Jharkhand Election 2024 : ઝારખંડમાં પહેલા ચરણનું મતદાન પુર્ણ, જાણો ક્યાં કેટલુ મતદાન થયુ?
Jharkhand Assembly Election 2024 : ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે પહેલા ચરણનું મતદાન પુર્ણ થઈ ગયુ છે. ચરણમાં 43 સીટો પર ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં કેદ થયુ છે.
ઈલેક્શન કમિશનના આંકડા અનુસાર, રાજ્યમાં પહેલા ચરણના મતદાનમાં 5 વાગ્યા સુધીમાં 64.86 ટકા મતદાન નોંધાયુ છે. આ વખતે ગઈ ચૂંટણી કરતા વધારે મતદાન થયુ છે.

જણાવી દઈએ કે, 2019માં રાજ્યમાં 63.90 ટકા મતદાન થયું હતું. જો કે હજુ અંતિમ ડેટા આવે ત્યારે શક્ય છે કે 1 થી 1.5 ટકાનો વધારો જોવા મળશે.
5 વાગ્યા સુધીના આંકડાઓ પર વિગતે નજર કરીએ તો, ચત્રામાં 63.26 ટકા, પૂર્વ સિંઘભૂમમાં 64.87 ટકા અને ગુમલામાં 69.01 ટકા મતદાન થયું છે. આ સિવાય લોહરદગામાં સૌથી વધુ 73.21 ટકા મતદાન નોંધાયું. આ પછી સરાઈકેલા-ખારસાવનમાં 72.19 ટકા મતદાન થયું અને હજારીબાગમાં સૌથી ઓછું 59.13 ટકા મતદાન નોંધાયુ.
રાજ્યમાં 43 સીટોમાંથી 17 સામાન્ય, 20 અનુસૂચિત જનજાતિ અને છ અનુસૂચિત જાતિ માટે રિઝર્વ છે. મતદાન માટે 15,344 મતદાન મથકો બનાવવામાં આવ્યા હતા અને તેમાંથી 1152 મહિલાઓ દ્વારા સંચાલિત હતા. 24 બૂથોનું સંચાલન વિકલાંગો દ્વારા કરવામાં આવ્યુ.
પ્રથમ તબક્કામાં 43 બેઠકો માટે 683 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી માત્ર 73 મહિલાઓ છે. પ્રથમ તબક્કામાં હોટ સીટોમાં ચંપાઈ સરાયકેલા, રાંચી, જમશેદપુર પશ્ચિમ, જગન્નાથપુર અને જમશેદપુર પૂર્વનો સમાવેશ થાય છે.
રાંચીમાં ભાજપના નેતા ચંન્દેશ્વર પ્રસાદ સિંહ અને જેએમએમના મહુઆ માંઝી વચ્ચે મુકાબલો છે. જગન્નાથપુરમાં ભાજપના ગીતા કોડા અને કોંગ્રેસ નેતા સોના રામ આમને-સામને છે. જમશેદપુર પૂર્વમાં કોંગ્રેસના અજય કુમારનો સામનો પૂર્ણિમા દાસ સાથે છે, જે રઘુબર દાસની વહુ છે. જમશેદપુર પશ્ચિમથી મંત્રી બન્ના ગુપ્તા JDUના સરયૂ રાય સામે ચૂંટણી લડી રહ્યા છે.












Click it and Unblock the Notifications
