જમ્મુ કાશ્મીરના 21 ઘરો અને મસ્જિદોમાં આવી તિરાડો, રેડ એલર્ટ જારી
ડોડા જિલ્લાના નાઈ બસ્તી વિસ્તારમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે અને તિરાડો પડી જતાં અત્યાર સુધીમાં 21 ઘરોને ખાલી કરાવવામાં આવ્યા છે. સરકારે જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની એક ટીમ મોકલી અને તેઓ તેમનો અભ્યાસ કરી રહ્યાં છે.
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં જોશીમઠ જેવી સ્થિતિ સર્જાઈ છે અને અહીંથી પણ ભયાનક તસવીરો સામે આવી રહી છે. અહીં સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે અત્યાર સુધીમાં 19 ઘરો, એક મસ્જિદ અને એક મદરેસાને ખાલી કરાવવામાં આવ્યા છે. કારણ કે, તેમાં મોટી અને જાડી તિરાડો આવી ગઈ છે. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો ત્યાં જ વહીવટી અધિકારીઓએ નવી બસ્તી વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

મીડિયાને માહિતી આપતા ડોડા જિલ્લાના એસડીએમ અથર અમીન ઝરગરે કહ્યું કે, ગઈકાલે રાત્રે અચાનક સ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ હતી. અત્યાર સુધીમાં 19 ઘરો, એક મસ્જિદ અને એક મદરેસાને ખાલી કરાવવામાં આવ્યા છે. આ વિસ્તારમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જો સમસ્યા વધશે તો વધુ મકાનો ખાલી કરાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે વરિષ્ઠ અધિકારીઓની ટીમ નિયમિતપણે સ્થિતિ પર નજર રાખી રહી છે. તો ત્યાં જ જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે.
એસડીએમ અથર અમીન ઝરગરે વધુમાં જણાવ્યું હતું કે, 'ભારતીય જિયોલોજિકલ સર્વેની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તેઓ તેમનો અભ્યાસ કરી રહ્યા છે. અભ્યાસ બાદ તે પોતાનો રિપોર્ટ સરકારને સોંપશે. તે જ સમયે, જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ જણાવ્યું કે કેટલાક વૈજ્ઞાનિકોની ટીમ અભ્યાસ માટે આવી છે. કેટલીક ઇમારતો ખાલી કરાવવામાં આવી છે. વહીવટીતંત્રની તીખી નજર છે. આપણે વૈજ્ઞાનિકોના અભિપ્રાય પર વિશ્વાસ કરવો જોઈએ.
ડોડા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર છેલ્લા ચાર-પાંચ દિવસમાં તિરાડો વધુ પહોળી થઈ છે. જો કે જમીન ધસી પડવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તો બીજી તરફ ડોડા એસડીએમએ જોશીમઠ જેવી સ્થિતિને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે ભૂસ્ખલનને કારણે સમસ્યા આવી છે. ચિનાબ વેલી પાવર પ્રોજેક્ટ્સ અને નેશનલ હાઈવે ઓથોરિટીના ભૂસ્તરશાસ્ત્રીઓએ પણ સ્થળનું નિરીક્ષણ કર્યું છે. દરમિયાન, વહીવટીતંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા અસ્થાયી આવાસમાં સ્થળાંતર કરાયેલા કેટલાક લોકો તેમના વડીલોના ઘરે પરત ફર્યા છે.
ગામની ઝાહિદા બેગમે જણાવ્યું કે તે 15 વર્ષથી ગામમાં રહે છે, પરંતુ પાકાં મકાનમાં તિરાડો જોઈને આશ્ચર્ય થાય છે. ગુરુવારે ભૂસ્ખલન થયા બાદ ત્યાં તિરાડો પડી છે. તેમણે યોગ્ય પુનર્વસનની માંગ કરી છે. અન્ય એક ગ્રામીણ ફારૂક અહેમદે કહ્યું કે વહીવટીતંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓએ અસરગ્રસ્ત લોકોના પરિવારોની મદદ માટે આગળ આવવું જોઈએ.












Click it and Unblock the Notifications
