યા, જ્યાં વૈજ્ઞાનિક પરીક્ષણના આધારે સાબિત થયું કે તેમાં રેડિયોઍક્ટિવ ગુણધર્મ હતા, મતલબ કે એ કર્મચારીઓ જ્યાં કામ કરતા હતા, એ સ્થળે પરમાણુને લગતી કામગીરી થતી હતી.

આ પછી જ એ પ્લાન્ટની બ્લૂપ્રિન્ટ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

ફરી એક વખત ઇંદિરા ગાંધીનું સત્તા ઉપર પુનરાગમન થયું અને રૉએ ઑપરેશન કાહૂટા હાથ ધર્યું.

ભારત ઇચ્છતું હતું કે તે પણ ઇઝરાયલે જેમ ઇરાકની ધરતી ઉપર પરમાણુમથકને નેસ્તનાબૂદ કરી દીધું, તેવી રીતે તે પણ કાહૂટા ખાતેના મથકને ઉડાવી દેવા માગતું હતું.


ઇઝરાયલે આપી હતી ઑફર?

ઇઝરાયલ અને ભારતના સંબંધો કેવા હતા?

ભારતીય વાયુદળના નિવૃત્ત અધિકારીના કહેવા પ્રમાણે, "ખાડી દેશોમાંથી આવતાં વિમાનો માટે ભારતની વાયુસીમામાં પ્રવેશ્યા બાદ જામનગર 'મુખ્ય પ્રવેશદ્વાર' સમાન છે. એટલે જ વિદેશથી ખરીદાયેલાં મોટાભાગનાં વિમાન આ માર્ગે જ દેશમાં દાખલ થાય છે."

"રફાલ વિમાન પણ ત્યાં જ ઊતર્યા હોત, પરંતુ વિમાન તથા તેના ચાલકોની ક્ષમતાનો નમૂનો દેખાડવા માટે જામનગરને બદલે તેનું અંબાલા ખાતે ઉતરાણ કરાવવામાં આવ્યું હતું. 1984માં અંબાલા ખાતેની ભારતની જેગ્યુઆર સ્ક્વૉડ્રન ઇઝરાયલ માટે 'ગુમ થઈ ગઈ' હોવાની ચર્ચા સાંભળી છે, પરંતુ તે ઇઝરાયલના એ મિશન માટે જ ગુમ થયા હતા, તેવું નિશ્ચિતપણે કહી ન શકું."

'ડિસૅપ્શન: પાકિસ્તાન, ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઍન્ડ ધ ગ્લોબલ ન્યુક્લિયર કૉન્સપિરસી'માં પત્રકારો ઍડ્રિયાન લેવી તથા કૅથરિન સ્કૉટ-ક્લાર્કે દાવો કર્યો હતો કે નવા ખરીદાયેલા જેગ્યુઆર વિમાનની મદદથી પાકિસ્તાનના કાહૂટા પરમાણુમથક ઉપર હુમલો થઈ શકે કે કેમ, તેની શક્યતા ભારતે ચકાસી હતી.

ફેબ્રુઆરી-1983માં ભારતીય સેનાના ઉચ્ચ અધિકારીઓએ ગુપ્ત રીતે ઇઝરાયલનો પ્રવાસ ખેડ્યો હતો, જેમાં તેમણે કહૂટાના મથકની સુરક્ષાવ્યવસ્થાને થાપ આપી શકે તેવાં ઇલેક્ટ્રૉનિક સાધનો અંગે પૃચ્છા કરી હતી.

ઇઝરાયલે ભારતને પાકિસ્તાનના ફાઇટર જેટ એફ-16 અંગે ટૅકનિકલ માહિતી આપી હતી. સામે પક્ષે ભારતે તેને મિગ-23 વિમાનની ગુપ્ત માહિતી આપી હતી. પાડોશી આરબ રાષ્ટ્ર દ્વારા આ સોવિયેત વિમાન વસાવવામાં આવ્યા હોવાથી ઇઝરાયલને આ માહિતીની તાતી જરૂર હતી.

