For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જહાંગીર : એ શરાબી મુઘલ બાદશાહ જેનું ખુદ સેનાપતિએ અપહરણ કર્યું હતું

જહાંગીર : એ શરાબી મુઘલ બાદશાહ જેનું ખુદ સેનાપતિએ અપહરણ કર્યું હતું

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
બાદશાહ જહાંગીરનું ચિત્ર

27 વર્ષની ઉંમર સુધી અકબરના જીવનની સૌથી મોટી કમનસીબી એ હતી કે તેમને કોઈ પુત્ર નહોતો. 1564માં એમને ત્યાં ભલે બે જોડિયા દીકરાઓનો જન્મ થયો પણ તેઓ માત્ર એક મહિના સુધી જ જીવી શક્યા.

અકબરે પોતાના પ્રિય સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીને તો એટલે સુધી કહ્યું હતું કે જો તમે મને એક દીકરો આપશો તો હું આગ્રાથી અજમેર પગપાળા આવી તમારી દરગાહ પર માથું ટેકવીશ.

અંતે ઈશ્વરે એમનો સાદ સાંભળ્યો અને એમના દરબારીઓએ એમને સમાચાર આપ્યા કે આગરાના પર્વત પર એક પીર સલીમ ચિશ્તી રહે છે, જે તમારી મહેચ્છા પૂર્ણ કરવા સમર્થ છે.

જહાંગીર પર એક પુસ્તક, 'ઍન ઇન્ટિમેટ પૉર્ટ્રેટ ઑફ અ ગ્રેટ મુગલ જહાંગીર' લખનારાં પાર્વતી શર્મા જણાવે છે, "દુનિયામાં એવી કોઈ ચીજ નહોતી કે જે અકબર પાસે નહોતી. બસ એમને શેર માટીની ખોટ હતી. તેઓ આ ગાળામાં સલીમ ચિશ્તી પાસે જવા માંડ્યા."

"એક દિવસ અકબરે એમને સીધું જ પૂછી લીધું, મારે ત્યાં કેટલા પુત્ર અવતરશે? તેમણે જવાબ આપ્યો ઇશ્વર તમને ત્રણ દીકરા આપશે. પણ પાછળથી ચિશ્તીના આશીર્વાદથી અવતરેલો આ દીકરો જ એમના મૃત્યુનું કારણ બન્યો."

શર્મા જણાવે છે, "એક વખત અકબરે તેમને પૂછી લીધું કે તમે આ દુનિયામાં કેટલા સમય સુધી રહેશો ત્યારે તેમણે જવાબ આપ્યો કે જ્યારે રાજકુંવર સલીમ કોઈ ચીજ પહેલી વખત યાદ કરી એનું ફરીથી પુનરાવર્તન કરશે એ દિવસે હું આ દુનિયામાંથી કૂચ કરી જઈશ."

"ઘણા વખત સુધી તો અકબરે સલીમને કશું ભણાવ્યું જ નહીં પણ એક દિવસ સલીમે કોઈની પાસેથી સાંભળેલી બે પંક્તિઓ ફરી કહી સંભળાવી. એજ દિવસે શેખ સલીમ ચિશ્તીની તબિયત લથડવા માંડી અને થોડાક દિવસોમાં તેમનું અવસાન થઈ ગયું."


સૌથી ઓછા ચર્ચાસ્પદ મુગલ

બાદશાહ જહાંગીરનું ચિત્ર

જહાંગીર માટે એમ કહેવામાં આવ છે કે તેઓ મહાન મુગલોમાં સૌથી ઓછા ચર્ચાસ્પદ મુગલ હતા.

તેઓ શરાબી હતા અને એમનું ધ્યાન સૈનિક અભિયાનો પર ઓછું અને કળા, જીવન અને સુખ-સાહેબીનો આનંદ ઉઠાવવા પર વધારે રહેતું. પણ શું જહાંગીર માટેનું આ મૂલ્યાંકન યોગ્ય છે ખરું?

