
દાદી અને માની જેમ રાહુલ પણ ચાલ્યા દક્ષિણ તરફ, શું મળશે કોંગ્રેસને ફાયદો?
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતે અમેઠી સંસદીય સીટ સાથે સાથે કેરળની વાયનાડ સીટથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. આમ તો રાહુલ ગાંધી 'ગાંધી પરિવાર'ના પહેલા એવા વ્યક્તિ નથી જે દક્ષિણના રણમાં ઉતરી રહ્યા છે પરંતુ તેમની પહેલા તેમની દાદીમા ઈન્દિરા ગાંધી અને મા સોનિયા ગાંધી પણ દક્ષિણ ભારતથી ચૂંટણી લડી ચૂક્યા છે અને બંનેને આમાં જીત પણ મળી હતી પરંતુ શું આ ઈતિહાસ રાહુલ ગાંધી પણ પુનરાવર્તિત કરી શકશે, આનો ઉત્તર તો 23 મેના રોજ મળશે. જે દિવસે ચૂંટણી પરિણામ આવશે.

દાદી ઈન્દિરાએ લડી હતી ચિકમંગલૂરથી પેટાચૂંટણી
વર્ષ 1977માં દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને રાહુલ ગાંધીના દાદી ઈન્દિરા ગાંધી રાયબરેલીથી ચૂંટણી હારી ગયા હતા ત્યારબાદ વર્ષ 1978માં ઈન્દિરાએ કર્ણાટકની ચિકમંગલૂર લોકસભા સીટથી પેટાચૂંટણી લડી હતી જેમાં તેમને જીત મળી હતી. ત્યારબાદ દેશમાં કોંગ્રેસ વિરોધી સ્થિતિ સુધરી હતી અને વર્ષ 1980માં કોંગ્રેસ આ રાજ્યની બધી 27 સંસદીય સીટ જીતવામાં સફળ રહી હતી. એ વર્ષે પણ ઈન્દિરાએ રાયબરેલી સાથે સાથે આંધ્રપ્રદેશની મેડક સીટથી વિજય મેળવ્યો હતો.

મા સોનિયાએ પણ લડી હતી બેલ્લારીથી ચૂંટણી
રાહુલ ગાંધીની મા અને યુપીએની ચેરપર્સન સોનિયા ગાંધીએ પણ વર્ષ 1999ની લોકસભા ચૂંટણીમાં અમેઠી સાથે સાથે કર્ણાટકની બેલ્લારી સંસદીય સીટથી ચૂંટણી મેદાનમાં નસીબ અજમાવ્યુ હતુ. સોનિયાએ બેલ્લારીમાં ભાજપના સુષ્મા સ્વરાજને ભારે મતોથી પરાજિત કર્યા હતા. સોનિયાએ આ વર્ષે અમેઠીથી પણ ચૂંટણી જીતી હતી એટલા માટે તેમણે બાદમાં બેલ્લારીમાં સંસદીય સીટથી રાજીનામુ આપી દીધુ હતુ.

આ છે વાયનાડ સીટથી ઈતિહાસ
હવે પોતાની મા અને દાદીની જેમ રાહુલ ગાંધીએ અમેઠી સાથે સાથે કેરળની વાયનાડ સીટને પણ પસંદ કરી છે, વાયનાડ કેરળની 20 લોકસભા સીટોમાંની એક છે, અહીં કુલ સાત વિધાનસભા સીટો છે, અહીં કોંગ્રેસના નેતા એમઆઈ શાનવાસ સાંસદ હતા જેમનુ ગયા વર્ષે નિધન થઈ ગયુ ત્યારબાદથી આ સીટ ખાલી છે. જો કે તમને જણાવી દઈએ કે વાયનાડમાં કોંગ્રેસનો સ્ટ્રાઈક રેટ 100 ટકા છે.

કોણ હતા શાનવાસ
શાનવાસ વ્યવસાયે બિઝનેસમેન હતા અને તેમણે પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો હતો. અહીંના સાંસદ એમઆઈ શાનવાસે ગઈ લોકસભા ચૂંટણીમાં સીપીઆઈના નેતા સત્યન મોકરીને હરાવ્યા હતા. શાનવાસે અહીં 41.21 ટકા એટલે કે 3,77,035 મતો મળ્યા હતા જ્યારે સીપીઆઈના ઉમેદવાર સત્યન મોકરીને 38.91 ટકા એટલે કે 3,65,165 મતો મળ્યા હતા. જ્યારે ત્રીજા નંબરે રહેલ ભાજપના ઉમેદવાર પીઆર રશ્મિલનાથને 80,752 એટલે કે 8.83 ટકા મતો મળ્યા હતા. સાંસદ એમઆઈ શાનવાસની વાત કરીએ તો તેમણે સંસદમાં કુલ 231 સવાલ પૂછ્યા અને તેમની ઉપસ્થિતિ 68 ટકા રહી હતી. સાથે શાનવાસે કુલ 46 ચર્ચામાં ભાગ લીધો. શાનવાસનું 67 વર્ષની ઉંમરે 21 નવેમ્બર, 2018ના રોજ નિધન થઈ ગયુ હતુ.
આ પણ વાંચોઃ કળયુગની માએ રોતા બાળકના હોઠને ફેવિક્વિકથી ચિપકાવી દીધા, પિતાએ જોયુ તો હોશ ઉડી ગયા