Karnataka Election : સિદ્ધારમૈયાનો મોટો દાવો, કહ્યું કોંગ્રેસને 60 ટકા મત મળશે
કર્ણાટકમાં મતદાન ચાલી રહ્યું છે અને લોકો મત આપવા માટે મતદાન મથક પર પહોંચી રહ્યા છે. મતદાન વચ્ચે કોંગ્રેસે ફરીથી જીતનો દાવો દોહરાવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ દાવો કર્યો કે કોંગ્રેસને 60 ટકા મત મળશે.
સિદ્ધારમૈયાએ કહ્યું કે, પાર્ટીને મતદારોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. કોંગ્રેસને 60 ટકાથી વધુ વોટ મળશે અને કોંગ્રેસ પોતાના દમ પર સરકાર બનાવશે. આ મારી છેલ્લી ચૂંટણી છે પરંતુ હું રાજકારણમાંથી સંન્યાસ નહીં લઉ.

અહીં પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મોટો દાવો કરતા કહ્યું કે, કોંગ્રેસ 130થી વધુ સીટો જીતશે. પરંતુ આ આંકડો 150ને પાર પણ જઈ શકે છે. સિદ્ધારમૈયાએ કહ્યું છે કે મતદારોને અપીલ છે કે તે જે પાર્ટી તેમના માટે કામ કરે તેને સમજદારીથી મત આપે. કર્ણાટકની ચૂંટણી સાથે દેશનું ભવિષ્ય જોડાયેલું છે.
અહીં તમને જણાવી દઈએ કે, કર્ણાટકમાં 224 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. 2024 લોકસભા ચૂંટણી પહેલા આ ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ મનાઈ રહી છે. રાજ્યમાં બીજેપી અને કોંગ્રેસ બંનેએ પુરી તાકાત લગાવી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજ્યમાં સત્તા જાળવવા 19 રેલી અને 6 રોડ શો કર્યા છે.
આ વખતે ચાર વર્ષ બાદ સોનિયા ગાંધી પણ ચૂંટણી રેલી માટે પહોંચ્યા હતા. સોનિયા હજુ પણ કોંગ્રેસના ભવિષ્યને લઈને ચિંતિત છે. રાજ્યની ત્રીજી મોટી પાર્ટી જેડીએસે પણ પરસેવો પાડ્યો છે.
આ સિવાય આમ આદમી પાર્ટી હવે રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે અને કર્ણાટકમાં ચૂંટણી લડી રહી છે. હવે જોવાનું એ રહે છે કે અહીં ખાતુ ખોલાવવામાં સફળ થાય છે કે કેમ?












Click it and Unblock the Notifications