દિલ્હી વિશ્વવિદ્યાલયની ભારતી કૉલેજમાં ઇતિહાસ ભણાવનારાં અનુભૂતિ મૌર્ય જણાવે છે, "બાબર બાદ જહાંગીર પહેલા મુગલ બાદશાહ હતા કે જેમણે પોતાની જિંદગી વિશે વિસ્તારથી જણાવ્યું છે."

"આપણે જ્યારે ઇતિહાસ ભણીએ છીએ ત્યારે મહાનતા અંગે જાણવા માગીએ છીએ. અને જહાંગીરે કોઈ મોટું સૈનિક અભિયાન હાથ ધર્યું નહોતું એટલે તે આપણી નજરમાંથી બાકાત થઈ જાય છે."

"મારી દૃષ્ટિએ જહાંગીર એક ઉમદા વ્યક્તિ હતા. કારણ કે તેઓ શું વિચારતા હતા તે અંગે આપણને એમની આત્મકથામાંથી વિસ્તૃતપણે જાણવા મળે છે. સાથે-સાથે તેઓ એમના વખતની 'પ્રૉડ્કટ' હતા."

તેઓ જણાવે છે, "એક રીતે તે એમના જમાનાની એક ડોકાબારી સમાન હતા કે જેના દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે સત્તરમી સદીમાં માણસ શું વિચારતો હશે."

"જહાંગીર મોટે ભાગે અકલ અને નકલ એટલે કે તર્કને આધારે પોતાની આસપાસની દુનિયાનું મૂલ્યાંકન કરતા અને ચકાસતા હતા."


દિવસના 20 કપ દારુ પીતા હતા

બાદશાહ જહાંગીરનું ચિત્ર

જહાંગીર વિશે એ જાણીતું હતું કે તેઓ શરાબ અને સ્ત્રીના શોખીન હતા. તેમણે પોતાની આત્મકથા 'તુઝૂકે-જહાંગીર' માં લખ્યું છે કે તેઓ એક જ વખતે શરાબના 20 પ્યાલા ગટગટાવી જતા હતા.

જોકે, પાછળથી તેમણે આ સંખ્યા ઘટાડીને 6 ગ્લાસ કરી દીધી હતી.

પાર્વતી શર્મા જણાવે છે, "તેમણે જાતે જ જણાવ્યું છે કે તેઓ જ્યારે 18 વર્ષના હતા ત્યારે તેઓ એક વખત શિકાર પર ગયા હતા. એમણે થાક લાગ્યો. અને કોઈએ કહ્યું કે થોડી શરાબ પી લો તો તમારો થાક ઊતરી જશે, તેમણે ત્યારે શરાબ પીધો અને એમને ખૂબ પસંદ પડ્યો."

"પછી તો તે દરરોજ શરાબ પીવા લાગ્યા. જહાંગીરના બન્ને ભાઈઓને પણ શરાબની લત લાગી ગઈ અને એમનું મૃત્યુ શરાબને કારણે જ થયું."

તેઓ જણાવે છે, "બાબર પણ શરાબ પીતા હતા. અકબર પણ કોઈકોઈ વખતે શરાબનો સ્વાદ ચાખી લેતા. પણ શાહજહાંએ તો ક્યારેય પણ શરાબને હાથ લગાડ્યો નહોતો."

"અને જહાંગીરને એ જ વાતનો વસવસો હતો કે એમનો પુત્ર 24 વર્ષનો થઈ ગયો છે અને આજ સુધી શરાબને હાથ સુધ્ધાં લગાડ્યો નથી. આવું બને જ કેવી રીતે?"

જહાંગીરે અબુલ ફઝલની હત્યા કરાવી

બાદશાહ જહાંગીરનું ચિત્ર

અકબર અને જહાંગીરના સંબંધો ક્યારેય સરળ રહ્યા નહોતા.