મોદી અને નેતનયાહૂના પ્રયાસોને કારણે બંને દેશ વચ્ચેના સંબંધમાં ઉષ્મા આવી

વરિષ્ઠ સુરક્ષા વિશેષજ્ઞ ભરત કર્નાડે તેમના બ્લોગમાં લખ્યું હતું, "1983માં બૈરુત ખાતે હું ઇઝરાયલના વિખ્યાત મિલિટરી ઇન્ટેલિજન્સ ચીફને એહરોન યારિવને મળ્યો હતો, જેઓ નિવૃત્ત થઈ ગયા હતા. તેમણે નાસ્તા દરમિયાન મને આ વાત કહી હતી."

"એ યોજના મુજબ ઇઝરાયલના હાયફાથી છ એફ-16 વિમાન તથા લગભગ એટલી જ સંખ્યામાં એફ-15 કૉમ્બેટ ઍર પેટ્રોલ વિમાન ઊડે અને દક્ષિણ અરબી સમુદ્ર થઈને ભારતની હવાઈ સીમામાં પ્રવેશે તથા જામનગર ખાતે ઉતરાણ કરે. જ્યાં તેના પાઇલટ તથા ક્રૂ મૅમ્બર આરામ કરે અને યોજનામાં છેક છેલ્લી ઘડીના જરૂરી ફેરફાર કરે."

"ઇઝરાયલના વાયુદળના માલવાહક સી-17 વિમાન યોજના માટે જરૂરી વિસ્ફોટકો તથા જરૂરી સાધનસામગ્રી લઈને ઉધમપુર હવાઈમથક ખાતે પહોંચે. જામનગરથી એફ-16 વિમાન ઊડે તથા હવાઈમાં રિફ્યુલિંગ કરીને ઉધમપુર ઍરબેઝ ખાતે પહોંચે."

"ત્યાંથી જરૂરી શસ્ત્રસરંજામ સાથે સરહદ પાર કરે અને રડારથી બચવા માટે પહાડોની ઓથે-ઓથે આગળ વધે. જ્યારે તેઓ જાહેરમાં આવે ત્યારે બે એફ-16 વિમાન દ્વારા કહૂટા પરમાણુમથક ઉપર બૉમ્બવર્ષા કરવામાં આવે."

"આ અરસામાં એફ-15 વિમાન હવામાં ચક્કર મારતાં રહે અને જો પાકિસ્તાની વાયુદળનું કોઈ વિમાન દેખાય તો તેને અટકાવે. હુમલા પતાવીને એફ-16 પશ્ચિમની વાટ પકડે અને પાકિસ્તાનની હવાઈસીમામાંથી બહાર નીકળી જાય."

"ફરીથી નીચી ઉડાણે તે દક્ષિણ તરફ આગળ વધે અને પહાડની ઓથે-ઓથે હોમબેઝ પર પરત ફરે. પાકિસ્તાનના વિમાનોએ પહાડોમાં ઇઝરાયલી વિમાનોને આંતકવાની હિંમત ન કરી હોત એવું ઇઝરાયલના વ્યૂહરચનાકારોનું માનવું હતું."

પોતાના મેજર જનરલ સાથેના સંવાદ વિશે કર્નાડ ઉમેરે છે, "ઇઝરાયલીઓને લાગતું હતું કે આ હુમલા બાદ ભારત હાથ ઊંચા કરી દેશે. આથી, ઇઝરાયલની શરત હતી કે તેના વિમાન પોતાના જ સૈન્ય નિશાન સાથે સફર ખેડશે. ઇઝરાયલ ઇચ્છતું હતું કે ભારત પણ હુમલામાં પોતાની ભાગીદારી સ્વીકારે."

પાકિસ્તાનના વિજ્ઞાની અબ્દુલ કાદિર ખાને લિબિયા, ઉત્તર કોરિયા અને ઈરાનને અણુરહસ્યો વેંચ્યાની વાત કબૂલી હતી, બાદમાં ફેરવી તોળ્યું હતું

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં સ્કૂલ ઑફ ઇન્ટરનૅશનલ સ્ટડિસમાં પ્રાધ્યાપક ડૉ. રાજેશ રાજગોપાલને બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું, "ગુજરાતમાં જામનગર ખાતે ઇઝરાયલનાં વિમાન ઊતરે અને કાહૂટા ઉપર હુમલો કરવો એવી યોજના વિશે ખૂબ જ ચર્ચા ચાલી છે. બાદમાં ડિક્લાસિફાય થયેલા અમેરિકાના દસ્તાવેજો તથા હંગેરીમાં ડિક્લાસિફાયલ થયેલા દસ્તાવેજોમાં બહાર આવ્યું છે કે અમેરિકા તથા સોવિયેતસંઘને આ અંગે ચિંતા હતી."

