Karnataka New CM : સિદ્ધારમૈયા બનશે કર્ણાટકના મુખ્યમંત્રી, કાલે લઇ શકે છે શપથ - સુત્ર
Karnataka New CM: વર્તમાન સમયમાં રાજકારણમાં એક જ સવાલ સળગી રહ્યો છે કે, કર્ણાટકના આગાની મુખ્યમંત્રી કોણ હશે? આ વચ્ચે સુત્રો પાસેથી માહિતી મળી છે કે, કોંગ્રેસ હાઇ કમાન્ડે મુખ્યમંત્રીની પસંદગી કરી લીધી છે, તેમણે સિદ્ધારમૈયા પર આ કળશ ઢોળ્યો છે.
આ સાથે એવી પણ માહિતી મળી રહી છે કે, સિદ્ધારમૈયા 18 મેના રોજ મુખ્યમંત્રી પદ માટે શપથ ગ્રહણ કરી શકે છે. આ સાથે સુત્રો દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, ડીકે શિવકુમારને ડેપ્યુટી સીએમ પદ માટે રાજી કરી લેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા કર્ણાટકના આઉટગોઇંગ મુખ્યમંત્રી અને ભાજપના નેતા બસવરાજ બોમાઈએ જણાવ્યું હતું કે, બહુમતી મળવા છતાં કોંગ્રેસે હજુ સુધી પોતાના મુખ્યમંત્રીના ઉમેદવારને ફાઈનલ કરી નથી. આ પાર્ટીની આંતરિક સ્થિતિ દર્શાવે છે. રાજનીતિ કરતાં લોકોની આકાંક્ષાઓ વધુ મહત્વની છે. કોંગ્રેસે શક્ય તેટલી વહેલી તકે સીએમની પસંદગી કરવી જોઈએ.
મળતી માહિતી મુજબ આજે દિલ્હીમાં બપોરે 1.30 કલાકે કોંગ્રેસની બેઠક યોજાવા જઈ રહી છે. માનવામાં આવે છે કે, આ બેઠક બાદ પાર્ટી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરશે. આ સાથે શપથ ગ્રહણ માટે કાંતિરવા સ્ટેડિયમમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પાર્ટીના કાર્યકરો અને કર્મચારીઓએ શપથગ્રહણ સમારોહની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
મળતી માહિતી મુજબ આ બેઠકમાં રાહુલ ગાંધી, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે, સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર હાજર રહેશે. હાલ ડીકે શિવકુમાર રાહુલ ગાંધીને મળવા 10 જનપથ પહોંચ્યા છે. બેંગ્લોરમાં સિદ્ધારમૈયાના ઘરની બહાર કાર્યકરોને એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સિદ્ધારમૈયાના ઘરે મીઠાઈ વહેંચવામાં આવી છે. ત્યાં સિદ્ધારમૈયાના સમર્થકોએ ઉજવણી શરૂ કરી દીધી છે. કર્ણાટકમાં સિદ્ધારમૈયાના પોસ્ટરને તેમના સમર્થકો દૂધથી સ્નાન કરાવતા જોવા મળ્યા હતા.
ડીકે શિવકુમારને મળવા પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયા બુધવારના રોજ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ મળ્યા હતા. આ પહેલા મંગળવારના રોજ પણ કોંગ્રેસ હાઈકમાન્ડે કર્ણાટકના મુખ્યમંત્રીની પસંદગી કરવા માટે ઘણું મંથન કર્યું હતું. દિવસભર બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ સૌથી પહેલા રાહુલ ગાંધી સાથે વાતચીત કરી હતી. આ પછી ખરગે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારને મળ્યા હતા.
આ અગાઉ, સોમવારના રોજ પણ પાર્ટી અધ્યક્ષે કર્ણાટકના ત્રણેય નિરીક્ષકો સાથે વાતચીત કરી હતી અને આ સંદર્ભે તેઓ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને પણ મળ્યા હતા. નવા ચૂંટાયેલા ધારાસભ્યોના અભિપ્રાયના આધારે તૈયાર કરાયેલા અહેવાલ નિરીક્ષકો દ્વારા સોંપવામાં આવ્યો હતો. જે બાદ આ ચર્ચા થઈ હતી.












Click it and Unblock the Notifications