એમાં કડવાશ ત્યારે આવી ગઈ જ્યારે જહાંગીરે, અકબરના એકદમ નજીક ગણાતા અને એમની જીવનગાથા લખનાર અબુલ ફઝલ જ્યારે દક્ષિણથી આગ્રા આવી રહ્યા હતા ત્યારે ઓરછાના રાજા વીર સિંહ દેવ દ્વારા તેમની હત્યા કરાવી.

આ હત્યાનું સૌથી જીવંત વર્ણન અસદ બેગે પાતાના વૃતાંત 'વાક-એ- અસદ બેગ'માં કર્યું છે.

બેગ જણાવે છે, "વીર સિંહના દરેક સિપાહીએ કવચ પહેરી રાખ્યાં હતાં. એમની તલવારો અને ભાલા હવામાં વીજળીની જેમ ચમકી રહ્યાં હતાં. પૂરઝડપે ભાગી રહેલા એક રાજપૂત ઘોડેસવારે અબુલ ફઝલ પર બરછીનો ઘા એટલી તીવ્રતાથી કર્યો કે તે શરીરના બીજા ભાગમાંથી બહાર નીકળી ગઈ.

"ફઝલ નીચે પડી ગયા અને એમના શરીરમાંથી લોહી વહેવાં માંડ્યું. એમનો પોતાનો ઘોડો જ એમના પરથી એમને કચડતો નીકળી ગયો. પણ આશ્ચર્યની વાત છે કે ઘોડાના વજનથી એમનું મૃત્યુ ન થયું."

"ફઝલ જીવતા જ હતા અને વીર સિંહ ત્યાં પહોંચી ગયા. તે એમની બાજુમાં બેસી ગયા. તેમણે પોતાના ખિસ્સામાંથી એક સફેદ કપડું કાઢ્યું અને ફઝલના શરીરમાંથી નીકળી રહેલું લોહી લૂછ્યું."

"આ જ વખતે ફઝલે પોતાની સમગ્ર તાકાત લગાડી બુંદેલાના પ્રમુખની છેતરપિંડી માટે તેમની ઝાટકણી કાઢી. તરત જ વીર સિંહે પોતાની તલવાર કાઢી અને એક જ ઝાટકે અબુલ ફઝલનું માથું ધડથી અલગ કરી દીધું."


જહાંગીરને ફઝલ બાદશાહ બનાવવા માગતા ન હતા

રેહાન ફઝલ સાથે અનુભૂતિ મૌર્ય

તથ્ય એ છે કે અબુલ ફઝલની નજરમાં જહાંગીરનું કોઈ ખાસ સ્થાન નહોતું. પણ શું આ જ કારણ હતું એમની હત્યા પાછળનું?

અનુભૂતિ મૌર્ય જણાવે છે, "એક રાજરમત ચાલી રહી હતી કે ગાદી પર કોણ બેસશે. અકબરની શક્તિ જર્જરિત થઈ રહી હતી. તેઓ થાકી ગયા હતા અને જહાંગીરને હવે આવનારી પેઢી સાથે લડવાનું હતું ."

અનુભૂતિ જણાવે છે, "જ્યારે અકબરને ખબર પડી કે અબુલ ફઝલનું મૃત્યુ થઈ ગયું છે તો તેઓ મૂર્છિત થઈ ગયા. જહાંગીર બિલકુલ ખેદ વગર પોતાની આત્મકથામાં લખે છે કે આ મેં જ કર્યું."

"અંતમાં જ્યારે જહાંગીર,અબુલ ફઝલના દીકરાને મળે છે ત્યારે પણ તેમના મનમાં કોઈ અપરાધભાવ હોતો નથી. તેઓ સ્પષ્ટ લખે છે કે તેમનો હેતુ હતો રાજા બનવાનો. જો અબુલ ફઝલ પાછા દરબારમાં પહોંચી જતા તો હું રાજા બની ના શક્યો હોત.."