"વાસ્તવમાં તેમની પાસે પણ કોઈ નક્કર માહિતી હતી કે તેઓ માત્ર અટકળોના આધારે જ આ વાત કરી રહ્યા હતા, તે સ્પષ્ટ નથી. આથી, તેના વિશે નક્કરપણે કંઈ કહી ન શકાય."

ફેબ્રુઆરી-1987માં તેલ અવીવ ખાતેથી પ્રકાશિત અખબાર 'જેરૂસલેમ પોસ્ટ'એ દાવો કર્યો હતો કે ઇઝરાયલના સૈન્ય અધિકારીઓએ કહૂટા ઉપર સંયુક્ત રીતે હુમલો કરવા માટે ભારતને ત્રણ વખત સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

ડૉ. રાજગોપાલન ઉમેરે છે કે ઇઝરાયલથી જામનગર સુધીનું અંતર ગુપ્ત રીતે પાર કરવું અને બાદમાં પોતાની હાજરીને ગુપ્ત રાખવી ઇઝરાયલીઓ માટે મુશ્કેલ બની રહી હોત.

ઇઝરાયલને આશંકા હતી કે જો પાકિસ્તાન અણુબૉમ્બ બનાવી લેશે તો તે ઇરાક, લિબિયા કે ઈરાન સુધી પણ પહોંચી શકે છે. બાદમાં પાકિસ્તાનના અણુવિજ્ઞાની અબ્દુલ કાદિર ખાને યુરોપિય સંઘની કંપની ઈરાન, લિબિયા તથા ઉત્તર કોરિયાને કથિત રીતે અણુહથિયાર માટેનું યુરેનિયમ બનાવવાની પ્રૌદ્યોગિકી વેચી હોવાના આરોપ લાગ્યા હતા.

ડિક્લાસિફાય થયેલા દસ્તાવેજો મુજબ પાકિસ્તાન ખાતે અમેરિકાના રાજદૂતે તત્કાલીન સૈન્યશાસક જનરલ ઝીયાને આશ્વાસન આપ્યું હતું કે ભારત દ્વારા કાહૂટા ઉપર હુમલો કરવાની યોજના સંબંધે જો કોઈ માહિતી મળશે, તો તેઓ ચોક્કસપણે આપશે.

તા. 22મી સપ્ટેમ્બરના સીઆઈએ (અમેરિકાની ગુપ્તચર સંસ્થા સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી)ના ડેપ્યુટી ડાયરેક્ટરે પાકિસ્તાનના ઉચ્ચ અધિકારીઓને જણાવ્યું હતું કે ભારત દ્વારા હવાઈહુમલો કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

એ જ દિવસે એબીસી ટેલિવિઝને અમેરિકાની સેનેટની સુરક્ષાસંબંધિત પેટાકમિટીમાં સીઆઈએને ટાંકતાં હુમલાની શક્યતાની વાત કહી હતી.

આને પગલે ભારત ઉપર પશ્ચિમી દેશોનું દબાણ વધી ગયું હતું કે ઇંદિરા ગાંધીએ યોજનાને પડતી મૂકી દીધી હતી. આના લગભગ એક મહિના બાદ ઑક્ટોબર-1984માં તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીની તેમના જ સુરક્ષાકર્મીઓએ હત્યા કરી નાખી, એ પછી તેમના પુત્ર રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા હતા.


ઇઝરાયલ, યારી અને આડખીલી

https://www.youtube.com/watch?v=J45WR0NYmxA

તા. 15મી મે 1948ના દિવસે વિશ્વના નક્શા ઉપર ઇઝરાયલ નામનો યહૂદી દેશ અસ્તિત્વમાં આવ્યો. તેના લગભગ નવ મહિના પહેલાં જ ભારતને આઝાદી મળી ગઈ હતી.

ભારતે ઇઝરાયલને માન્યતા આપવામાં લગભગ અઢી વર્ષનો સમય લગાડી દીધો. તા. 15મી સપ્ટેમ્બર 1950ના દિવસે ભારતે ઇઝરાયલને માન્યતા આપી. 1951માં ઇઝરાયલે ભારતમાં બૉમ્બે (હાલનું મુંબઈ) ખાતે વાણિજ્ય દૂતાવાસ ખોલ્યું.

