લોકસભા ચૂંટણી 2024માં કેટલા ઉમેદવારોની જામીન થઈ જપ્ત, હારનારને કેટલા રુપિયાનુ થાય છે નુકશાન?
Lok Sabha Election Result 2024: લોકસભાની ચૂંટણી પૂરી થઈ ચૂકી છે. એનડીએ ગઠબંધન બહુમતી સાથે દેશમાં સરકાર બનાવવા જઈ રહી છે. આ દરમિયાન લોકસભા ચૂંટણી 2024ના ઘણા રસપ્રદ તથ્યો સામે આવ્યા છે. 543 સીટો પર 8360 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. ચૂંટણી પંચ પાસેથી મળેલી માહિતી મુજબ 7193 ઉમેદવારોની જામીન જપ્ત થઈ ગઈ છે.
ડિપોઝીટ ગુમાવનારા સૌથી વધુ ઉમેદવારો બહુજન સમાજ પાર્ટી (BSP)ના છે. આ ચૂંટણીમાં BSPએ દેશભરમાં 488 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. જેમાંથી 476ની જામીન જપ્ત કરાયા છે. માત્ર 1.5 ટકા ઉમેદવારો જ પોતાની જામીન બચાવી શક્યા છે.

રાષ્ટ્રીય પક્ષોમાં CPIM બીજા ક્રમે છે. તેના 57.69 ટકા ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ છે. સીપીઆઈએમએ ચૂંટણીમાં 52 ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જેમાંથી 30ની ડિપોઝીટ જપ્ત થઈ હતી. ત્રીજું સ્થાન NPPનું છે, જેમના 33.33 ટકા ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ છે. તેના ત્રણ ઉમેદવારોમાંથી એકની ડિપોઝીટ જપ્ત કરવામાં આવી હતી.
ટીએમસીએ 48 લોકોને ટિકિટ આપી હતી, જેમાંથી પાંચ જામીન બચાવવા માટે પૂરતા મત મેળવી શક્યા ન હતા. કોંગ્રેસના 328માંથી 26 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી. તે 7.9 ટકા સાથે પાંચમા સ્થાને છે. ભાજપના 441 ઉમેદવારોમાંથી 27 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ છે.
ઉમેદવારે કોઈ પણ ચૂંટણીમાં સુરક્ષા તરીકે ચૂંટણી પંચ પાસે ચોક્કસ રકમ જમા કરાવવાની હોય છે, જેને 'જામીન રકમ' અથવા સિક્યોરિટી ડિપોઝિટ કહેવામાં આવે છે. લોકસભા ચૂંટણી માટે સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ 25,000 રૂપિયા, જ્યારે SC-ST ઉમેદવારોએ 12500 હજાર રૂપિયા ચૂકવવાના હોય છે. આ સિવાય વિધાનસભા ચૂંટણીમાં સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ 10,000 રૂપિયા અને SC-ST કેટેગરીના ઉમેદવારોએ 5,000 રૂપિયા જમા કરાવવાના હોય છે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, જો કોઈ ઉમેદવારને કોઈપણ ચૂંટણીમાં કુલ માન્ય મતોના 1/6 મત એટલે કે 16.67 ટકા મત ન મળે તો તેની જામીન જપ્ત થઈ જાય છે. જો ઉમેદવાર 16.67થી વધુ મત મેળવે તો તેની સિક્યોરિટી ડિપોઝીટ પરત કરવામાં આવે છે. જ્યારે કોઈ ઉમેદવાર પોતાનું નામાંકન પાછું ખેંચે છે અથવા કોઈપણ કારણોસર તેનું નામાંકન રદ કરવામાં આવે તે દરમિયાન સિક્યોરિટી ડિપોઝીટ પણ પરત કરવામાં આવે છે. આ ઉપરાંત વિજેતા ઉમેદવારની જામીન પણ પાછી આપવામાં આવે છે.












Click it and Unblock the Notifications