તેઓ જણાવે છે, "રોમાંચક વાત તો એ છે કે પાછળથી અબુલ ફઝલના દીકરા, જહાંગીરના ભરોસાપાત્ર મંત્રી બની રહે છે."

જહાંગીરની ક્રૂરતા

બાદશાહ જહાંગીરનું ચિત્ર

17 ઑક્ટોબર,1605ના રોજ અકબરનું અવસાન થયું અને જહાંગીર મુગલ ગાદી પર આરૂઢ થયા. એમના વિશે એમ માનવામાં આવે છે કે તેઓ એકદમ 'મનસ્વી' બાદશાહ હતા. કોઈ વખતે તેમની ઉદારતા દૃષ્ટિગોચર થતી તો કોઈ વખતે તેમની ક્રૂરતા પણ નજરે ચઢતી હતી.

તેમની ક્રૂરતાનું વિગતવાર વર્ણન એલિસન બેન્ક્સ ફિડલીએ પોતાના પુસ્તક 'નૂરજહા : ઍપરેન્સ ઑફ મુગલ ઇન્ડિયા 'માં કરવામાં આવ્યું છે.

તેઓ જણાવે છે, "જહાંગીરે પોતાના એક નોકરનો અંગૂઠો માત્ર એટલા માટે કપાવી નખાવ્યો કારણ કે એને નદી કિનારે ઊછેરવામાં આવેલાં કેટલાંક ચંપાનાં વૃક્ષ કપાવી નખાવ્યાં હતાં.

https://www.youtube.com/watch?v=S1vJCBXpaYA

"એમણે નૂરજહાની એક દાસીને પણ ખાડામાં દફનાવી દેવડાવી હતી. એનો ગુનો માત્ર એટલો જ હતો કે એક કિન્નરને ચુંબન આપતા પકડાઈ ગઈ હતી."

"એક વ્યક્તિને તેના પિતાની હત્યાની સજારૂપે હાથીના પાછલા પગ સાથે બાંધી કેટલાય માઇલ સુધી ઢસડવામાં આવ્યો હતો."

"પોતાના દીકરા ખુસરોને પણ બગાવત કરવા બદલ મોતની સજા આપવાને બદલે એની આંખો ફોડી નખાવી હતી."

"ભાગ્યે જ એવું થયું હશે કે જહાંગીરે એક વખત સજા આપ્યા બાદ પોતાની સજા બદલી હોય. હા, દીકરાની આંખો ફોડી નખાવ્યા બાદ તેમણે ખુસરોની આંખની સારવાર પણ કરાવી હતી પણ તેમની આંખની રોશની પાછી આવી નહોતી."


નૂરજહા અને કબૂતરની કહાણી

જહાંગીરને દારુ પીવડવતા લોકો

ગાદી સંભાળ્યાંનાં 6 વર્ષ બાદ 42 વર્ષની ઉંમરમાં જહાંગીરે નૂરજહા સાથે લગ્ન કર્યા હતા. એ સમયે નૂરજહાના પ્રથમ પતિ શેર અફઘન ગુજરી ગયા હતા અને તેમની ઉંમર 34 વર્ષની હતી.

જહાંગીર અને નૂરજહાના પ્રણયની શરૂઆતનું રોમાંચક વર્ણન કરતાં રૂબી લાલ પોતાના પુસ્તક 'ઍન્પ્રેસ : ધ એસ્ટૉનિશિંગ રેન ઑફ નૂરજહાં' માં લખે છે, "જ્યારે બાદશાહ જહાંગીર બગીચામાં આવ્યા ત્યારે એમના હાથમાં કબૂતરની એક જોડ હતી."

"તે વખતે જ એક અત્યંત સુંદર ફૂલ એમની નજરે ચઢ્યું. તેઓ એને તોડવા માગતા હતા પણ એમનો એક પણ હાથ ખાલી નહોતો. ત્યારે એક સુંદર મહિલા ત્યાંથી પસાર થઈ."

