દિલ્હી વટહુકમના વિરોધમાં કેજરીવાલ નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરશે, જાણો શું કહ્યું?
દિલ્હી અને કેન્દ્ર સરકારની લડાઈ ફરી એક વખત ચરમ પર છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને પલટાવવા માટે કેન્દ્ર સરકાર વટહુકમ લઈને આવી છે ત્યારે કેજરીવાલ રોષે ભરાયા છે. હવે કેજરીવાલે નીતિ આયોગની બેઠકમાં ભાગ નહીં લેવાની જાહેરાત કરી છે.
શનિવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠક માટે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને આમંત્રણ મોકલાયા છે. જો કે હવે આ આમંત્રણ બાદ આમ આદમી પાર્ટીએ બેઠકનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.

આ મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે નીતિ આયોગની બેઠકમાં ભાગ નહીં લેવાની વાત કરી છે. કેજરીવાલે આ પત્રમાં લખ્યું કે, જનતા પૂછી રહી છે કે જો વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન ન કરે તો લોકો ન્યાય માટે ક્યાં જાય? જ્યારે સંઘવાદ મજાક હોય ત્યારે નીતિ આયોગની બેઠકમાં હાજરી આપવાનો શું અર્થ?
દિલ્હી સિવાય પંજાબ સરકાર પણ નીતિ આયોગની બેઠકમાં હાજરી નહીં આપે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ કેન્દ્ર સરકારને પત્ર લખીને ગંભીર આરોપ લગાવ્યા છે.
ભગવંત માને કહ્યું છે કે, કેન્દ્ર સરકાર પંજાબના હિતોનું ધ્યાન નથી રાખી રહી. છેલ્લી ઓગસ્ટની બેઠકમાં અમે RDF, પરાણી અને ખેડૂતોને લગતા મુદ્દાઓ ઉઠાવ્યા હતા પરંતુ તેના પર કેન્દ્ર સરકારે કોઈ ધ્યાન આપ્યું નથી.
અહીં તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં ટ્રાન્સફર પોસ્ટિંગનો અધિકાર લેફ્ટનન્ટ ગવર્નર પાસે હતો તેના માટે દિલ્હી સરકાર સુપ્રીમ કોર્ટ ગઈ હતી. કોર્ટે કહ્યું કે જનતા દ્વારા ચૂંટાયેલી સરકારને અધિકારીઓની બદલી-પોસ્ટિંગ કરવાનો અધિકાર છે. આ પછી દિલ્હી સરકાર મોટી બદલીઓ કરવાની યોજના બનાવી રહી હતી. આ દરમિયાન કેન્દ્રએ વટહુકમ લાવીને સુપ્રીમનો ચુકાદો પલટાવ્યો છે.
આ વટહુકમ અનુસાર, હવે કેજરીવાલ સરકાર ટ્રાન્સફર-પોસ્ટિંગ નહીં કરી શકે. આ અંગે અંતિમ નિર્ણય લેફ્ટનન્ટ ગવર્નરનો રહેશે. બીજી તરફ આમ આદમી પાર્ટી આ મામલાને સુપ્રીમ કોર્ટનું અપમાન ગણાવી રહી છે. હવે તે મોદી સરકાર સામે લડી લેવાના મુડમાં છે.












Click it and Unblock the Notifications
