
લખનઉ: કોણ છે એ મહિલા જેણે ગરીબોના દીવા ફોડ્યા, પોલીસે લીધી એક્શન
દીવાળીનો તહેવાર ચાલી રહ્યો છે. આ સાથે લખનઉથી એક દુખદ ઘટના સામે આવી છે. લખનઉમાં એક મહિલાએ ગરીબોના દીવડાઓ તોડી નાખ્યા હતા. આ મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. લોકો આ મહિલા પર ફીટકાર વરસાવી રહ્યાં છે અને મહિલાની આલોચના કરી રહ્યા છે. પોલીસે પણ આ મામલે એફઆઇઆર નોંધી તપાસ હાથ ધરી છે.

કોણ છે એ મહિલા જેણે ગરીબોના દિવડા તોડ્યા
દિવાળી પર ગરીબોના દીવા અને માટીની વસ્તુઓ તોડનાર મહિલાનું નામ અંજુ ગુપ્તા છે. અંજુ ગુપ્તા વ્યવસાયે ડોક્ટર છે. રિપોર્ટ્સ અનુસાર અંજુના પિતા રિટાયર્ડ IAS ઓફિસર છે. અંજુ લખનૌની એક પ્રતિષ્ઠિત હોસ્પિટલની ડોક્ટર છે.

શું છે પુરો મામલો?
આ મામલો લખનૌના ગોમતી નગર પોલીસ સ્ટેશન વિસ્તારના પત્રકારપુરમનો છે. દિવાળી નિમિત્તે ગૌરી ગામના ગરીબ રહીશોએ ડિવાઈડર પર દિવા સહિત માટીની સુશોભનની વસ્તુઓની દુકાનો બનાવી હતી. સોમવારે અચાનક મહિલા ડોક્ટર અંજુ ગુપ્તા દુકાનોની સામે બનેલ રૂમમાંથી બહાર આવી અને આ દુકાનોમાં રાખેલા સામાનને વાઇપર વડે તોડવાનું શરૂ કર્યું હતુ.
|
વીડિયો વાયરલ, FIR દાખલ
આ દરમિયાન ત્યાં હાજર કેટલાક લોકોએ મહિલા ડોક્ટરને રોકવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ તે અટકી નહીં. આ સમગ્ર ઘટના દરમિયાન કોઈએ મહિલાનો વીડિયો બનાવીને વાયરલ કરી દીધો હતો. મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોએ કાર્યવાહીની માંગ શરૂ કરી હતી. હવે ડોક્ટર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ગોમતી નગર પોલીસે આ કેસમાં CrPCની કલમ 427 અને 504 હેઠળ કેસ નોંધ્યો છે. તમને જણાવી દઈએ કે, આ ઘટના વિશે ડૉક્ટર કહે છે કે તેના ગેટની બહાર જ શેરી વિક્રેતાઓએ કબજો કરી લીધો હતો. ગેટની બહાર સ્ટોલ લગાવવાનો વિરોઝ કરવામાં આવ્યો હતો. જેની સામે આ વિક્રેતાઓ તેની સાથે દલીલ કરવા લાગ્યા હતા.