તેઓ આગળ લખે છે, "જહાંગીર એ મહિલાના બન્ને હાથમાં કબૂતર પકડાવી ફૂલ તોડવા માટે પાછા વળ્યા. જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે મહિલાના હાથમાં એક જ કબૂતર હતું."

"એમણે બીજા કબૂતર વિશે પૂછ્યું ત્યારે મહિલાએ જવાબ આપ્યો, 'મહામહિમ એ તો ઊડી ગયું'. બાદશાહે પૂછ્યું, 'કેવી રીતે'. તો એ મહિલાએ હાથ લાંબો કરી બીજા કબૂતરને પણ ઉડાવી દીધું અને જણાવ્યું, આ રીતે."


જહાંગીર અને નૂરજહાંની બળદગાડી પર સવારી

નૂરજહાં

જહાંગીર અને નૂરજહાંની એક રસપ્રદ વાત અંગે, જહાંગીરના દરબારમાં દૂત રહેલા સર ટૉમસ રોએ પોતાના પત્રોમાં જણાવ્યું છે.

પાર્વતી શર્મા જણાવે છે, "એક રાત્રે સર ટૉમસ રોને જહાંગીરને મળવાની ઇચ્છા થઈ. એમણે આખો દિવસ રાહ જોઈ. જહાંગીર શિકાર કરવા ગયા હતા. અંધારું થતાં જ મશાલો સળગાવવામાં આવી."

"ત્યારે એકદમ જ હુકમ કરવામાં આવ્યો કે તમામ મશાલો બુઝાવી દેવામાં આવે. કારણ કે રસ્તામાં જહાંગીરને એક બળદગાડું મળ્યું હતું અને એમની બળદગાડું ચલાવવાની ઇચ્છા થઈ હતી."

"તેઓ ગાડામાં બેઠા અને નૂરજહાંને પણ તેમાં બેસાડ્યાં અને પછી ગાડું ચલાવીને તેઓ શિબિર ભણી હંકારી લાવ્યા. મને આ દૃશ્ય ખૂબ ગમે છે કે મુગલ શાસનના બાદશાહ જહાંગીર બળદગાડું હંકારતા હોય અને એમની પડખે નૂરજહા બેઠેલાં હોય."


સ્નાનાગારમાં બેઠક અને મધરાત્રે ભોજન

પિતા અકબર સાથે જહાંગીર

જહાંગીરે શેરશાહ સૂરીની જૂની પ્રથા જાળવી રાખી હતી. અને તે હતી બાદશાહે પોતાની મહત્ત્વની બેઠકો પોતાના નહાવાના ઓરડા એટલે સ્નાનાઘરમાં ગોઠવવી.

કારણ એ હતું કે શેરશાહના વાળ ખૂબ વાંકડિયા હતા અને સુકાવવામાં ઘણો સમય પસાર થઈ જતો. જહાંગીર તો એમના વાળ પણ સ્નાનાઘરમાં જ કપાવતા હતા.

પાર્વતી શર્મા જણાવે છે, "જહાંગીર સવારમાં સૂરજ ઊગતાં પહેલાં જ ઊઠી જતા હતા. અને પછી તેમની જનતાને મળતા હતા."

"બાદમાં તેઓ અંદર જઈ નાસ્તો કરતા અને પછી આરામ કરતા હતા. બપોરે એમનો જાહેર દરબાર ભરાતો હતો."

"સાંજે તેઓ પોતાના સ્નાનઘરમાં જ દરબારના ખાસ લોકો સાથે બેસી શરાબ પીતા અને વાતચીત કરતા હતા. ત્યારબાદ તેઓ ઊંઘવા માટે ચાલ્યા જતા અને પછી અડધી રાત્રે ઊઠી રાતનું ભોજન લેતા હતા."