1952માં ભારત પણ ઇઝરાયલ ખાતે વાણિજ્ય દૂતાવાસ ખોલવા માગતું હતું, પરંતુ બાદમાં એ નિર્ણયને થોડા સમય માટે મોકૂફ કરી દેવામાં આવ્યો. જુલાઈ-1956માં ઇજિપ્તના રાષ્ટ્રપતિ નાસરે સુએઝ કૅનાલનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું, અગાઉ તેની માલિકી બ્રિટન અને ફ્રાન્સની હતી.

આ પછી ઇઝરાયલે ઇજિપ્ત ઉપર હુમલો કરી દીધો, બાદમાં બ્રિટન અને ફ્રાન્સ પણ તેમાં જોડાયા. આ યુદ્ધમાં ઇઝરાયલની ભૂમિકાને કારણે ભારતે ત્યાં પોતાનું વેપારી દૂતાવાસ ખોલવાનો વિચાર માંડી વાળ્યો.

આમ છતાં બંને દેશો વચ્ચેના કૂટનીતિક સંબંધ જળવાઈ રહ્યા હતા. 1968માં ઇન્ટેલિજન્સ બ્યૂરોથી અલગ રૉનું અસ્તિત્વ ઊભું થયું, એટલે ઇઝરાયલ સાથેના ગુપ્તચર સંબંધ વધવા લાગ્યા.

રક્ષા વિશેષજ્ઞ રાહુલ બેદીએ આ પહેલાં બીબીસીને જણાવ્યું : "1965 તથા 1971ના યુદ્ધ દરમિયાન ઇઝરાયલે ભારતને ગુપ્ત રીતે મદદ કરી હતી. ભારતના સુરક્ષા અથવા તો ગુપ્તચર અધિકારીઓ તુર્કી કે સાયપ્રસના માર્ગે ઇઝરાયલ પહોંચતા.

"જ્યાં તેમના પાસપૉર્ટ ઉપર ઇઝરાયલનો સિક્કો લાગતો ન હતો, પરંતુ તેમને એક કાગળ આપવામાં આવતો, જે ત્યાં ફરવા માટેનો પરવાનો બની રહેતો."

નવી દિલ્હીની નહેરુ લાઇબ્રેરી ખાતે 'હકસર પેપર'ને (ઇંદિરા ગાંધીના તત્કાલીન સલાહકાર પીએન હકસરના નામના આધારે) ટાંકતાં અમેરિકાના પત્રકાર ગૈરી જે બાસે પોતાના પુસ્તક 'બ્લડ ટેલિગ્રામ'માં લખ્યું છે: "ઇઝરાયલના વડાં પ્રધાન ગોલ્ડા મેયરે હથિયારોના સોદાગર શ્લોમો જબ્લુદોક્વિઝ મારફત ભારતને મૉર્ટાર તથા અન્ય કેટલાંક હથિયાર મોકલાવ્યાં હતાં."

"જ્યારે હકસરે વધુ હથિયારો માટે વાત કરી, ત્યારે ગોલ્ડાએ ખાતરી આપી હતી કે તેઓ હથિયારો આપવાનું ચાલુ રાખશે. ઇઝરાયલે આડકતરા અણસાર આપ્યા હતા કે મદદના બદલામાં ભારતે તેની સાથે કૂટનીતિક સંબંધ પ્રસ્થાપિત કરવા જોઈએ."

"પરંતુ ભારતે વિવેવકપૂર્ણ રીતે એવું જણાવ્યું હતું કે આમ કરવાથી સોવિયેતસંઘ નારાજ થઈ જશે, એટલે એમ કરવાનું માંડી વાળવામાં આવ્યું હતું."

હુમલા પહેલાં ઇરાકના ઑસિરાક પરમાણુમથકની તસવીર

1992માં ભારતે ઇઝરાયલ ખાતે દૂતાવાસ ખુલ્લું મૂક્યું હતું. 2000ની સાલમાં ભારતના તત્કાલીન ગૃહ મંત્રી લાલકૃષ્ણ અડવાણી ઇઝરાયલ ગયા. ભારતના કોઈ ઉચ્ચસ્તરીય પ્રધાનની આ પ્રથમ ઇઝરાયલ યાત્રા હતી.