ગુરુ અર્જન દેવને સજા-એ-મોત

દરબારમાં સુનાવણીનું દૃશ્ય

જહાંગીર શીખ ગુરુ અર્જન દેવ એ વાત પર નારાજ હતા કે તેમણે બગાવત કરી રહેલા એમના પુત્રની મદદ કરી હતી.

જાણીતા ઇતિહાસકાર મુનીલાલ, જહાંગીર વિશેની જીવનકથામાં લખે છે, "ગુસ્સામાં તપેલા જહાંગીરે ગુરુ અર્જન દેવને કહ્યું કે તમે સંત છો અને પવિત્ર વ્યક્તિ છો. તમારા માટે અમીર અને ગરીબ સૌ સરખા છે."

"આવા સંજોગોમાં તમે મારા દુશ્મન ખુસરોને પૈસા કેમ આપ્યા? ગુરુએ કહ્યું કે મેં એને પૈસા એટલા માટે આપ્યા કે તે મુસાફરી પર નીકળ્યો હતો એટલા માટે નહીં કે તે તમારો વિરોધી હતો. અને જો હું તેને પૈસા ના આપતો તો લોકો મને ઘૃણાની નજરે નિહાળતા અને કહેતા કે મેં તમારી બીકે એને પૈસા નથી આપ્યા અને સમગ્ર સંસારમાં હું ગુરુ નાનકના શિષ્ય કહેવડાવવાને લાયક પણ ના રહેતો."

તેઓ જણાવે છે, "ગુરુ નાનકનો ઉલ્લેખ આવતા જ જહાંગીર નારાજ થઈ ગયા. એમણે ગુરુ અર્જન દેવ પર 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો અને કહ્યું કે તેઓ ગુરુ ગ્રંથસાહેબમાંથી એ ભાગને હઠાવી દે કે જેને કારણે હિંદુ-મુસ્લિમની લાગણીઓને ઠેંસ પહોંચે છે."

આ અંગે ગુરુ અર્જન દેવે જવાબ આપ્યો, "મારી પાસે જે પણ પૈસા છે તે ગરીબો માટે જ છે જો તમે એ બધા જ માગો તો હું તમને એ આપી શકું છું. પણ દંડ સ્વરૂપે હું તમને એક પણ પૈસો નહીં આપું. કારણ કે દંડ તો કપટી અને સંસારમાં રહેતા લોકો પર લગાડવામાં આવે છે ,સાધુ-સંતો પર નહીં."

"જહાંગીરે કોઈ જવાબ ન આપ્યો. તેઓ દરબારમાંથી ઊઠીને જતા રહ્યા. બે દિવસ બાદ ગુરુ અર્જુન દેવની ધરપકડ કરી લેવામાં આવી અને અંધારી કોટડીમાં પૂરી દેવામાં આવ્યા. ત્રણ દિવસ બાદ એમને રાવી નદીને કિનારે લઈ જઈ મારી નાખવામાં આવ્યા."


સેનાપતિએ જ જહાંગીરનું અપહરણ કર્યું

પેશાવરસ્થિત મકબરો

જહાંગીરના શાસનની એક રસપ્રદ ઘટના એ છે કે જ્યારે એમના જ સેનાપતિ મહાબત ખાંએ એમનું અપહરણ કર્યું હતું.

અનુભૂતિ મૌર્ય જણાવે છે, "એમણે બાદશાહને કેદ તો કરી જ લીધા સાથે-સાથે એમની ગાદી પરથી ઉઠાવી દઈ પોતાની પાસે રાખ્યા હતા. વળી તેમણે બાદશાહને હાથી પર બેસાડ્યા અને જે એમની માન-મર્યાદાનાં તમામ પ્રતીકોને જાળવી રાખ્યાં હતાં."