2004માં યુપીએની સરકાર બની તે પછી ઇઝરાયલ વિદેશનીતિની પ્રાથમિકતામાં ન હતું.

2003માં ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયલની યાત્રા ખેડી હતી અને વડા પ્રધાન બન્યા, તે પેહલાં તેમણે ગુજરાત અને ઇઝરાયલ વચ્ચેના કૃષિ તથા ડેરીસંબંધોને મજબૂત કર્યા હતા.

2014માં તેઓ દેશના વડા પ્રધાન બન્યા અને બિન્યામિન નેતનયાહૂ ઇઝરાયલના વડા પ્રધાન બન્યા, તે પછી આ સંબંધ વધુ ગાઢ અને સુદૃઢ બન્યા છે. અગાઉ હીરા, દવા, કૃષિ કે ડેરી પૂરતા મર્યાદિત ન રહેતા સુરક્ષાબાબતોમાં પણ વ્યાપક રીતે વિસ્તર્યા છે.


અંતમાં આરંભ

જામનગર ઍરબેઝ ખાતેથી ઉડાણ ભરી રહેલા ભારતીય વિમાનની ફાઇલ તસવીર

વરિષ્ઠ અધિકારી કે સુબ્રમણ્યમ પોતાના પુસ્તક '1964-98 : અપર્સનલ રિકલેકશન'માં જણાવે છે કે પશ્ચિમી મીડિયામાં ભારત અને પાકિસ્તાનના પરમાણુમથકો ઉપર હુમલાના અહેવાલ વાંરવાર છપાતા રહેતા હતા, એટલે તેમણે રાજીવ ગાંધીને એકબીજાના પરમાણુમથક ઉપર હુમલા નહીં કરવાનું સૂચન કર્યું હતું.

1985માં ભારત અને પાકિસ્તાન એકબીજાના પરમાણુમથક ઉપર હુમલા નહીં કરવા માટે મૌખિક રીતે સહમત થયા. 1988માં તેની ઉપર ઔપચારિક રીતે સંધિ થઈ હતી. 1991માં તેને બહાલ કરવામાં આવી હતી.

1992થી અત્યારસુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે દર વર્ષની પહેલી તારીખે એકબીજાના અણુમથકોની યાદીની આપ-લે કરવામાં આવે છે.

એ જ અરસામાં રાજીવ ગાંધી ઇઝરાયલના વડા પ્રધાનને મળ્યા.

બે દેશ વચ્ચે વડા પ્રધાન કક્ષાની આ પ્રથમ મુલાકાત હતી.

ભારતમાં વીઆઈપી લોકોની સુરક્ષા માટે ગઠિત એનએસજી (નૅશનલ સિક્યૉરિટી ગાર્ડ્સ) તથા સ્પેશિયલ પ્રૉટેકશન ગ્રૂપ(એસપીજી)ને ઇઝરાયલના કમાન્ડોની તર્જ ઉપર તાલીમ આપવામાં આવી હતી. જેમાં ઇઝરાયલે ભારતના સુરક્ષાબળોને મદદ કરી હતી.

1998માં ભારતને પગલે પાકિસ્તાને પણ અણુપરીક્ષણ કર્યાં હતાં, પરંતુ તેમાં ગુપ્તતા રહેવા પામી ન હતી અને સેટેલાઇટ તસવીરો જાહેર થઈ ગઈ હતી અને પાકિસ્તાને પણ આંતરરાષ્ટ્રીય દબાણ છતાં પોતાનો નિર્ધારિત કાર્યક્રમ અટકાવ્યો ન હતો.

એ સમયે પણ પાકિસ્તાને દાવો કર્યો હતો કે ભારત અને ઇઝરાયલે મળીને તેના પરીક્ષણને અટકાવવા માટે પ્રયાસ કર્યા હતા અને ઇઝરાયલનાં વિમાનોએ બે વખત પાકિસ્તાની હવાઈસીમાનો ભંગ કર્યો હતો, પરંતુ ઇઝરાયલ તથા ભારતે આ આરોપોને નકારી દીધા હતા.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://youtu.be/xxN5izTThac

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Israel offers to blow up Pakistan's nuclear facility from Jamnagar airbase?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X