"બચાવવા માટે આવેલી નૂરજહા અને પછી મહાબત ખાં પણ ભાગી જાય છે. આખી ઘટનામાં 'ઍક્શન' જહાંગીર પાસે નથી, 'ઍક્શન'નો દોરીસંચાર જહાંગીરના હાથમાં નહોતો. આ દરમિયાન સૌ એમની સાથે આદરભર્યું વર્તન કરે છે."

"પણ એ સ્પષ્ટ હતું કે તેઓ સિંહાસન પર બિરાજમાન નહોતા. આ દરમિયાન મહાબત ખાં એમની સામે પણ આવતા રહે છે અને જહાંગીર એમની સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરે છે."

"મહાબત ખાં કોઈ જગ્યાએ એમ નથી કહેતા જણાતા કે હું જ બાદશાહ છું. તેઓ માત્ર એટલું જ કહેતા જણાય છે કે તમે ખોટી આદતોમાં સપડાયેલા છો અને હું તમને એનાથી બચાવી રહ્યો છું. "


આંતરડાંને દફનાવવામાં આવ્યાં

જહાંગીરનો મકબરો

જોકે, નૂરજહાની મદદ વડે જહાંગીર આ કેદમાંથી ગમે તેમ કરી બહાર તો નીકળી જાય છે. પણ ત્યાં સુધી એમની તબિયત લથડવાની શરૂઆત થઈ ચૂકી હોય છે.

28 ઑક્ટોબર, 1627ના રોજ રાજોરી અને ભિંભર વચ્ચે 58 વર્ષની ઉંમરમાં જહાંગીરે આ દુનિયામાંથી પ્રયાણ કરી લીધું.

જ્યારે નૂરજહા તેમને એ દિવસે જગાડવા આવ્યાં ત્યારે જહાંગીર પોતાની આંખો ખોલતાં ન હતાં. નૂરજહાંની આંખોમાંથી આંસૂ સરી પડ્યાં અને મૌલાના હિસામ-ઉદ્દી બાદશાહની આત્મા માટે પ્રાર્થના કરવાં લાગ્યાં.

અનુભૂતિ મૌર્ય જણાવે છે, "જે વર્ણન પ્રાપ્ત છે એ અનુસાર જાણવા મળે છે કે તેમને દમની બીમારી હતી. ઉત્તર ભારતની ધૂળ અને ગરમી તેઓ સહન કરી શકતા નહોતા."

"આનાથી બચવા માટે તેઓ પોતાના જીવનનાં અંતિમ વર્ષોમાં કાશ્મીર જતા રહ્યા હતા. તેઓ ગયા ત્યારે એમણે કહ્યું હતું કે જે લોકો તેમના મૃત્યુની પ્રતીક્ષા કરી રહ્યા છે તે પણ તેમની સાથે જાય.

"નૂરજહા તો તેમની સાથે ગયાં, એમના જમાઈ શહરયાર અને આસિફ ખાંને પણ એમની સાથે જવું પડ્યું. જ્યારે તેઓ રાજોરીના માર્ગે પાછા આવવા નીકળ્યા ત્યારે તેઓ કંઈ પણ ખાઈ-પી શકતા નહોતા."

તેઓ જણાવે છે, "ચંગેઝઘટ્ટી નામના એ સ્થળે જહાંગીર આ દુનિયા છોડી ચાલ્યા ગયા. જ્યારે તેમનું અવસાન થયું ત્યારે તેમના શરીર પર લેપ લગાડવામાં આવ્યો."

"એમનાં આંતરડાને એમના શરીરમાંથી કાઢી ત્યાં જ દફનાવી દેવામાં આવ્યાં. બાદમાં જહાંગીરના શરીરને બેઠેલી મુદ્રામાં જ પાલખીમાં બેસાડી લાહોર લઈ જવામાં આવ્યું અને ત્યાં રાજકીય સન્માન સાથે મૃતદેહનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું. "

https://www.youtube.com/watch?v=OuBlVBuq-KQ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Jahangir: The drunken Mughal emperor who was kidnapped by the his own general
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X